ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બન્યા, ઈશાએ જોડકા બાળકોને જન્મ આપ્યો


મુંબઈ, તા.૨૦

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. તેમની પુત્રી ઈશાએ શનિવારો જોડકા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર તરફથી જણાવાયું હતું કે, ઈશા અંબાણીએ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ જોડકા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ કૃષ્ણ અને પુત્રીનું નામ આદ્યા રાખવામાં આવ્યું છે.

અંબાણી પરિવારે લોકો સાથે તેમનો આ આનંદ વ્યક્ત કરતાં એક અખબારી યાદી જાહેર કરી છે, જેમાં જણાવાયું છે કે અમને એ જણાવતા આનંદ થાય છે કે અમારા સંતાનો ઈશા અને આનંદને ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ ભગવાને જોડકા બાળકોનો આશિર્વાદ આપ્યો છે. ઈશા અને બાળકો આદિયા અને કૃષ્ણના સ્વાસ્થ્ય સારા છે. અમે આદિયા, કૃષ્ણ, ઈશા અને આનંદ માટે તેમના જીવનના આ સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં તમારો આશીર્વાદ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને ઉદ્યોગપતિ અજય પીરામલ તથા સ્વાતિ પીરામલના પુત્ર આનંદ પીરામલના લગ્ન ૨૦૧૮માં થયા હતા. મુકેશ અંબાણીએ તાજેતરમાં જ ઈશા અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને રિટેલ બિઝનેસનું સુકાન સોંપ્યું છે. આ સાથે તેમના પર હવે કારોબાર સંભાળવાની સાથે બે બાળકોની પણ જવાબદારી આવી ગઈ છે.

ઈશા અંબાણીએ તેમની કારકિર્દીની શરૂઆત અમેરિકામાં મેકેન્ઝી એન્ડ કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે કરી હતી. જોકે, ૨૦૧૪માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં તેમનો સમાવેશ કરાયો હતો. ઈશા અંબાણીની નેટવર્થ અંદાજે રૂ. ૮૦૦ કરોડથી વધુ છે. ૨૦૧૫માં તેમણે એશિયાની ૧૨ સૌથી શક્તિશાળી અપકમિંગ બિઝનેસ વુમેનની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.

આનંદ પીરામલે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમની પાસે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી છે. તેમણે હાર્વર્ડમાંથી જ એમબીએ કર્યું છે. આનંદ પીરામલ રિયલ્ટીના સંસ્થાપક છે, જે ભારતની સૌથી પ્રખ્યાત રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે. આનંદ ઔદ્યોગિક જૂથ પીરામલ જૂથના કાર્યકારી નિદેશક પણ છે.



https://ift.tt/Tu5FNkY from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nEeDlhO

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ