ઑસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર હુમલા ચિંતાજનક : મોદી


- ઑસ્ટ્રેલિયન પીએમ અલ્બનીઝે ભારતીયોની સુરક્ષાને પ્રાથમિક્તાની ખાતરી આપી

- ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે સ્પોર્ટ્સ, ઈનોવેશન, ઓડિયો-વિઝ્યુઅલ પ્રોડક્શન અને સોલાર પાવરના ક્ષેત્રોમાં વિકાસ માટે ચાર કરાર

- અલ્બનીઝને ભારત સાથે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષામાં સહયોગ, વ્યાપક આર્થિક સહયોગ સમજૂતી થવાની આશા

- મોદી-અલ્બનીઝે સંરક્ષણ સહકાર, વેપાર, સૌર ઊર્જા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. અલ્બનીઝે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ સમયે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર ખાલિસ્તાનીઓ દ્વારા થઈ રહેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સિવાય બંને વડાપ્રધાનોએ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકાર, સૌર ઊર્જા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ભારત અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાનોએ શુક્રવારે નવી દિલ્હીમાં યોજાયેલી તેમની પહેલી સમિટ વાટાઘાટો દરમિયાન સ્પોર્ટ્સ, ઈનોવેશન, ઓડિયો-વિઝ્યુઅલ પ્રોડક્શન અને સોલાર પાવરમાં સહકાર વધારવા માટે ચાર કરાર કર્યા હતા. વધુમાં આ બેઠકમાં બંને દેશના વડાપ્રધાનો વચ્ચે સ્વચ્છ ઊર્જા, વેપાર અને રોકાણ, સંરક્ષણ તથા સલામતી, મહત્વપૂર્ણ ખનીજો, વસાહતીઓ અને પરિવહન, પુરવઠા ચેઈન, શિક્ષણ, સંસ્કૃતિ અને સ્પોર્ટ્સ જેવા મુદ્દાઓમાં સહકાર વધારવા માટે ચર્ચા થઈ હતી.

આ બેઠક પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મેં ઑસ્ટ્રેલિયામાં મંદિરો પર થઈ રહેલા હુમલાના સમાચારો જોયા છે. મેં પીએમ અલ્બનીઝ સાથે આ અંગે વાત કરી છે. તેમણે મને આશ્વાસન આપ્યું છે કે ઑસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે પ્રાથમિક્તા છે. ભારતમાં ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝનું હું સ્વાગત કરું છું. ગયા વર્ષે બંને દેશોએ વડાપ્રધાન સ્તરની વાર્ષિક બેઠક કરવાનો નિર્ણય કર્યો હતો. પીએમ એન્થની અલ્બનીઝે આ પ્રવાસની શ્રેણીનો શુભારંભ કર્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રમાં અમે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર સમજૂતીઓ કરી છે, જેમાં એકબીજાના સૈન્ય માટે લોજિસ્ટિક સપોર્ટનો પણ સમાવેશ થાય છે. અમારી સુરક્ષા એજન્સીઓ વચ્ચે પણ નિયમિત અને ઉપયોગી માહિતીનું આદાન-પ્રદાન થાય છે તથા અમે તેને વધુ સુદૃઢ કરવા ચર્ચા કરી છે. આજે અમે વૈશ્વિક સ્તરની સપ્લાય ચેઈન વિકસિત કરવા માટે પરસ્પર સહયોગ વધારવા ચર્ચા કરી હતી. અમે ક્લીન હાઈડ્રોજન અને સોલરમાં પણ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

મોદીએ જણાવ્યું કે, સુરક્ષા સહયોગ અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ છે. અમે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષામાં સહયોગ સુનિશ્ચિત કરવા વ્યાપક ચર્ચા કરી છે. બંને દેશ ક્વાડ ગૂ્રપના સભ્ય છે.  ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે કહ્યું કે આજે પીએમ મોદી અને હું અમારા મહત્વાકાંક્ષી વ્યાપક આર્થિક સહયોગ સમજૂતીને વહેલી તકે પૂરી કરવા સંમત થયા છીએ. મને આશા છે કે અમે આ વર્ષે તેને અંતિમ રૂપ આપવા સક્ષમ બનીશું. 

ગયા વર્ષે ભારત અને ઓસ્ટ્રેલિયાએ ઈકોનોમિક કો-ઓપરેશન ટ્રેડ એગ્રીમેન્ટ (ઈસીટીએ)ને અંતિમ ઓપ આપ્યો હતો અને તેનો અમલ ગયા ડિસેમ્બરમાં થયો હતો. હવે બંને પક્ષો સીઈસીએ પર કામ કરી રહ્યા છે.



https://ift.tt/mOXnWFG from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fmlYUcB

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ