બાઈકની ઓનલાઈન ડીલરશીપ લેવા જતા રૂ. 27 લાખની છેતરપિંડી


રાજકોટ રહેતા કારખાનેદારને શીશામાં ઉતારાયા કારખાનેદાર પાસેથી કટકે કટકે રકમ પડાવ્યા બાદ ગઠીયાએ કોલ ઉપાડવાનું બંધ કરી દીધું

રાજકોટ, : ઓનલાઈન બાઈકની ડીલરશીપ લેવા જતા મહેશભાઈ ઉકાભાઈ કોટડીયા નામના કારખાનેદાર સાથે ગઠીયાએ રૂ. 26.68  લાખની છેતરપીંડી કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે તપાસ આગળ ધપાવાઈ છે. 

કેકેવી હોલ પાસે સામ્રાજ્ય એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ લોઠડામાં દીપ મેટલ નામનું કારખાનું ધરાવે છે. તેણે પોલીસને કહ્યું કે ગઈ તા.૬-૮-ર૦રર ના રોજ તેણે ફેસબુક પોસ્ટમાં એર્થર એનર્જી એજન્સીની ડીલરશીપની જાહેરાત જોઈ હતી. જેથી તેણે તેમાં જણાવેલા નંબર ઉપર સંપર્ક કરતા સામેથી કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપી ગઠીયાએ તેનું ઈ-મેલ એડ્રેસ માંગ્યા બાદ તે ઈ-મેલ એડ્રેસ ઉપર ડોકયુમેન્ટ ઉપરાંત કંપનીની શરતો વગેરે મોકલ્યા હતા. 

આ પછી તેણે કંપનીના મેઈલ એડ્રેસ પર પોતાના ડોકયુમેન્ટ મોકલ્યા હતા. તે સાથે જ ગઠીયાએ તેનો સંપર્ક કરી કહ્યું કે તમારા ડોકયુમેન્ટ કંપનીમાં વેરીફાઈ થઈ જાય એટલે હું તમને કહીશ. થોડા દીવસ બાદ ગઠીયાએ કોલ કરી ડોકયુમેન્ટ વેરીફાઈ થઈ ગયાનું કહી કંપનીની સાઈટ ઉપરથી કન્ફરમેન્શન લેટર ડાઉનલોડ કરાવડાવ્યો હતો.  સાથોસાથ એજન્સી માટે રૂ. 22,500 એક એકાઉન્ટ નંબર આપી તેમાં જમા કરાવડાવ્યા હતા. એટલુ જ નહી માસ્ટર કે રીટેલર ડીલરશીપ લેવી છે તેમ પુંછયું હતું. તેણે માસ્ટર ડીલરશીપની વાત કરતા રૂ.27,000 ભરાવડાવી કુલ રૂ. 49,500 ની પહોંચ આપી હતી. 

ત્યારબાદ એગ્રીમેન્ટના કાગળો મેઈલથી મોકલ્યા હતા. જેના રૂ. 1,37,500 ભરાવડાવ્યા હતા. બે મોડલના 30-30 બાઈકના  લોટનું એડવાન્સ પેમેન્ટ કરવું પડશે તેમ કહી કટકે કટકે રકમ ભરાવતો ગયો હતો. 

આ રીતે તેણે કુલ રૂ. 26.68 લાખ જમા કરાવ્યા બાદ ગઠીયાએ કોલ ઉપાડવાનું બંધ કર્યું હતું. તપાસ કરતા તેને પોતાની સાથે ફ્રોડ થયાની માહિતી મળતા 1930માં કોલ કરી ફરિયાદ કરી હતી.  જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આજે વિશ્વાસઘાત, છેતરપીંડી અને આઈટી એકટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે નંબર ઉપરથી ગઠીયાએ કોલ કર્યો હતો અને જે બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવ્યા હતા તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ આગળ ધપાવી છે. 



https://ift.tt/tD4iEzW

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ