MSU વીસીના બંગલાના પાંચ બાથરુમ પાછળ નવ લાખનો જંગી ખર્ચ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.વિજય શ્રીવાસ્તવ અને સિન્ડિકેટ સભ્યો  આમને સામને આવી ગયા છે.વાઈસ ચાન્સલરની કામ કરવાની પધ્ધતિને લઈને વિવાદો સર્જાયા છે  ત્યારે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના સત્તાવાર બંગલા પાછળ થયેલો ખર્ચ પણ હવે ચર્ચાનો વિષય બની રહ્યો છે.

મળતી વિગતો પ્રમાણે વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક થઈ એ પછી કમાટીબાગની સામે આવેલા સત્તાવાર નિવાસ સ્થાનમાં રહેવા આવતા પહેલા બંગલાનુ સમારાકામ કરાવવામાં આવ્યુ હતુ.જેમાં એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે, વાઈસ ચાન્સેલર બંગલાના પાંચ બાથરુમ પાછળ જ નવ લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને આ પૈકીના એક બાથરુમમાં ૫૭૦૦૦ રુપિયાનુ બાથ ટબ ખાસ નંખાવવામાં આવ્યુ હતુ.

આ સિવાય વીસી બંગલાનુ આખુ રસોડુ નવેસરથી બનાવાયુ છે.બંગલામાં સિવિલ વર્ક પાછળ ૧૯ લાખ રુપિયા, સુથારી કામ પાછળ ૧૧.૫૦ લાખ રુપિયાનો ખર્ચ કરાયો હતો.જ્યારે મેંગ્લોર ટાઈલ્સ રુફિંગ પાછળ ૨ લાખ રુપિયા અને કલર કામ પાછળ ચાર લાખ રુપિયા વાપરવામાં આવ્યા હતા.ખાલી ગાર્ડનના મેન્ટેનન્સ પાછળ ૧.૩૦ લાખ રુપિયા અને બીજા પરચૂરણ કામમાં ૩ લાખ રુપિયા વપરાયા હતા.આમ વીસી બંગલાના સમારકામ પાછળ વિદ્યાર્થીઓની ફી અને કરદાતાઓના ૫૦ લાખ રુપિયા વપરાયા હતા.આજ સુધી અન્ય કોઈ વાઈસ ચાન્સેલરે બંગલા પાછળ આટલો ખર્ચ કરાવ્યો નથી.ઉપરાંત પહેલી વખત વાઈસ ચાન્સેલરના બંગલામાં ગાયો રાખવા તબેલો પણ બનાવાયો છે.નવ માર્ચેમળનારી સિન્ડિકેટમાં પણ આ મુદ્દે સિન્ડિકેટ સભ્યો વાઈસ ચાન્સેલરને સાણસામાં લે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે

સાત વર્ષથી બંગલો બંધ હોવાથી સમારકામની જરુરિયાત હતી 

યુનિવર્સિટીના કન્સ્ટ્રક્શન વિભાગે કહ્યુ હતુ કે, અગાઉના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ વીસીના સત્તાવાર બંગલામાં રહેતા નહોતા અને તેના કારણે સાત વર્ષથી આ બંગલો બંધ હતો.તેમાં સમારકામની તાતી જરુરિયાત ઉભી થઈ હતી.ઠેક ઠેકાણેથી પાણી પણ પડતુ હતુ અને તેના કારણે વધારે ખર્ચ થયો છે.




https://ift.tt/ngxqXW5

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ