મારામારીની તપાસ માટે ગયેલી ટીમ ઉપર ટોળું તૂટી પડયું : નામચીન શખ્સના પરિવારજનો દ્વારા ધારિયા, લાકડી, પથ્થરો વડે હુમલો: 7 સામે ગુન્હો દર્જ, 5ની અટકાયત
જેતપુર, જેતલસર, : જેતપુર તાલુકાના આરબટીંબડી ગામે મારામારીના બનાવની તપાસ માટે ગયેલ જેતપુર તાલુકા પોલીસની ટીમને નામચીન શખ્સ તથા તેના પરિવારજનોએ બેફામ ગાળો આપી પાછા જતા રહેવાનું કહી ધમકી આપતા પોલીસ સ્ટાફ દ્વારા સમજાવટનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમની વાત ન માની પોલીસપાર્ટી ઉપર ધારિયા, લાકડીથી હુમલો કરી પથ્થરમારો કરાતા બે પોલીસ કર્મચારી ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા. હુમલા અંગે બે મહિલા સહિત સાત સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે બે મહિલા સહિત પાંચની અટકાયત કરાઈ હતી. જયારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ હતી.
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ નથુભાઈ પરમાર દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ ગતરાત્રિના જેતપુર તાલુકાના આરબટીંબડી ગામના સરપંચ મનીષભાઈ વઘાસીયાએ પોલીસ હેડ કોન્સ્ટેબલ વલ્લભભાઈ બાવળીયાને મોબાઈલમાં જાણ કરી હતી કે ગામના બાવનજીભાઈ ઉર્ફે બાવકી દેવીપૂજક તથા તેનો દીકરો ધર્મેશ ઉર્ફે ધમો તથા રવિ, બાવનજીની પત્ની વગેરેએ ગામનાજ અશોકભાઈ મકવાણા સાથે ઝઘડો કરી માથામાં ધારીયું માર્યું છે. અને મોટો બનાવ બનવાની શકયતા છે. આ અંગે અધિકારીને જાણ કરતા પોલીસ સ્ટેશનના સ્ટાફને તુરંત આરબટીંબડી ગામે જઈ બનાવ અંગે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી.
તેથી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ખાનગી વાહનમાં આરબટીંબડી ગામે જઈ તપાસ કરતા ઝઘડામાં ઈજા પામનાર અશોકભાઈ મકવાણાને સારવાર માટે જેતપુર લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી ઝઘડો કરનાર બાવનજી તથા તેના પરિવારના સભ્યોની તપાસમાં તેના રહેણાંક ખાતે પોલીસ ટીમ જતા બાવનજી ઉર્ફે બાવકી ગોરધનભાઈ મકવાણા તથા તેના પરિવારના સભ્યો સહિત ૭ લોકોએ હાથમાં ધારિયા, લાકડી, પથ્થરો લઈ પોલીસને ગાળો આપી પાછા ચાલ્યા જવાનું કહ્યું હતું. પરંતુ પોલીસ ટીમે સમજાવટ કરતા તેઓએ પોલીસ ટીમ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ પોપટભાઈ સોરીયાને તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ નથુભાઈ પરમારને ઈજા થઈ હતી. પોલીસ ટીમે તેમને પકડવાનો પ્રયત્ન કરતા તેઓ આડેધડ પથ્થરોના ઘા કરી નાસી ગયા હતા. ઘાયલ થયેલા બન્ને પોલીસ કર્મચારીને સારવાર માટે ખસેડાયા હતા.
પોલીસ ટીમ ઉપર હુમલા અંગે બાવનજી ઉર્ફે બાવકી ગોરધનભાઈ મકવાણા, ધર્મેશ ઉર્ફે ધમો બાવનજી મકવાણા, રવિ બાવનજી મકવાણા, જયસુખ ઉર્ફે બાડો બાવનજી મકવાણા, કાજલબેન બાવનજી મકવાણા, ભાવનાબેન બાવનજી મકવાણા તથા ઉકા મગનભાઈ મકવાણા (રહે. તમામ આરબટીંબડી) સહિતના સામે ખૂની હુમલો, ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત પાંચની અટકાયત કરાઈ હતી. તથા અન્ય બેની શોધખોળ હાથ ધરાઈ છે. બનાવના પગલે ગામમાં ચકચાર વ્યાપી છે.
https://ift.tt/ZVJD1uB
0 ટિપ્પણીઓ