દિલ્હીમાં ‘એપલ સાકેત’ના ઉદઘાટન પહેલા ટિમ કૂકે PM મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હી, તા.19 એપ્રિલ-2023, બુધવાર

નવી દિલ્હીમાં એપલ સ્ટોરના ઉદઘાટનના એક દિવસ પહેલા બુધવારે કંપનીના સીઈઓ ટિમ કુકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંગે ટિમ કુકે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ઉષ્માભર્યા સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર’... અમે ભારતના ભવિષ્ય પર ટેક્નોલોજીની સકારાત્મક પ્રભાવ વિશે આપના વિઝનને શેર કરીએ છીએ - શિક્ષણ અને ડેવલપર્સથી લઈને ઉત્પાદન અને પર્યાવરણ સુધી... અમે દેશભરમાં આગળ વધવા અને રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

ટિમ કુકના ટ્વીટને રીટ્વીટ કરતા, PM મોદીએ લખ્યું કે, વિવિધ વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવું અને ભારતમાં થઈ રહેલા ટેક્નોલોજી આધારિત પરિવર્તનો પર ચર્ચા કરીને સારુ લાગ્યું...

CEO કૂક દિલ્હી સ્ટોરમાં ગ્રાહકોનું સ્વાગત કરશે

આઈફોન નિર્માતા એપલના સીઇઓ ટિમ કૂક ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કંપનીના પ્રથમ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે ગ્રાહકોનું સ્વાગત કરશે. કંપનીના સૂત્રોએ કહ્યું કે, ભારતમાં આ બીજા એપલ સ્ટોરના ઉદ્ઘાટનમાં ટિમ કુક પોતે ઉપસ્થિત રહેશે. હાલમાં તેઓનો દિલ્હીમાં અનેક સેલિબ્રિટીઓને મળવાનો કાર્યક્રમ છે. મંગળવારે મુંબઈમાં એપલના પ્રથમ સ્ટોરના ઉદ્ઘાટન સમયે ટિમ કૂક પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્ટોરના દરવાજા ખોલીને ગ્રાહકોનું સ્વાગત કર્યું હતું.

મુંબઈમાં આજથી એપલ સ્ટોર ખુલ્લો મુકાયો

મુંબઈના બીકેસી ખાતે આજથી એપલનો ભારતનો પહેલો સ્ટોર ખુલ્લો મૂકાયો હતો. આગલી રાતથી લાઈનો લગાવનારા લોકોને જોઈ ટીમ કૂક પ્રભાવિત થયા હતા અને તેમણે મુંબઈને અદમ્ય એનર્જીનું શહેર ગણાવ્યું હતું. સ્ટોરના પ્રારંભ નિમિત્તે આવી પહોંચેલી બોલીવૂડ સેલિબ્રિટીઓ તથા સામાન્ય લોકોમાં પણ ટીમ કૂક સાથે સેલ્ફીનો એકસરખો ક્રેઝ જોવા મળ્યો હતો. ટીમ કૂક અને તેમની ટીમ સ્ટોરના દરવાજા પાસે ગોઠવાઈ ગયા હતા. ઉદ્ધઘાટનની ક્ષણ પહેલાં તેમણે મોટા અવાજે કાઉન્ટ ડાઉન શરુ કર્યું હતું, જેને સ્ટોરની બહાર જમા થયેલી જનમેદનીએ પણ ઝીલી લીધું હતું. આખરે ટીમ કૂકે જાતે સ્ટોરના ડોર ગ્રાહકો માટે ઓપન કર્યાં હતાં અને તેમને બે હાથ જોડીને આવકાર્યા હતા.

સ્ટોર બહાર રાતથી જ લાઈનો લાગી

નવા સ્ટોરના ઓપનિંગ પ્રસંગે ખાસ બોલાવાયેલા ઢોલીઓએ નાશિક ઢોલની રમઝટ બોલાવી હતી. લોકોએ ચિચિયારીઓ અને હર્ષનાદો સાથે આ ક્ષણને વધાવી લીધી હતી. તેમાંથી કેટલાય લોકો તો આગલી રાતથી સ્ટોર બહાર લાઈનો લગાવીને ઊભા રહ્યા હતા. આજે મોડે સુધી સ્ટોરમાં એન્ટ્રી માટે લાઈનો લાગી હતી. મુંબઈની કાલીપીલી ટેક્સ પરથી પ્રેરણા લઈને ડિઝાઈન કરાયેલા બે માળના સ્ટોરને માણવા માટે મહારાષ્ટ્રના નાનામોટાં શહેરો ઉપરાંત ગુજરાત અને છેક રાજસ્થાનથી પણ લોકો ખાસ આવ્યા હતા. 



https://ift.tt/HXGt8mN from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cSsB5a6

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ