નવી દિલ્હી, તા.૬
વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ ગામ્બિયામાં ૬૬ બાળકોના મોત પછી ભારતીય દવા કંપનીની ખાંસીની ચાર દવાઓ અંગે ચેતવણી આપતાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. કેન્દ્રના નિર્દેશના પગલે હરિયાણામાં નિયામક ઓથોરિટીએ દવાઓના સેમ્પલ લઈને તપાસ માટે કોલકાતા લેબમાં મોકલી આપ્યા છે. બીજીબાજુ ડબલ્યુએચઓની ચેતવણીના પગલે બિહાર સરકારે તાત્કાલિક અસરથી દવા કંપનીની ચારેય કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા મહિને પશ્ચિમ આફ્રિકાના દેશ ગામ્બિયામાં 'ડબલ્યુએચઓ મેડિકલ પ્રોડક્ટ એલર્ટ'માં ભારતમાં ઉત્પાદિત ચાર કફ સિરપની ખરાબ ગુણવત્તાના ઉત્પાદન તરીકે ઓળખ કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ચેતવણી અપાયેલી ચાર દવાઓમાં હરિયાણાના સોનીપત સ્થિત મેડન ફાર્માસ્યુટિકલ લિ. દ્વારા ઉત્પાદિત પ્રોમેથાઝિન ઓરલ સોલ્યુશન, કોફેક્સમાલિન બેબી કફ સિરપ, મેકોફ બેબી કફ સિરપ અને મેગ્રિપ એન કોલ્ડ સિરપનો સમાવેશ થાય છે.
સૂત્રો મુજબ ડબલ્યુએચઓએ ૨૯મી સપ્ટેમ્બરે ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને સૂચના આપી હતી કે ભારતમાં ઉત્પાદિત ચાર દવાઓમાંથી પ્રત્યેક દવાના નમૂનાનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરાયું હતું, જે પુષ્ટી કરે છે કે તેમાં ડાયથાઈલીન ગ્લાયકોલ અને એથિલિન ગ્લાયકોલ અસ્વીકાર્ય પ્રમાણમાં હતા. ડબલ્યુએચઓએ ઉત્પાદનો સંબંધિત જોખમોની ઓળખ કરતાં કહ્યું કે ડાયથાઈલીન ગ્લાયકોલ અને એથિલીન ગ્લાયકોલ મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ડબલ્યુએચઓના મહાનિદેશક ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસે કહ્યું કે, આ ચાર દવાઓ મેડન ફાર્માસ્યુટિકલ લિ. દ્વાર બનાવાયેલી શરદી અને ખાંસીની સિરપ છે. સંસ્થા ભારતમાં કંપનીના અધિકારીઓ અને નિયામક અધિકારીઓ સાથે તપાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, આ દવાઓ હાલ માત્ર ગામ્બિયામાં જ મોકલાઈ છે, પરંતુ બિનસત્તાવાર બજાર મારફત અન્ય દેશોમાં પણ તેનું વેચાણ કરાયું હોવાની આશંકા છે. ડબલ્યુએચઓએ ચેતવણી આપીને બધા જ દેશોને આ દવાઓથી થતા નુકસાનથી બચવા માટે આ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. ડબલ્યુએચઓની ચેતવણી પછી ગામ્બિયાએ આ ચારેય કફ સિરપને પાછી લેવા માટે ડોર-ટુ-ડોર અભિયાન શરૂ કર્યું છે. ડબલ્યુએચઓએ કહ્યું કે, ડાયથાઈલીન ગ્લાયકોલ અને એથિલીન ગ્લાયકોલથી પેટમાં દુઃખાવો, ઉલ્ટી, ઝાડા થવા, મૂત્ર ત્યાગમાં તકલીફ થવી, માથામાં દુઃખાવો, માનસિક સ્થિતિમાં પરિવર્તનને ગંભીર નુકસાન થઈ શકે છે અને દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.
જોકે, ડીસીજીએના સૂત્રોએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય સંસ્થાએ હજુ સુધી સીડીએસસીઓને આ દવાઓનું ઉત્પાદન ક્યાં થયું તે જાણી શકાય તે માટે દવાઓના લેબલ અને અન્ય વિગતો આપી નથી. ડબલ્યુએચઓને વહેલી તકે આ વિગતો પૂરી પાડવા વિનંતી કરવામાં આવી છે. જોકે, પ્રાથમિક માહિતીના આધારે સીડીએસસીઓએ હરિયાણામાં નિયામક અધિકારીઓ સાથે મળીને તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. હરિયાણામાં નિયામક ઓથોરિટીએ દવાઓના સેમ્પલ લઈને તેની તપાસ માટે કોલકાતા લેબમાં મોકલી દેવાયા છે.
https://ift.tt/xNUZ4z7 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CFsDAS7
0 ટિપ્પણીઓ