- વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી ભારે ઝાપટાં વરસ્યા
- ધૂળની ડમરીઓ ઉડતા વાહન વ્યવહારને વ્યાપક અસર, ઘરોમાં ધૂળના ઢગલા થયા : ખેડૂતો માટે કમોસમી વરસાદ કમર ભાંગી, આજે પણ કમોસમી વરસાદની આગાહીનાંખનારો
ભાવનગરમાં બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે તોફાની પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. મોડી સાંજે તો જાણે વાવાઝોડું હોય તેવી રીતે પવનની ઝડપ વધી ગઈ હતી. જેના કારણે કેટલાક સ્થળોએ બોર્ડ-બેનર ઉડયાં હતા. સિહોરમાં સતત ત્રીજી દિવસે વીજળીના કડાકા-ભડાકા સાથે રોડ પલાળી દેતો કમોસમી વરસાદ વરસ્યો હતો. સિહોર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે માવઠું વરસ્યું હતું. ગારિયાધારમાં સમીસાંજના સમયે સુસવાટા મારતા પવન અને વીજળીના ગડગડાટ સાથે હળવો વરસાદ ખાબક્યો હતો. વંટોળના કારણે લોકોની મુશ્કેલી વધી હતી. તળાજામાં સાંજના સમયે વાવાઝોડા જેવા પવનને કારણે ધૂળની ડમરીઓ, બોર્ડ-બેનરો ઉડયા હતા. વીજળીના બિહામણાં ચમકારા વચ્ચે છાંટા વરસ્યા હતા. પાલિતાણામાં સતત ત્રીજા દિવસે વાદળિયા વાતાવરણ વચ્ચે બપોરે પવન ફૂકાવાનું શરૂ થતાં લોકોને ગરમીમાં રાહત મળી હતી. ત્યારબાદ સાંજના સમયે છુટોછવાયો વરસાદ ખાબકી ગયો હતો. જેસરમાં ભારે પવન અને વીજ કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકી ગયો હતો. તેની સાથે લીંમડાના ઝાડ ઉપર વીજળી ત્રાટકી હતી. મહુવામાં બપોરે ૧૨ કલાક આસપાસ વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળોએ આકાશમાં પડવાવ નાંખી ઝાપટાં વરસાવ્યા હતા. મહુવા ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. વલ્લભીપુર પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું. વીજળીના કડાકા-ભડાકા સાથે છુટાછવાયા છાંટા વરસ્યા હતા. ઉમરાળા પંથકમાં તોફાની પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. આ સાથે ઉમરાળા, ધોળા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઘોઘામાં પણ પવન સાથે માવઠાંનો માહોલ રહ્યો હતો.
આજે સમગ્ર જિલ્લાને તોફાની પવન ધમરોળી નાંખતા હાઈવે ઉપરાંત રાજમાર્ગો ઉપર ધૂળની ડમરીઓને કારણે વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ હતી. ઘણાં જગ્યાએ તો આગળનો રસ્તો જ દેખાતો બંધ થઈ જતાં વાહનો થંભી ગયા હતા. તો વાહનચાલકોને આંખમાં ધૂળ ઉડવાની સમસ્યા રહી હતી. આ ઉપરાંત લોકોના ઘરોમાં ધૂળના ઢગલા થતાં મહિલાઓની સફાઈ કરવામાં મહેનત વધી હતી. ખેડૂતો માટે કમોસમી વરસાદ કમર ભાંગી નાંખનારો હોય હજુ આવતીકાલે તા.૭-૩ને મંગળવારે ભાવનગરની સાથે બોટાદમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વીજળી પડતા લીંમડાના ઝાડાના બે ફાડા થયા
જેસરના બોદરવાડી વિસ્તારમાં સાર્દુળભાઈ બોદરના ઘરની બાજુમાં આવેલા ૧૮થી ૨૦ ફૂટના લીમડાના ઝાડ ઉપર વીજળી પડતા લીમડાના ઝાડાના બે ફાડા ગથઈ ગયા હતા. ઝાડની છાલો પણ ઉખડી ગઈ હતી. સદ્નસીબે વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જેસર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ ઝાપટાં વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, અન્નદાતા ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વખત આવ્યો હતો.
તળાજામાં 10 મીટર દૂરનો રસ્તો દેખાતો બંધ થયો
તળાજામાં મિની વાવાઝોડાને કારણે ધૂળની ડમરીઓ ઉડતા તિલકચોર પોલીસ ચોકીથી માત્ર ૧૦ મીટર દૂર ગાંધીજીના બાવલા તરફનો રસ્તો દેખાતો બંધ થઈ ગયો હતો. શાકમાર્ટ અને બજારમાં ખરીદી કરવા આવેલા લોકોમાં ભાગદોડ મચી હતી. અમુક વેપારીઓએ તો પોતાની દુકાનના શટર વહેલા પાડી દીધા હતા. વધુમાં પવન અને માવઠાંને કારણે ઘઉં, ચણાનો પાક, આંબા પરના મોલ, તલ વગેરે પાકને નુકશાન થયું હતું. મિની વાવાઝોડા વચ્ચે લોકોને ઘરની બહાર ન નીકળવા તેમજ વૃક્ષો, બોર્ડ-બેનર કે કોઈ અન્ય મોટી વસ્તુ ધરાશાયી થઈ હોય તો ન.પા. તંત્રને જાણ કરવા ચીફ ઓફિસરે અપીલ કરી હતી. આ ઉપરાંત વીજળી ડૂલ થવાની પણ સમસ્યાનો લોકોને સામનો કરવો પડયો હતો.
મહુવા પંથકમાં માવઠાંએ ખેડૂતોની ચિંતા વધારી
મહુવા પંથકમાં ભરઉનાળે ચોમાસાનો માહોલ બંધાયો હોય, મહુવા શહેર ઉપરાંત વાંગર, માઢિયા, નાના જાદરા, ભાદરા, દેવળિયા વગેરે ગામોમાં ઝાપટાં વરસ્યા હતા. જેના કારણે ડુંગળી, મગફળી, કપાસ વગેરે ઉભા પાકને નુકશાન થયું હતું. પંથકમાં માવઠાંને કારણે હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જવાની દહેશત વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
પાલિતાણામાં કલાકો સુધી વીજળી ડૂલ થતાં મુશ્કેલી
પાલિતાણામાં છેલ્લા ત્રણ દિવસથી માવઠાંનો માહોલ સર્જાયો છે. તેમાં આજે બપોરના સમયે ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ ખાબકી જતાં વીજ તંત્રની પોલ ખુલી હતી. વરસાદના બે છાંટા અને પવનને કારણે પાલિત્ણા શહેરના ૬ ફીડર, રૂરલના ચાર, ઘોડીઢાળના પાંચ ફીડર હેઠળના વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. જેના કારણે રહિશોને અંધારપટમાં રહેવાની ફરજ પડી હતી. તો ઉદ્ય?ગ-ધંધાને પણ વીજ પ્રવાહના અભાવે નુકશાની વેઠવી પડી હતી. પીજીવીસીએલની ઘોરબેદરકારીને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. આજે પાલિતાણા ઉપરાંત રાજસ્થળી, લાપાળિયા, લાખાવાડ, અનિડા, માંડવડા, ભાદાવળ, પીપરડી, જામવાળી-૧, ૨, નાની-મોટી પાણિયાળી, નાની-મોટી સોનપરી, થોરાળી વગેરે ગામોમાં કમોસમી વરસાદ થતાં ઘઉં, ડુંગળી, જીરૂં વગેરે પાકોને નુકશાન થયું હતું.
સિહોરમાં સતત ત્રીજા દિવસે માવઠાંનો માર
સિહોર પંથકના લોકો છેલ્લા ત્રણ દિવસથી માવઠાંનો માર સહન કરી રહ્યા છે. વીજળીના કાન ફાડી નાંખે તેવા કડાકા-ભડાકા અને ભારે પવન સાથે આજે મોડી સાંજ સુધી વરસાદ શરૂ રહેતા રોડ ભિંજાયા હતા. ત્રણ દિવસથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો હોય, ખેડૂતોની લલાટે ચિંતાની લકીર તણાઈ હતી.
ગારિયાધારમાં વૃક્ષની ડાળી ધરાશાયી, વીજ પુરવઠો બંધ
ગારિયાધાર શહેરમાં આજે સમી સાંજ બાદ ઠંડા પવન સાથેનું મિની વાવાઝોડું ફૂંકાયું હતું. જેના કારણે પાલિતાણા રોડ પર એક વૃક્ષની મોટી ડાળી ધરાશાયી થઈ રસ્તા પર પડી હતી. જો કે, સદ્નસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. કમોસમી વરસાદના પગલે શહેરમાં ઠેક-ઠેકાણે પાણીના ખાબોચિયા ભરાયા હતા. જ્યારે વીજ પુરવઠો પણ બંધ થઈ જતાં લોકોને હાડમારી વેઠવી પડી હતી. ગારિયાધાર ઉપરાંત તાલુકાના પરવડી, સુખપર, મોટી વાવડી સહિતના ગામોમાં નેવાધાર કમોસમી વરસાદ ખાબક્યો હોવાના વાવડ મળ્યાં હતા.
https://ift.tt/eEZzRiQ
0 ટિપ્પણીઓ