એક લાખના રોકાણ સામે પ્રતિદિન રૂ.૫૦૦ના વળતરનું કહી છેતરપિંડી

 અમદાવાદ,શનિવાર

શહેરના સેલામાં રહેતા એક યુવકને ગુગલ પ્લે સ્ટોર પરથી નાણાંકીય વળતર આપતી એક મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું ભારે પડયું હતું. જેમાં એપ્લીકેશનમાં લોગઇન કરતા તેને એક લાખના રોકાણ સામે પ્રતિદિન રૂપિયા ૫૦૦નું વળતર આપવાની સાથે અન્ય સ્કીમનો લાભ આપવાની લાલચ આપવામાં આવી હતી. જેમાં યુવકે લાલચમાં આવી જઇને એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જો કે ગઠિયાએ અચાનક મોબાઇલ એપ્લીકેશન બંધ કરીને નાણાં પડાવી લીધા હતા. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.સેલા ક્લબ ઓ સેવન પાસે આવેલા આર્કસ સ્કાય સીટીમાં રહેતો ૨૧ વર્ષીય જેનીલ સોની હાલ બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ગત જુન ૨૦૨૨માં  તેણે ગુગલ પ્લે સ્ટોર પરથી લોરી કીટ નામની મોબાઇલ એપ્લીકેશન ૃડાઉનલોડ કરી હતી. જેમાં ફીક્સ ઇન્કમની એક ઓફર આપવામાં આવી હતી. જે મુજબ એક લાખની સામે પ્રતિદિન રૂપિયા ૫૦૦ વ્યાજ પેટે રોજેરોજ ખાતામાં જમા થશે તેમ કહેવામાં આવ્યું હતું.  સાથે સાથે એક હજારની ટ્રેન્ડમાં ૭૫૦ની આવક અથવા એક હજાર ગુમાવવામાં આવે તેવી પણ અન્ય એક સ્કીમ હતી.આ એપ્લીકેશન ઉદ્યોગવિહાર ફેઝ નંબર ૪ ગુરૂગ્રામ હરિયાણાનું સરનામું હતું. જેથી જેનીલે લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટમાંથી ૮૦ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. જ્યારે  બાકીની રકમ તેની માતાના ખાતામાંથી જમા કરાવ્યા હતા. જેમાં એક હજારની ટ્રેન્ડની ઓફર પણ રમતો હતો. જો કે નવેમ્બર ૨૦૨૨માં આ એપ્લીકેશન અચાનક બંધ થઇ ગઇ જતા તેને એક લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. જે અંગે બોપલ પોલીસે જેનીલની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



https://ift.tt/X1W5Vr6

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ