- ઈડીએ 24 જગ્યાએ પાડેલા દરોડામાં ઘટસ્ફોટ : હવે તેજસ્વી, લાલુની પુત્રીઓ પણ સકંજામાં
- ઈડીએ 1 કરોડની બેનામી રોકડ, રૂ. 1.25 કરોડના 1.5 કિલોના સોનાના ઘરેણાં, 1,900 યુએસ ડોલર સહિત વિદેશી ચલણ જપ્ત કર્યા
- દક્ષિણ દિલ્હીમાં તેજસ્વી યાદવે રૂ. 4 લાખમાં ચાર માળનો બંગલો ખરીદ્યો, જેનું વર્તમાન બજાર મૂલ્ય રૂ. 150 કરોડ : ઈડીનો દાવો
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ નોકરીના બદલામાં જમીનના કૌભાંડમાં મની લોન્ડરિંગના કેસમાં કાર્યવાહી કરતાં રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પરિવારજનોના ઘરો-પરિસરો પર દરોડો પાડયા પછી રૂ. ૧ કરોડની 'બેનામી રોકડ' સહિત રૂ. ૬૦૦ કરોડના મૂલ્યના ગેરકાયદે નાણાકીય વ્યવહારો પણ પકડી પાડયા છે. ઈડીએ જણાવ્યું હતું કે, લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર તથા નજીકના સાથીઓએ રિયલ એસ્ટેટ સહિત વિવિધ સેક્ટર્સમાં ગેરકાયદે કમાણીનું રોકાણ કર્યું છે, જેને બહાર લાવવા તપાસ ચાલુ છે. ઈડી અને સીબીઆઈએ હવે લાલુના પુત્ર અને બિહારના નાયબ સીએમ તેજસ્વી તથા લાલુની પુત્રીઓ પર પણ સકંજો કસ્યો છે.
ઈડીએ નોકરી અપાવવાના બદલામાં જમીન કૌભાંડની તપાસમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સહિત લાલુપ્રસાદ યાદવના પરિવારના અન્ય સભ્યોના પરિસરો પર શુક્રવારે દરોડા પાડયા હતા. સીબીઆઈએ આ કેસમાં તાજેતરમાં જ બિહારના પૂર્વ મુખ્યમંત્રીઓ લાલુપ્રસાદ યાદવ અને તેમનાં પત્ની રાબડી દેવીની પૂછપરછ કરી હતી. ઈડીએ શુક્રવારે લાલુપ્રસાદ યાદવના પરિવારજનો અને નજીકના સાથીઓના ૨૪ સ્થળો પર દરોડા પાડયા હતા.
લાલુ પ્રસાદ યાદવ પર આક્ષેપ કરાયો છે કે વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯માં યુપીએ સરકાર સમયે રેલવે મંત્રી તરીકે લાલુપ્રસાદ યાદવના કાર્યકાળ દરમિયાન યાદવ પરિવાર અને તેમના સાથીઓએ રેલવેમાં નોકરી અપાવવાના બદલામાં તેમની પાસેથી સસ્તા ભાવે જમીનો ભેટમાં મેળવી હતી અથવા બજાર કરતાં ખૂબ જ નીચા ભાવે જમીનો ખરીદી હતી.આ કૌભાંડમાં સીબીઆઈએ તેજસ્વી યાદવને પણ પૂછપરછ માટે શનિવારે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેજસ્વી યાદવ હાજર થઈ શક્યા નહોતા અને તેમણે અંગત કારણોસર નવી તારીખ માગી છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે જણાવ્યું હતું કે, ઈડીના દરોડા દરમિયાન લાલુ પ્રસાદ યાદવના પરિવારજનોના પરિસરોમાંથી રૂ. ૧ કરોડની બેનામી રોકડ, ૧,૯૦૦ યુએસ ડોલર સહિત વિદેશી ચલણ, રૂ. ૧.૨૫ કરોડના મૂલ્યના ૧.૫ કિલોના સોનાના ઘરેણાં, ૫૪૦ ગ્રામની સોનાની લગડીઓ જપ્ત કરાઈ હતી. ઈડીએ ઉમેર્યું હતું કે, આ સિવાય વિવિધ મિલકતોના દસ્તાવેજો, વેચાણ કરાર વગેરે સહિત અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજો લાલુપ્રસાદ યાદવના પરિવારના સભ્યો અથવા બેનામીદારોના નામે છે, જે સંકેત આપે છે કે લાલુના પરિવારે ગેરકાયદે રીતે જંગી લેન્ડ બેન્ક એકત્ર કરી છે.
ઈડીએ જણાવ્યું હતું કે, લાલુના પરિવારજનો પર દરોડાની આ કાર્યવાહીમાં હાલના તબક્કે રૂ. ૬૦૦ કરોડના મૂલ્યની ગેરકાયદે સંપત્તિ ઊજાગર થઈ છે, જેમાં રૂ. ૩૫૦ કરોડની જંગમ મિલકતો અને વિવિધ બેનામીદારો મારફત રૂ. ૨૫૦ કરોડના નાણાકીય વ્યવહારોનો સમાવેશ થાય છે.
તેજસ્વી યાદવ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરતાં ઈડીએ જણાવ્યું કે, દક્ષિણ દિલ્હીમાં ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ડી-૧૦૮૮માં સ્થિત મિલકત ચાર માળનો સ્વતંત્ર બંગ્લો છે, જે એબી એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના નામે નોંધાયેલો છે. આ કેસમાં આ કંપની 'લાભાર્થી કંપની' છે. ઈડીએ જણાવ્યું હતુ ંકે, આ કંપનીની માલિકી અને તેનું નિયંત્રણ તેજસ્વી યાદવ અને તેમના પરિવારના હાથમાં છે. આ બંગ્લો માત્ર રૂ. ૪ લાખમાં ખરીદ્યો હોવાનું દર્શાવાયું છે જ્યારે તેનું વર્તમાન બજાર મૂલ્ય અંદાજે રૂ. ૧૫૦ કરોડ છે. ઈડીએ દાવો કર્યો હતો કે, આ મલિકત ખરીદવા માટે જંગી રોકડ તથા ગુનાઈત રીતે ઊભા કરાયેલા નાણાંનો ઉપયોગ થયો છે અને હીરા-ઝવેરાતના ક્ષેત્રમાં કામ કરતી મુંબઈ સ્થિત કેટલીક કંપનીઓમાં પણ આ પરિવારના નાણાં સંડોવાયેલા છે. ઈડીએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન તેજસ્વી યાદવ આ બંગ્લામાં રોકાયેલા હતા અને તેઓ તેમની રહેણાંક મિલકત તરીકે આ મકાનનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે. વધુમાં તપાસમાં જણાયું હતું કે લાલુ પ્રસાદના પરિવારે ગરીબ ગૂ્રપ-ડી અરજદારો પાસેથી માત્ર રૂ. ૭.૫ લાખમાં ચાર જમીનો ખરીદી હતી, જે રાબડી દેવીએ રાજદના પૂર્વ ધારાસભ્ય અબુ દોજાનાને રૂ. ૩.૫ કરોડમાં વેચી દેવાઈ હતી. આમ પરિવારે 'જંગી' કમાણી કરી હતી.
સીબીઆઈએ પહેલા પણ સમન્સ પાઠવ્યું હતું
તેજસ્વી સીબીઆઈના સમન્સ છતાં હાજર ના થયા, ગર્ભવતી પત્ની હોસ્પિટલમાં
નોકરીના બદલામાં જમીનના કૌભાંડમાં સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને પૂછપરછ માટે આજે સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તેમણે સીબીઆઈ સમક્ષ હાજર થવાનું ટાળ્યું હતું. તેમણે ગેરહાજર રહેવા માટે પત્ની રાજશ્રીનું સ્વાસ્થ્ય ખરાબ હોવાનું જણાવ્યું હતું.
હકીકતમાં તેજસ્વી યાદવની પત્ની રાજશ્રી ગર્ભવતી છે. તેથી તેમને આજે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ કારણે રાજદ નેતાએ સીબીઆઈ સમક્ષ હાજર થવાનું ટાળ્યું હતું. સીબીઆઇએ નોકરીના બદલામાં જમીનના કૌભાંડની તપાસમાં અગાઉ તેજસ્વી યાદવને પૂછપરછ માટે ચોથી માર્ચે હાજર રહેવા સમન્સ મોકલ્યું હતું પરંતુ તેમણે વિધાનસભા સત્ર ચાલતું હોવાથી તથા અન્ય કારણોસર હાજર રહેવાની અશક્તિ દર્શાવી હતી, જેથી તેમને આજની તારીખ આપવામાં આવી હતી. પરંતુ તેજસ્વી યાદવ આજે પણ હાજર થઈ શક્યા નહોતા. સીબીઆઈ હવે પૂછપરછ માટે તેજસ્વી યાદવને નવી તારીખ આપશે.
https://ift.tt/ZgMFRns from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RAiTtB2
0 ટિપ્પણીઓ