નવી દિલ્હી, તા.12 માર્ચ-2023, રવિવાર
ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં 200થી વધુ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનો ઓર્ડર આપવાની તૈયારી કરી રહ્યું છે. આ ક્રુઝ મિસાઈલોને મરીન ફોર્સના તમામ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર તૈનાત કરાશે. ભારત-રશિયન સંયુક્ત સાહસ કંપની દ્વારા તાજેતરમાં ઉચ્ચ ક્વોલિટીની સ્વદેશી સામગ્રી સાથે મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.. વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારતીય નૌકાદળનો 200થી વધુ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો ખરીદવાનો પ્રસ્તાવ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી મળવાની અપેક્ષા છે. આ નિર્ણયથી ભારતીય નૌકાદળની શસ્ત્ર તાકાત વધારશે અને મિસાઈલોના સ્ટોકમાં પણ વધારો થશે.
ભારત-રશિયન સંયુક્ત સાહસ કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સ્ટ્રાઈક રેન્જ 290 કિમીથી વધારીને 400 કિમી સુધી કરી છે. ત્યારબાદ મિસાઈલ સિસ્ટમ વધુ મજબુત બની છે. મિસાઈલ સિસ્ટમમાં સ્વદેશી સામગ્રી પણ વધારાઈ છે. ભારતીય ઉદ્યોગો અને ઉત્પાદકોની ભાગીદારી વધારવા માટે તેની ઘણી સિસ્ટમોને અપગ્રેડ કરી સ્વદેશી બનાવાઈ છે. આવી મિસાઈલ સિસ્ટમની ફિલિપાઈન્સમાં પણ નિકાસ કરાઈ રહી છે. ફિલિપાઇન્સ મરીન કોર્પ્સના કર્મચારીઓએ પણ ભારતમાં બ્રહ્મોસ ફેસિલિટીઝમાં તાલીમ લીધી છે અને તેમની વધુ બેચને અહીં તાલીમ આપવાનું આયોજન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત 5 અબજ ડોલરના નિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા અતુલ રાણેની આગેવાની હેઠળની બ્રહ્મોસ એરોસ્પેસ પર કામ ચાલી રહ્યું છે. બ્રહ્મોસના પ્રમુખે જણાવ્યું કે, ફિલિપાઈન્સ સાથે 375 મિલિયન ડોલરની પ્રથમ નિકાસ બાદ તેમની ટીમ 2025 સુધીમાં 5 અબજ ડોલર બિલિયનના લક્ષ્યાંક પર આગળ વધી રહી છે.
ગત વર્ષે બ્રહ્મોસ એક્સટેન્ડેડ એર વર્જનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું હતું
ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતીય વાયુસેનાએ સુખોઈ-30 MKIથી બ્રહ્મોસ એક્સટેન્ડેડ એર વર્જનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ એન્ટી-શિપ વેરિઅન્ટ છે. એન્ટી-શિપ વેરિઅન્ટ એટલે સુખોઈ દ્વારા આ મિસાઈલથી ટાર્ગેટ કરી દુશ્મનના મોટા જહાજને નષ્ટ કરી શકાય છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે ટાર્ગેટ શીપને ધ્વસ્ત કરી દીધું હતું. આ મિસાઈલની રેન્જ 400 કિલોમીટર છે. આ પરીક્ષણ સાથે જ ભારતીય વાયુસેનાએ સુખોઈ ફાઈટર જેટથી જમીન અથવા સમુદ્રમાં લાંબા અંતર પરના ટાર્ગેટ્સ પર નિશાન લગાવવાની મારક ક્ષમતા હાંસલ કરી લીધી છે. બ્રહ્મોસના આ વર્ષથી સુખોઈની મારક ક્ષમતા પણ વધી ગઈ છે. એટલે કે આ ફાઈટર જેટ દ્વારા સમુદ્રમાં 400 કિલોમીટર દૂર રહેલા દુશ્મનના જંગી જહાજને પણ નષ્ટ કરી શકાય છે. પરીક્ષણ દરમિયાન ભારતીય વાયુસેના સાથે DRDO, ભારતીય નૌસેના, બીએપીએલ અને એચએએલ સામેલ હતા.
ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મોસક્વા નદીઓ પરથી પ્રેરિત ‘બ્રહ્મોસ’
ફેબ્રુઆરી 12, 1998ના રોજ ભારત-રૂસ વચ્ચે સૂચિત ક્રૂઝ મિસાઇલના કરાર થયા. પચ્ચીસ કરોડ ડોલરના સંયુક્ત રોકાણ સાથે બ્રહ્મોસ એરોસ્પેસ નામની કંપની ઊભી કરવામાં આવી. સૂચિત મિસાઇલનું નામ પસંદ કરાયું ‘બ્રહ્મોસ’ કે જે ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મોસક્વા નદીઓ પરથી પ્રેરિત હતું. કરાર મુજબ ‘બ્રહ્મોસ’ની ઇલેક્ટ્રોનિક સરકીટનું તથા તેના પ્રોગ્રામિંગનું કામ ભારતના શિરે હતું. આથી તેને પાર પાડવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજિમાંથી યુવક-યુવતીઓને વીણીચૂંટીને પસંદ કરવામાં આવ્યા હતા. ડો. અબ્દુલ કલામ, ડો. સુધીર કુમાર મિશ્રા, ડો. એ. એસ. પિલ્લાઇ, તથા ડો. પી. વેણુગોપાલ જેવા દિગ્ગજોના માર્ગદર્શનમાં સૌને અગિયાર મહિનાની તાલીમ આપ્યા પછી જે તે વિભાગની જવાબદારી સોંપાઈ હતી. ત્યારબાદ 2001માં પહેલું ‘બ્રહ્મોસ’ તૈયાર પણ કરી નાખ્યું. જૂન, 2001થી જૂન, 2022 સુધીના 21 વર્ષમાં ‘બ્રહ્મોસ’ ઉત્તરોત્તર ટેક્નોલોજિકલ ઉત્ક્રાંતિ પામ્યું છે. આજે તેની કુલ ચાર નોખી આવૃત્તિઓ બની ચૂકી છે. જમીન પરથી લોન્ચર ખટારા મારફત દાગી શકાતું ‘બ્રહ્મોસ’ 700 કિલોમીટર છેટે સુધીના લક્ષ્યાંકના ભૂકા બોલાવી શકે છે. મિસાઇલમાં બારૂદ ફક્ત 200 કિલોગ્રામ જેટલો હોવા છતાં તે હાઈ-એક્સ્પ્લોઝિવ હોવાને લીધે બોફર્સ તોપના સાતથી આઠ ગોળા જેટલી તબાહી સર્જે છે.
નૌકાદળના સંખ્યાબંધ યુદ્ધજહાજોને ‘બ્રહ્મોસ’થી સજ્જ
નૌકાદળના સંખ્યાબંધ યુદ્ધજહાજોને ‘બ્રહ્મોસ’ વડે સજ્જ કરવામાં આવી રહ્યા છે. દરિયાઈ સપાટીની નીચે તરતી આપણી સબમરીન પણ પાણીમાંથી જ ‘બ્રહ્મોસ’નો વાર કરી શકે છે. આશરે 9 મીટર લાંબું અને 2500 થી 3000 કિલોગ્રામ વજન ધરાવતું ‘બ્રહ્મોસ’ 600 કિલોમીટર છેટેના શત્રુ યુદ્ધજહાજ સુધી પહોંચી શકે છે. ક્ષિતિજપારના જહાજને શોધી તેનું દિશાસ્થાન જાણવા માટે ‘બ્રહ્મોસ’ સૌ પહેલાં આકાશમાં હજારો મીટર ઊંચે ચડે છે અને લક્ષ્યાંક દેખાયા પછી પાંચથી દસ મીટરના નીચા લેવલ સુધી ઊતરી કલાકના 3400 કિલોમીટરના વેગે તેની દિશામાં ધસી જાય છે. આ છીછરા લેવલે ઊડ્ડયન થતું હોય ત્યારે દુશ્મન જહાજનાં રેડારયંત્રો તેને દેખી શકતાં નથી. આગમનની જાણ છેલ્લી ઘડીએ થાય ત્યારે પ્રતિકાર કરવાનો સમય રહેતો નથી. કલાકના 3400 કિલોમીટરે ધસી જતા ‘બ્રહ્મોસ’ને ભરઆકાશે વીંધી બતાવવું આમેય અસંભવની હદે મુશ્કેલ છે.
જાણો ‘બ્રહ્મોસ’ની તાકાત
ભારતીય વાયુ સેનાના સુખોઇ-30 વિમાનોની પાંખ નીચે ‘બ્રહ્મોસ’ ફિટ કરાયાં છે. ચારસો કિલોમીટર લાંબી પહોંચ ધરાવતું એ ક્રૂઝ મિસાઇલ વાપરવાનો મોટો લાભ એ કે 100થી 200 કરોડ જેટલી કિંમતના લડાકુ વિમાને શત્રુના જોખમી આકાશમાં પ્રવાસ ખેડવાની જરૂર રહેતી નથી. સરહદ ઓળંગ્યા વિના તે ‘બ્રહ્મોસ’ વડે શત્રુના ભીતરી પ્રદેશમાં ધાર્યા લક્ષ્યાંકને આંબી શકે છે. બેસુમાર સ્પીડ, લક્ષ્યાંકને શોધી તેના સુધી જાતે પહોંચી જવાની સ્વયંચાલિત ક્રૂઝ ક્ષમતા, ટાર્ગેટને વીંધી બતાવવાની ચોકસાઇ, પ્રહારની લાંબી રેન્જ તથા જલ, સ્થલ અને વાયુ એમ ત્રણેય મોરચે ‘બ્રહ્મોસ’ની અજોડ પ્રહારશક્તિ જોતાં જગતના ઘણા દેશોને તે આયુધમાં રસ પડ્યો છે. થોડા વખત પહેલાં ફિલિપાઇન્સે ‘બ્રહ્મોસ’ માટે આપણી સાથે ૩૬.પ કરોડ ડોલરના મૂલ્યનો સોદો કરી પણ નાખ્યો. બ્રાઝિલ, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા, મલયેશિયા, વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પણ ‘બ્રહ્મોસ’માં રસ દાખવી રહ્યા છે.
https://ift.tt/6pLnTXu from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5fAQBO1
0 ટિપ્પણીઓ