લદ્દાખ-અરૂણાચલમાં યુક્રેન જેવી સ્થિતિ, યુએસ સાથે સંબંધોથી ચીન છંછેડાયું : રાહુલ


- રાહુલે બ્રિટન પ્રવાસના છેલ્લા તબક્કામાં આપેલા નિવેદનોએ ચર્ચા જગાવી

- આરએસએસ મુસ્લિમ બ્રધરહૂડ જેવું ફાસીવાદી સંગઠન, ભાજપને લાગે છે તે હંમેશા સત્તા પર રહેશે : રાહુલ ગાંધી

નવી દિલ્હી : બ્રિટનના પ્રવાસે ગયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી તથા ચીન સાથેની સરહદે તણાવપૂર્ણ સ્થિતિ માટે પણ પોતાની જ સરકારને જવાબદાર ઠેરવી હતી. રાહુલે કહ્યું કે લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં યુક્રેન જેવી સ્થિતિ છે. ભારતે અમેરિકા સાથે સંબંધો વધાર્યા હોવાથી ચીન છંછેડાયું છે. વધુમાં તેમણે આરએસએસને ફાસીવાદી સંગઠન ગણાવ્યું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના બ્રિટન પ્રવાસના અંતિમ દિવસે કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું કે, અત્યારે પૂર્વીય લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં યુક્રેન જેવી સ્થિતિ સર્જાઈ છે. રશિયાએ જે રીતે યુક્રેનને પોતાનું ગણાવી તેના પર હુમલો કર્યો છે તેમ ચીન પણ લદ્દાખ અને અરૂણાચલને પોતાના ગણાવી તેના પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ ચીનના જોખમને હજુ કેન્દ્ર સરકાર આંકી શકતી નથી. મેં વિદેશ મંત્રી જયશંકર સાથે આ અંગે વાત કરી તો તેમણે તેને 'હાસ્યાસ્પદ વિચાર' ગણાવ્યો હતો.

લંડનના ચેથમ હાઉસ થિંક ટેંકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, યુક્રેનમાં જે મૂળ સિદ્ધાંત લાગુ કરાયો છે તે એ છે કે રશિયા યુક્રેનને કહે છે કે યુરોપ અને અમેરિકા સાથે તેના સંબંધોનો તે સ્વીકાર નહીં કરી શકે. ચીન પણ ભારત અને અમેરિકાના વધતા સંબંધોથી છંછેડાયું છે. તેનું પણ એ જ કહેવું છે કે તમે અમેરિકા સાથે સંબંધ રાખી પ્રાદેશિક અખંડતાને પડકારશો તો અમે સાંખી નહીં લઈએ.

રાહુલ ગાંધીએ ભાજપની ઝાટકણી કાઢતા કહ્યું કે, ભાજપનું માનવું છે કે તે હંમેશા સત્તામાં જ રહેશે. એવી વાયકા ફેલાવાઈ છે કે ભાજપને કોઈ હરાવી શકે તેમ નથી, પરંતુ હકીકતમાં એવું નથી. કોંગ્રેસનો સમય ખતમ થઈ ગયો છે તેમ કહેવું હાસ્યાસ્પદ છે. ભાજપ ૨૦૧૪માં સત્તા પર આવ્યો હતો અને તેના અગાઉ ૧૦ વર્ષ સુધી અમારું શાસન હતું. હવે દેશમાં પરિવર્તન આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ ભાજપની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ ટીકા કરી હતી અને કહ્યું કે, આરએસએસ મુસ્લિમ બ્રધરહૂડ જેવું ફાસીવાદી સંગઠન છે. આરએસએસ જેવા કટ્ટરવાદી સંગઠને દેશની બધી જ સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. ભારતમાં અખબાર, ન્યાયતંત્ર, સંસદ અને ચૂંટણી પંચ બધા પર જોખમ તોળાઈ રહ્યું છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે ભારતમાં સંસદમાં વિપક્ષના નેતાઓના માઈક અનેક વખત બંધ કરી દેવાય છે.

રાહુલ ગાંધીને ભારત-પાકિસ્તાનના સંબંધો અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, પડોશી દેશો સાથે સંબંધો સારા હોવા જોઈએ તેમ તેઓ માને છે. પરંતુ પાકિસ્તાન ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું હોવાથી ભારત માટે તે ખૂબ જ મુશ્કેલ છે. રાહુલ ગાંધીનો બ્રિટન પ્રવાસ તેમની ભારત જોડો યાત્રાની સફળતા મુદ્દે ચર્ચા સાથે પૂરો થયો હતો.

ભારતને બદનામ કરનારા રાહુલ પર માઓવાદી વિચારધારાની અસર : ભાજપ

બ્રિટનના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી સતત ભાજપ અને આરએસએસની ટીકા કરી રહ્યા છે ત્યારે ભાજપે મંગળવારે કોંગ્રેસ નેતા પર વિદેશમાં જઈને દેશને બદનામ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી અમેરિકા અને યુરોપ જેવી વિદેશી તાકતોને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાની માગ કરી રહ્યા છે. આમ કહીને તેઓ દેશને શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે. રાહુલ ગાંધી વિદેશમાં જતા જ બધી જ મર્યાદા, શાલીનતા, લોકતાંત્રિક શરમ બધું જ ભૂલી જાય છે. 

તેમણે લંડનના ભાષણોમાં ભારતના લોકતંત્ર, સંસદ, રાજકીય વ્યવસ્થા, ન્યાયતંત્ર બધાનું અપમાન કર્યું છે. હકીકતમાં કોંગ્રેસમાં હતાશા અને નિરાશા સ્પષ્ટ જોવા મળે છે. તે હાર પચાવી શક્યા નથી.



https://ift.tt/bxDm53o from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6Mzf1Th

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ