આપના વિધાયક ગુલાબ યાદવને પાર્ટીના કાર્યકરોએ જ બરોબરના માર્યા


- દિલ્હી મ્યુનિ.કોર્પો.ની ટિકિટો વેચતા હોવાના મુદ્દે કાર્યકરો ઘેરી વળ્યા જીભા જોડી પછી લમધારતા જીવ લઈ નાઠા : ભાજપ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (આપ)ના પતિયાલા વિધાનસભા ક્ષેત્રના વિધાયક ગુલાબ યાદવને તેના પક્ષના જ કાર્યકરોએ દિલ્હી મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી માટેની ટિકીટો વેચવા બદલ બરોબરના લમધાર્યા હતા તેમ ભાજપનું કહેવું છે. આ ઘટના અંગે મનાતા વિડીયોમાં પહેલા પક્ષના કાર્યકરો સાથે યાદવને ઉગ્ર બોલાચાલી કરતા દેખાય છે. પછી ઉગ્રતા એટલી વધી જાય છે કે પોતાના જ કાર્યકરો તેમને લમધારવા લાગે છે. આથી યાદવ જાણે કે જીવ લઈને નાસી જતા હોય તેમ નાસી જતા દેખાય છે.

આ વિડીયો ભાજપના કાર્યકરોએ શેર કરી ટ્વિટર ઉપર વહેતો મુક્યો હતો.

આ અંગે ભાજપના પ્રવકતા સંબીત પાત્રાએ 'આપ' ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે, 'આપ'માં ભ્રષ્ટાચાર એટલી હદે પ્રસરી ગયો છે કે તેના સભ્યો પણ તેના વિધાયકોને છોડતા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રમાણિક રાજકારણનો દાવો કરતી પાર્ટી આમ આદમી પાર્ટીમાં જ અભૂતપૂર્વ નાટક ભજવાઈ ગયું હતું. આપમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે તેના સભ્યો જ તેના વિધાયકોને છોડતા નથી. આવી તો બીજી ઘણી ઘટનાઓ એમસીડીની ચૂંટણી પહેલાં બનતી જોવા મળશે.

દરમિયાન ગુલાબ યાદવે ભાજપના આ આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે, 'તે હુમલો તો તે વિસ્તારના ભાજપના નેતાઓએ જ વિધિવત ગોઠવણ કરી કરાવ્યો હતો.' હું ટિકીટો વેચતો હતો તેવા આક્ષેપો જ પાયા વિહોણા છે, જે આક્ષેપો ભાજપે ઘડી કાઢ્યા છે. ભાજપ તોફાને ચઢ્યો છે, હું અત્યારે 'છાવલા' પોલીસ સ્ટેશનમાં છું. મેં એ વોર્ડના ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ પોલીસ સ્ટેશનમાં જોયા છે. તેઓ તેમની ઉપરના હુમલાથી બચવા ત્યાં આવ્યા હતા તેમ લાગે છે. આથી વધુ જુઠાણાંની સાબિતી શી હોઈ શકે. મીડીયાએ તેની નોંધ લેવી જોઈએ.



https://ift.tt/2mv6lPY from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LH7uiSp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ