ગોમતીજીની સ્વચ્છતા અને રાતે બોટ ન ચલાવવા સહિતના નિયમોની દરકાર ન કરતાં પગલું લેવાયું


- ડાકોર ખાતે નૌકાવિહાર માટેની એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ

ડાકોર : યાત્રાધામ ડાકોર ખાતે ગોમતી નદીમાં નૌકાવિહાર ચાલે છે. ડાકોર નગરપાલિકા દ્વારા નૌકાવિહાર ચલાવવા માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એજન્સીએ શરતોને આધિન કામ ન કરતાં અને અવારનવાર સૂચના- નોટિસો આપવા છતાં યોગ્ય ગામગીરી ન કરતાં અંતે પાલિકા પ્રમુખે એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો ચીફ ઓફિસને હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાકોર નગરપાલીકા દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ૯૯૯ વીંઘાના ગોમતી તળાવમાં નૌકાવીહાર કાર્યરત છે. અહીં પંકજ પટેલના નામથી ચાલતી એજન્સીનો કોન્ટ્રાક્ટ તારીખ ૧/૬/૨૦૧૮ના રોજ ૧૪ શરતોને આધીન આપવામાં આવ્યો હતો. આ કરારમાં એજન્સી ૧૪ શરતોનું પાલન ના કરે તો તેનો કોન્ટ્રાકટ રદ કરવાની સત્તા પ્રમુખ અને ચીફ ઓફિસરને આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કરારનાં નીયમમાં ગોમતી સ્વચ્છ રાખવાનું લખ્યું હતું અને જો  સ્વચ્છ ના રાખેતો એજન્સીને નોટિસ આપ્યા સિવાય તેનો કોન્ટ્રાકટ રદ કરવાનો ઉલ્લેખ હતો. વધુ એક નિયમ એવો પણ લખ્યો હતો કે  કોઈપણ મોટરબોટ રાતના સમય દરમ્યાન ચલાવવામાં નહીં આવે ત્યારે આ એજન્સી દ્વારા અગાઉ રાત્રી દરમ્યાન મોટરબોટ ચલાવી હતી અને જેને લઈને ઘણો હોબાળો થયો હતો. ગોમતી તળાવની સ્વચ્છતા બાબતે  ડાકોરમાં આવતા દર્શનાર્થીઓએ ડાકોર નગરપાલીકાના પ્રમુખનું ધ્યાન દોરતાં ડાકોર નગરપાલીકાના પ્રમુખે તારીખ ૨/૩/૨૦૨૩ના રોજ ડાકોર ચીફ ઓફિસરને પંકજભાઈ પટેલ નામની એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવાનો હુકમ ચીફ ઓફિસર ને કર્યો હતો.

વારંવાર સૂચના છતાં કાર્યવાહી ન થતાં પગલું ભર્યું : પાલીકા પ્રમુખ

આ બાબતે ડાકોર નગરપાલીકાના પ્રમુખ મયુરિબેનને પૂછતાં જણાવ્યું હતું કે, 'આ એજન્સી કેટલાય સમયથી ગોમતીનો કોન્ટ્રાકટ રાખે છે અને  વારંવાર નીયમોનો ભંગ કરે છે અગાઉ પણ સૂર્યાસ્ત પછી બોટીંગ ચાલુ રાખ્યું હતું ત્યારે માત્ર નોટિસ આપી અને જતું કર્યું હતું અને ગોમતીજીની સફાઈ બાબતે કેટલાય ભક્તોની ફરિયાદો આવી હતી પરંતુ વારંવાર સૂચનાઓ આપ્યા છતાં એજન્સીની કોઈ યોગ્ય કામગીરી ના કરતા તેનો કોન્ટ્રાકટ રદ કરવાનો હુકમ કરી પગલું ભર્યું છે.'

હજુ મને જાણ નથી ચીફ ઓફિસર

આ બાબતે ડાકોર નગરપાલીકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલને પૂછતાં તેમણે 'હજુ આ અંગે મને જાણ થઈ નથી' તેવો વળતો જવાબ આપ્યો હતો. 



https://ift.tt/BG1fPsW

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ