- હિમાલયમાં બરફ પીગળતા સ્થિતિનો લાભ લઈ ચીન એલએસી પર છમકલું કરવાની ફિરાકમાં
- યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા જીતે તો ચીન પણ ભારત પર હુમલો કરશે : યુએસના પૂર્વ સંરક્ષણ મંત્રીનો દાવો
- ગલવાન ઘાટીમાં ક્રિકેટ મેચના આયોજન પછી હવે ભારતીય સૈન્યે નિરીક્ષણ વધાર્યું
નવી દિલ્હી : પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ ત્સો સરોવર અને ગલવાન ઘાટીની હિંસા પછી ભારત અને ચીનના સંબંધો કથળેલા છે ત્યારે ભારતીય સૈન્યના જવાનોએ શુક્રવારે ગલવાન ઘાટીમાં ક્રિકેટ મેચનું આયોજન કર્યા પછી હવે આ વિસ્તારમાં જાપ્તો વધારી દીધો છે. શિયાળો પૂરો થઈ ગયો છે અને બરફ પીગળવા લાગ્યો હોવાથી ચીન બદલાતા વાતાવરણનો લાભ લઈને ગલવાનમાં ઘૂસણખોરીની ફિરાકમાં હોવાની આશંકાએ ભારતીય સૈન્ય એલર્ટ થઈ ગયું છે. ભારતીય સૈન્યે શનિવારે ગલવાનમાં પેટ્રોલિંગનો એક વીડિયો જાહેર કર્યો હતો.
જી-૨૦ના વિદેશ મંત્રીઓની પરિષદ સમયે ભારતના વિદેશમંત્રી સુબ્રમણ્યમ્ જયશંકર અને ચીનના વિદેશમંત્રી ક્વિન ચાંગ સાથે વાતચીત થઈ હતી. તેમાં જયશંકરે ચીનના વિદેશમંત્રીને બહુ સ્પષ્ટ શબ્દો કહ્યા. આ સાથે પૂર્વ લદાખમાં એલએસી પાસે ભારતીય સૈન્યે તેની ગતિવિધિઓ વધારી દીધી છે. પેંગોંગ ત્સો સરોવર અને ગલવાન ખીણ વિસ્તારમાં ભારતીય સૈન્યે ઘોડા અને ખચ્ચરો પર નિરીક્ષણ વધારી દીધું છે. આ સિવાય પેંગોંગ ત્સો સરોવર પન્ભારતીય સૈન્યે હાફ મેરેથોનનું આયોજન કર્યું છે.
ભારતમાંથી શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે પૂર્વીય લદાખના આ વિસ્તારોમાં બરફ ઓગળતાં ચીનની સેનાની કાર્યવાહી વધવાની સંભાવના હોવાથી અહીં સઘન સર્વેક્ષણ શરૂ કરાયું છે. આ વિસ્તારમાં નદી અને ઝરણાં પણ પુષ્કળ છે તેથી જવાનો ઘોડા અને ખચ્ચરો ઉપર જાય છે. આ પહેલાં ભારતીય સૈન્યે શુક્રવારે ગલવાન ખીણની તસવીરો જાહેર કરી હતી, જેમાં જવાનોની ચીન સાથેના ઘર્ષણવાળા આ વિસ્તાર પર ક્રિકેટ રમતી તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.
જોકે, ભારતીય સૈન્યે ખુલાસો નહોતો કર્યો કે આ તસવીરો ક્યાંની છે. અહીં માત્ર જવાન ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. જોકે, કેટલાક મીડિયા સૂત્રો મુજબ ભારતીય જવાનો ક્રિકેટ રમી રહ્યા હતા તે જગ્યાએ પેટ્રોલ પોઈન્ટ ૧૪થી લગભગ ૪ કિ.મી. દૂર છે. પેટ્રોલ પોઈન્ટ ૧૪ એ જગ્યા છે જ્યાં ચીની સૈન્યે જૂન ૨૦૨૦માં ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો.
દરમિયાન અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી જનરલ જીમ મેટીસે ચીન એલએસી પર આક્રમણ કરી શકે છે તેવી આશંકા દર્શાવી હતી. દિલ્હીમાં 'રાયસીના ડાયલોગ' 'ધ ઓલ્ડ, ધ ન્યૂ એન્ડ ધ અનકન્વેન્શનલ એસેસિંગ કોન્ટેમ્પરી ક્લોમ્ફીક્ટસ' વિષય ઉપર બોલતાં જીમ મેટીસે જણાવ્યું હતું કે, યુક્રેન ઉપરના રશિયાના આક્રમણની અસરને ધ્યાનમાં રાખીને ચીન ભારત પર હુમલો કરી શકે છે.
રશિયા યુક્રેન પરના આક્રમણમાં સફળ થશે તો ચીન એલએસી પર આક્રમણ કરશે અને અરૂણાચલ પ્રદેશ અને પૂર્વીય લદ્દાખના પ્રદેશો કબજે કરવાનો પ્રયત્ન કરશે. હાલ યુક્રેન પર રશિયાના આક્રમણ અને તેની અસરો પર ચીનની બાજ નજર છે.
રશિયા અને યુક્રેન યુદ્ધના સંદર્ભમાં મેટીસે કહ્યું કે ગણતરીના દિવસોમાં યુક્રેન પર વિજય મેળવવાની રશિયાની મહેચ્છા હતી. તેની સૈન્ય શક્તિને જોતા પુતિન ત્રણેક સપ્તાહમાં યુક્રેન પર કબજો મેળવી શક્યા હોત, પરંતુ અમેરિકા અને પશ્ચિમી દેશોની સહાયથી યુક્રેને રશિયન સૈન્યને પીછેહઠ માટે મજબૂર કર્યું છે.
https://ift.tt/LXayQlC from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/N2ImERv
0 ટિપ્પણીઓ