વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ ખાતે આજે શહીદ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને તેમાં વાઈસ ચાન્સેલરની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન, વિદ્યાર્થી વિકાસ સંઘ સહિતના બીજા કેટલાક સંગઠનો દ્વારા આજે શહીદ દિવસ નિમિત્તે કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગથી યુનિટ બિલ્ડિંગ સુધી એક રેલી કાઢવામાં આવી હતી.એ પછી યુનિટ બિલ્ડિંગ ખાતે સ્થાપિત કરાયેલી મહાન ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ, બીજા નેતાઓ, સિન્ડિકેટ સભ્યોને આમંત્રણ અપાયુ હતુ અને તેઓ હાજર પણ રહ્યા હતા.જ્યારે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કે યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે રજિસ્ટ્રારની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.એવી પણ ચર્ચા ચાલી હતી કે, વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓને વાઈસ ચાન્સેલર સામાન્ય રીતે મળવાનુ ટાળતા હોય છે એટલે આજના કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપવાનુ ટાળવામાં આવ્યુ છે.
જોકે એજીએસયુના એક આગેવાને કહ્યુ હતુ કે, વાઈસ ચાન્સેલરને આમંત્રણ આપવા માટે અમે બુધવારે બે ફોન કર્યા હતા પણ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.આજે સવારે ફોન પર ફરી તેમને આમંત્રણ આપ્યુ હતુ.જોકે વાઈસ ચાન્સેલરને અન્ય કોઈ કામ હોવાના કારણે તેમણે હાજર રહેવાની અશક્તિ દર્શાવી હતી .જોકે તેમણે આ પ્રકારનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હોવાની વાતને આવકાર આપ્યો હતો.
https://ift.tt/DNU2a6Z
0 ટિપ્પણીઓ