ડેટા પ્રોટેક્શન બિલ : ડેટા ભંગ બદલ સરકારને પણ જવાબદાર ઠેરવી શકાશે


નવી દિલ્હી, તા.૧૯

ભારત સરકારે નવા ડેટા પ્રોટેક્શન બિલનો જે મુસદ્દો રજૂ કર્યો છે, તેમાં ડેટા ભંગના કિસ્સામાં ખાનગી કંપનીઓની સાથે સરકારોને પણ કોઈ છૂટ આપવામાં આવી નથી. સરકારી સૂત્રોનું કહેવું છે કે આ કાયદા હેઠળ ડેટા ભંગ માટે સરકારને પણ જવાબદાર ઠરાવી શકાશે. હકીકતમાં નવા ડિજિટલ ડેટા સંરક્ષણ બિલ હેઠળ લોકોના ખાનગી ડેટા એકત્ર કરતા પહેલા સહમતી લેવાની ફરજિયાત કરાશે.

સરકારી સૂત્રોએ શનિવારે જણાવ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ હેઠળ ડેટા ભંગના કિસ્સામાં સરકારને પણ જવાબદાર ઠેરવી શકાશે. આ બિલ માત્ર ડિજિટલ ડેટાના પાસાઓને જ કવર કરશે, કારણ કે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયનું કામ ડિજિટલ અને સાઈબર સ્પેસ સુધી મર્યાદિત છે. બિલ મુખ્યરૂપે એવી કંપનીઓને જવાબદાર બનાવવા માટે છે, જે ડેટાનું મોનેટાઈઝેશન કરી રહી છે. નવા મુસદ્દામાં આ કાયદાના ભંગ બદલ કંપનીઓને રૂ. ૫૦૦ કરોડનો દંડ કરવાની જગોવાઈ છે.

સંસદના નીચલા ગૃહમાંથી ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પાછું લીધાના ત્રણ મહિના પછી ભારત સરકારે શુક્રવારે નવું ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કર્યું છે. સૂત્રો મુજબ દેશી બહાર ડેટા ટ્રાન્સફર કરવા અંગે નિયમ બનાવાયા છે, જેમાં એકબીજાની સંમતિ તથા પારસ્પરિક કરારના આધારે અન્ય દેશોમાં ડેટા ટ્રાન્સફર અને સ્ટોરેજ કરી શકાશે. 

આ બિલમાં પર્સનલ ડેટા અંગે માહિતીના અધિકાર હેઠળ ડેટા માલીકો સાથે ડેટા પ્રોસેસિંગની વિગતો શૅર કરવામાંથી સરકાર દ્વારા સૂચિત ડેટા ફિડયુશરીઝને મુક્તિ અપાઈ છે. રાઈટ ટુ ઈન્ફર્મેશન કાયદા હેઠળ અસાધારણ અરજીઓ થતી હોય છે, જે છેવટે સરકારી વિભાગો પર કામનો બોજ વધારે છે આથી સરકાર દ્વારા સૂચિત એકમને આરટીઆઈ કાયદાથી બહાર રખાયું છે.

ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા કંપનીઓને યુઝર્સના અંગત ડેટાને દેશની બહાર મોકલવાની મંજૂરી આપશે. સૂચિત કાયદા મુજબ લોકોનો અંગત ડેટા એકત્ર કરતા પહેલા સંમતિ લેવી ફરજિયાત હશે. ભારતમાં ડેટાના દુરુપયોગ પર મહત્તમ રૂ. ૫૦૦ કરોડ સુધીનો દંડ થઈ શકશે.

કેન્દ્ર સરકારે નવા ડેટા સંરક્ષણ બિલ, ૨૦૨૨નો જે મુસદ્દો રજૂ કર્યો છે, તેમાં દસ્તાવેજ, સેવા, ઓળખ અથવા સરનામાના પ્રમાણ વગેરે માટે અરજી કરતી વખતે ખોટી માહિતી ભરનારાઓ પર પણ ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ છે. સાથે જ ડેટા એકત્ર કરનારા લોકો માટે પણ ૧૦ જવાબદારીઓ નિશ્ચિત કરાઈ છે. સાથે જ ડેટા પ્રોટેક્શન બિલમાં કાયદાના પાલન અને ફરિયાદોના ઉકેલ માટે ડેટા પ્રોટેક્શન બોર્ડ સ્થાપિત કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. નવો મુસદ્દો આ વર્ષે ઑગસ્ટમાં પાછું લેવાયેલા ૨૦૧૯ના મુસદ્દાની જગ્યા લેશે, જેના પર ૧૭મી ડિસેમ્બર સુધીમાં વાંધા અથવા સૂચનો કરી શકાશે. આ બિલ બજેટમાં રજૂ થવાની શક્યતા છે. 



https://ift.tt/B18Z9YD from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Dhvo1Os

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ