- લોકાયુક્તની પાંચ ટીમો દ્વારા મોડી રાત સુધી તપાસ અભિયાન
- પુત્રને લાંચ લેતા ઝડપી લીધા બાદ જપ્ત કરાયેલી બેનામી સંપત્તિમાં ધારાસભ્ય મુખ્ય આરોપી, પાંચની અટકાયત
- કર્ણાટકના ધારાસભ્ય વિરુપક્ષપ્પાનાનું રાજીનામું
બેંગલુરુ : કર્ણાટકના ભાજપના ધારાસભ્યના પુત્રના ઘર અને ઓફિસમાં લોકાયુક્ત વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન છ કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય કે મડલ વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંત મડલને લોકાયુક્તની ટીમે ૪૦ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવાયા હતા, જે બાદ આ દરોડા પાડતા વધુ બેનામી રોકડ મળી આવી હતી. પુત્ર લાંચ લેતા ઝડપાતા કર્ણાટકમાં ચન્નાગિરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય એમ. વિરુપક્ષપ્પાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે.
ધારાસભ્યના પુત્ર પ્રશાંત મડલ બેંગલુરુના પાણી પુરવઠા અને સેવેજ બોર્ડના મુખ્ય એકાઉન્ટન્ટ છે. તેઓને કર્ણાટકની સાબુ અને ડિટર્જેન્ટ લિ.ની ઓફિસમાં કેમિક્સિલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર શ્રેયાષ કશ્યપ પાસેથી લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા. ધારાસભ્યના પુત્રને લાંચ લેતા ઝડપી લેવા માટે લોકાયુક્ત દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેના થોડા જ સમય બાદ તેના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તેના ઘરેથી છ કરોડ રૂપિયા મળી આવ્યા હતા, જે ક્યાંથી આવ્યા તે જણાવવામાં ધારાસભ્યના પુત્ર નિષ્ફળ રહ્યા હતા તેથી બાદમાં તેને જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
લોકાયુક્ત દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ તપાસ અભિયાન માટે અમે પાંચ ટીમોને રવાના કરી હતી, આખી રાત્ર આરોપીઓના ઘર અને ઓફિસની તપાસ ચલાવવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં જે ફરિયાદ દાખલ કરાઇ છે તેમાં ધારાસભ્યને મુખ્ય આરોપી જ્યારે તેના લાંચ લેતા ઝડપાયેલા પુત્રને આરોપી નંબર બે બનાવવામાં આવ્યા છે. જે અન્ય લોકો આરોપી છે તેમાં આરોપીઓના પરિવારજન અને કર્ણાટકા એરોમાસ કંપનીના ફિલ્ડ વર્કર્સનો સમાવેશ થાય છે. હાલ પાંચ આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા ભાજપ સરકારને ઘેરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમે આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ લોકો આરોપી સાબિત થશે તેની સામે પગલા લેવામાં આવશે.
https://ift.tt/s3rAy1h from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PvNhEp7
0 ટિપ્પણીઓ