કર્ણાટકમાં 10મી મેએ ચૂંટણી, 13 મીએ પરીણામ : આપ પણ મેદાનમાં


- ભાજપ સત્તા જાળવી રાખવા, કોંગ્રેસ પરત મેળવવા અંતિમ જોર લગાવશે

- કર્ણાટકમાં 224માંથી 119 ભાજપ, 75 કોંગ્રેસ અને જેડીએસ પાસે 28 બેઠકો, આપે 80 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા 

- જાલંધર લોકસભા, ઉત્તર પ્રદેશ વિધાનસભાની બે, ઓડિશાની એક અને મેઘાલયની એક બેઠક પર પેટા ચૂંટણી

નવી દિલ્હી : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં ૧૦મી મેએ એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે. જ્યારે ૧૩મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે. જેને પગલે કોંગ્રેસ પાતાના હાથમાં સત્તા લેવા માટે જ્યારે ભાજપ સત્તા જાળવી રાખવા માટે જોર લગાવી રહ્યા છે. જનતા દળ સેક્યુલર રાજ્યમાં ત્રીજો મોટો પક્ષ છે. તેથી ત્રણેય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામવાની શક્યતાઓ છે. 

ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ સેક્યૂલર મેદાનમાં છે જ ત્યારે હવે ચોથો પક્ષ આમ આદમી પાર્ટી પણ કર્ણાટકની જંગમાં કૂદવાની તૈયારીમાં છે. ચૂંટણીઓની તારીખો જાહેર થતા જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલે જાહેર કરી હતી કે કર્ણાટક વિધાનસભાની બધી જ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ઉતારશે. અરવિંદ કેજરીવાલ પણ કર્ણાટકમાં રેલી કરી ચુક્યા છે અને પોતાનું સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ૮૦ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. તેથી કર્ણાટકનો ચૂંટણી જંગ જામવાની તૈયારીમાં છે. આપ અત્યાર સુધીમાં પંજાબ, ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડમાં ચૂંટણી લડી ચુકી છે. 

કર્ણાટકમાં વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકો છે. જેમાંથી ભાજપ પાસે ૧૧૯ બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭૫ અને જેડીએસ પાસે ૨૮ ધારાસભ્યો છે અને બે બેઠકો ખાલી પડી છે. પ્રેસ કોન્ફરંસને સંબોધતા ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે ચૂંટણી માટેનું નોટિફિકેશન ૧૩મી એપ્રીલે બહાર પાડવામાં આવશે જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ ૨૦મી એપ્રીલ રહેશે. ૨૧મીએ ઉમેદવારીપત્રોની છટણી કરાશે અને તેને પરત લેવાની અંતિમ તારીખ ૨૪મી એપ્રીલ નક્કી કરવામાં આવી છે. આ વખતે મતદાનનો દિવસ બુધવાર નક્કી કરવામાં આવ્યો છે કે જેથી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરી શકાય. આ સાથે જ લોકસભાની એક અને વિધાનસભાની ચાર બેઠકો પર પણ કર્ણાટકની સાથે જ પેટા ચૂંટણી યોજાશે. 

પંજાબના જાલંધરની લોકસભા બેઠક કોંગ્રેસના સાંસદ સંતોકસિંહ ચૌધરીના નિધનને કારણે ખાલી પડી હતી. ભારત જોડો યાત્રામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેને પગલે આ બેઠક પર હવે ૧૦મીએ મેએ પેટા ચૂંટણીમાં મતદાન થશે. જ્યારે ઓડિશાની એક, ઉત્તર પ્રદેશની સુઆર વિધાનસભા બેઠક પર અબ્દુલ્લા આઝમ ખાન અયોગ્ય ઠેરતા ખાલી પડી હતી, ઉત્તર પ્રદેશની જ છાનબે અને મેઘાલયમાં પણ શિઓંગ બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. આમ લોકસભાની એક અને વિધાનસભાની ચાર બેઠકો પર કર્ણાટકની સાથે જ પેટા ચૂંટણી યોજાશે અને પરીણામો ૧૩મી મેએ જાહેર કરાશે.   



https://ift.tt/FLMkxDh from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7czJVI3

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ