શહેરના આરોગ્યપ્રેમીઓ દરરોજ હજજારો લીલા નાળિયેરના પાણી ગટગટાવી જાય છે


- અનેક રોગ માટે અકસીર ઈલાજ સમાન લીલા નાળિયેરની લોકપ્રિયતા અકબંધ

- દરિયાકાંઠાના પર્યટનસ્થળોએ પ્રકૃતિપ્રેમીઓની પ્રથમ પસંદગીનું પીણુ, શિયાળો જામતા નાળિયેરના વેચાણમાં ઉછાળો 

ભાવનગર : સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋુતુના આગમનની સાથે જ આરોગ્યવર્ધક ગણાતા લીલા નાળિયેરની માંગમાં ગોહિલવાડમાં દિન પ્રતિદિન વૃધ્ધિ થતી રહે છે. હેલ્થ પ્રત્યે અવેરનેસ વધતા ભાવનગર શહેરના આરોગ્યપ્રેમીઓ પ્રતિદિન હજજારો લીટર લીલા નાળિયેરના પાણી ગટગટાવી જાય છે. 

સામાન્ય રીતે લીલા નાળિયેરની માંગ બારેમાસ રહેતી હોય છે. તેમાં ય ખાસ કરીને રોગચાળાની સીઝનમાં તો તેની ડિમાન્ડમાં સતત વધારો થતો રહે છે તેની ગત બે વર્ષ દરમિયાન કોરોનાકાળ દરમિયાન નાગરિકોને પ્રત્યક્ષ અનુભૂતિ થઈ હતી. કોરોનાએ માથુ ઉંચકતા દેશભરમાં અનેક આરોગ્યવર્ધક દવાઓની સાથોસાથ ઈમ્યુનિટિ પાવર વધારતા લીલા નાળિયેરની માંગમાં ધરખમ વધારો નોંધાયો હતો. તે દરમિયાન તજજ્ઞાો અને આયુર્વેદાચાર્યો કોરોના સામે ટકકર લેવા માટે નાળિયેરનો મહત્તમ ઉપયોગ કરવાની સલાહ આપતા જે તે વખતે નાળિયેરના ભાવ સડસડાટ રીતે આસમાને આંબ્યા હતા. જો કે, તે દરમિયાન સ્થાનિક સામાજિક સંસ્થાએ કોરોનાના દર્દી માટે વિનામૂલ્યે નાળિયેરના પાણીની પણ પ્રેરક વ્યવસ્થા કરી હતી.શિયાળામાં તો ઠંડા પીણાથી શરદી, કફ અને ઉધરસ થવાની ભીતિ હોય તે બીમારીમાં તબીબની સલાહ અનુસાર લીલા નાળિયેરનો ઉપયોગ દર્દીઓ કરી રહ્યા છે. કોરોના કાળથી ઈમ્યુનિટિ પાવર વધારવા માટે અત્યંત મહત્વના મનાતા લીલા નાળિયેરના ભાવમાં અંદાજે રૂા ૧૫ થી ૨૦ નો ભાવ વધારો થયો હોવા છતા તેની ડિમાન્ડ અને લોકપ્રિયતા આજની તારીખે પણ અકબંધ છે. અલ્સર, ગળાના ઈન્ફેકશન, દાંતના દુખાવા, માટે જવાબદાર બેકટેરીયાનો નાશ કરનાર અને શરીરમાં ઈન્સ્યુલિન વધારવા માટે મદદરૂપ થતા અને પોટેશ્યમથી ભરપૂર લીલા નાળિયેર ડાયાબિટીસના કારણે થતા નુકશાનથી શરીરને બચાવે છે. તેમાં ફાયબર્સ વધુ પ્રમાણમાં હોય કબજિયાતના દર્દીઓ માટે તે વધુ ફાયદાકારક છે. તે બારમાસી ફળ હોય તેની સૌથી વધુ ડિમાન્ડ શહેરના કાળાનાળા, કાળુભા રોડ, જેલ રોડ, નીલમબાગ સહિતના દવાખાનાઓથી ધમધમતા વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત બાગ,બગીચાઓ તેમજ ખાસ કરીને  કોળીયાક, કુડા,હાથબ, ગોપનાથ, ઝાંઝમેર, ભવાની મંદિર (મહુવા)સહિતના ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના પર્યટન સ્થળોએ તો તેનો પ્રકૃતિપ્રેમીઓમાં ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. નાળિયેરના ઉત્પાદન, માવજત, સપ્લાયર્સ, અને જથ્થાબંધ અને રિટેઈલ વેચાણની પ્રક્રિયા સાથે અસંખ્ય પરિવારો સંકળાયેલા છે. નાળિયેરીના ઝાડ ઉપરથી નાળિયેર ઉતારવા, સાફ કરી, સંગ્રહસ્થાન (ગોડાઉન) લઈ જવા અને ત્યાંથી માંગ મુજબના સ્થળોએ લઈ જવાનો પરિવહન ખર્ચ, મજુરી ખર્ચ, ઈંધણના ભાવમાં વધારો સહિતના કારણથી નાળિયેરના ભાવ વધ્યા હોવાનુ વિક્રેતાએ જણાવ્યુ હતુ. 

મહુવા યાર્ડમાંથી નાળિયેરની મહત્તમ આવક

લીલા નાળિયેર મોટા ભાગે વેરાવળ, ભરૂચ, જુનાગઢ, પોરબંદર, માંગરોળ અને મહુવામાંથી ભાવનગરમાં ટ્રક અને ટ્રેન મારફત આવે છે.ગત તા.૧૪ નવેમ્બર સોમવારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ૩૬૦૦ નંગ નાળિયેરની આવક થઈ હતી અને તેના ૨૦ કિલોના ૧૯૦૨ ભાવ બોલાયા હતા.તા.૧૫ને મંગળવારે ૧૫,૭૦૦ નંગ નાળિયેરની આવક થતા તેના ઉંચા ૧૮૦૦ ના ભાવ બોલાયા હતા.જયારે તા.૧૬ ને બુધવારે ૨૩,૧૪૦ નંગ નાળિયેરની આવક થઈ હતી. અને તેના ઉંચા ૧૭૯૦ના ભાવ બોલાયા હતા.



https://ift.tt/m6ABuGS

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ