બોટાદમાં પ્રેમિકાના શૌખ પૂરા કરવા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને આત્મહત્યા વ્હોરી


- વઢવાણ રહેતી સાળીએ બનેવીને પ્રેમજાળમાં ફસાવી ત્રાસ ગુજારતી

- મરવા મજબૂર કરનાર સાળી અને 5 વ્યાજખોર સામે મૃતકના માતાએ ફરિયાદ નોંધાવી, યુવકને લેણાં મુક્ત કરવા મકાન ઉપર બેન્કલોન પણ લીધી હતી

ભાવનગર : બોટાદમાં રહેતા યુવાનને સગી સાળી સાથે લગ્નેત્તર સબંધ બંધાયા બાદ પ્રેમિકાના શૌખ અને ખર્ચ પૂરા કરવા યુવક વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયો હતો અને ત્યારબાદ વ્યાજખોરો અને પ્રેમિકા સાળીના ત્રાસથી કંટાળી આખરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી હતી.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરના ખસ રોડ, ટાઢાની વાડી પાસે રહેતા જગદીશભાઈ છનાભાઈ બથવાર (ઉ.વ.૩૨) નામના યુવકને લગ્ન જીવનમાં બે દીકરી અને એક દિકરો હોવા છતાં વઢવાણ ખાતે રોહિદાસ મંદિર સામે રહેતી તેની સગી સાળી વર્ષાબેન મનસુખભાઈ પરમારએ તેઓને પ્રેમજાળમાં ફસાવ્યા હતા. બાદમાં પૈસા અને મોજશોખની શૌખીન સાળીએ તેના બનેવી પાસેથી અવાર-નવાર ખર્ચના પૈસા પડાવવાનું શરૂ કરતા સાળીના પ્રેમમાં ગળાડૂબ જગદીશભાઈએ પ્રેમિકાના શૌખ પૂરા કરવા અને ત્રાસથી બચવા માટે કેતન વીંજુડા (રહે, મેમણ કોલોની, બોટાદ) પાસેથી ૨૦ ટકા વ્યાજે ૧.૩૦ લાખ, અનિરૂધ્ધ ખાચર (રહે, સાળંગપુર, બરવાળા) પાસેથી ૨૦ ટકા લેખે એક લાખ, અમરા મેરાભાઈ ચૌહાણ (રહે, સેંથળી, તા.બોટાદ) પાસેથી ૨૫ ટકા વ્યાજે ૧.૮૦ લાખ અને જતીન ઉર્ફે જયુ ચાવડા (રહે, ટાઢાની વાડી, બોટાદ) પાસેથી ૨૫ ટકા વ્યાજે દોઢ લાખ રૂપિયા લીધા હતા. જે ચારેય શખ્સ અવાર-નવાર રૂબરૂ, ફોન ઉપર અને ઘરે આવી વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા હોય, પરંતુ યુવક પાસે પૈસાની સગવડતા ન થતાં પ્રેમિકા સાળી અને ચાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ ગત તા.૧૫-૧ના રોજ બપોરના સમયે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મૃતકના માતા ગીતાબેન છનાભાઈ બથવાર (ઉ.વ.૫૦, રહે, ટાઢાની વાડી, ખસ રોડ, બોટાદ)એ દિકરાને મરવા મજબૂર કરનાર તેની પ્રેમિકા સાળી વર્ષાબેન મનસુખભાઈ પરમાર અને ચાર વ્યાજખોર કેતન વીંજુડા, અનિરૂધ્ધ ખાચર, અમર ચૌહાણ તેમજ જતીન ઉર્ફે જયુ ચાવડા વિરૂધ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પાંચેય વિરૂધ્ધ આઈપીસી ૩૦૬ અને ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ ૩૩ (૩), ૪૨ (એ), ૪૨ (ડી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, પુત્ર વ્યાજના વિષચક્રમાં ફસાયો હોય, જેને તેમાંથી બહાર કાઢવા માટે માતા-પિતાએ અગાઉ વ્યાજખોરોનો નાણાં ચુકવ્યા બાદ પોતાની દીકરી મનીષાબેનનું બોટાદના ખુશ્બુ રેસીડન્ટમાં આવેલ મકાન પણ બેન્કમાં ગીરવે મુકી ૩.૭૫ લાખ વ્યાજનું લેણું ચુકવ્યું હતું.

પત્નીને બાળકો સાથે ભાગ લેવા મોકલી અંતિમ પગલું ભર્યું

સબંધે સગી સાળીના પ્રેમજાળમાં ફસાયા બાદ જગદીશભાઈ વ્યાજના કૂવામાં ઉંડા ઉતરતા ગયા હતા. એક તરફ પ્રેમિકા સાળીનો ત્રાસ અને બીજી તરફ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી યુવકની જિંદગી દોજલ બની જતાં તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ ૧૫મી જાન્યુઆરીએ બપોરના સમયે પોતાના પત્ની શારદાબેનને ત્રણેય સંતાનોને ગામમાં ભાગ અપાવવા મોકલી બીજા માળે આવેલ રૂમમાં પ્રથમ કોઈ સાથે વાત કર્યા બાદ પંખા સાથે સાડી બાંધી આપઘાત કરી લીધો હતો. દરમિયાનમાં દિકરી રૂમમાં જતાં પપ્પા પંખા સાથે ટીંગાય ગયાની જાણ તેણે અન્ય પરિવારજનોને કરી હતી.



https://ift.tt/n8Y2Gtx

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ