હવે ગર્ભપાત કરાવનાર સગીરાઓનું નામ જાહેર નહીં કરી શકાય : સુપ્રીમ


નવી દિલ્હી, તા.૩૦

દેશમાં અત્યાર સુધી માત્ર બળાત્કારના કેસોમાં જ પીડિતાનું નામ જાહેર નહીં કરવાનો આદેશ હતો, પરંતુ હવે ગર્ભપાત કરાવનારી સગીરાઓનું નામ પણ જાહેર કરી શકાશે નહીં. દેશમાં વર્તમાન સમયમાં કોઈને કોઈ કારણથી સગીરાઓ ગર્ભવતી બની જતી હોવાની ઘટનાઓ બને છે. આવા કિસ્સામાં હવે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમે ડોક્ટરોને વિશેષરૂપે નિર્દેશ આપ્યો છે કે ગર્ભપાત કરાવવા પહોંચેલી સગીરાઓનું નામ સ્થાનિક પોલીસને પણ જણાવવાની જરૂર નથી.

સુપ્રીમ કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટ હેઠળ અવિવાહિત મહિલાઓને વિવાહિત મહિલાઓની સમકક્ષ ૨૪ મહિના સુધીની પ્રેગ્નન્સીમાં ગર્ભપાત કરાવવાનો અધિકાર આપ્યાના બીજા દિવસે હવે આ કાયદા હેઠળ સગીરાઓને પણ વિશેષ લાભ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંમતીથી જાતીય પ્રવૃત્તિમાં સામેલ સગીરાને એમટીપી એક્ટ હેઠળ લાભ મળવો જોઈએ. ડૉક્ટરોએ આવી સગીરાઓની ઓળખ સ્થાનિક પોલીસ સમક્ષ ઉજાગર કરવાની જરૂર નથી.

ન્યાયાધીશો ડીવાય ચંદ્રચૂડ, એએસ બોપન્ના અને જેબી પારડીવાલાની બેન્ચે એક ઐતિહાસિક ચૂકાદામાં એમપીટી એક્ટ હેઠળ પ્રેગ્નન્સીના ૨૦-૨૪ સપ્તાહ વચ્ચે ગર્ભપાત માટે અવિવાહિત મહિલાનો સમાવેશ કર્યો છે અને કહ્યું કે આ જોગવાઈ માત્ર વિવાહિત મહિલા સુધી મર્યાદિત રાખવી તે કલમ ૪નો ભંગ અને ભેદભાવપૂર્ણ છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, એમપીટી એક્ટના નિયમ હેઠળ 'સેક્સ્યુઅલ એસોલ્ટ' અથવા 'બળાત્કાર' શબ્દના અર્થમાં પતિ દ્વારા પત્ની પર થતા જાતીય હુમલા અથવા બળાત્કારનો પણ સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટે એમટીપી કાયદા હેઠળ પારસ્પરિક સહમતીથી શારીરિક સંબંધ બનાવનારી સગીરાઓના નામ જાહેર નહીં કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે કહ્યું કે એમટીપી એક્ટના નિયમ ૩બી(બી)ના વિસ્તારનો લાભ ૧૮ વર્ષથી ઓછી વયની સગીરાઓ સહિત બધી જ વયની મહિલાઓને મળવો જોઈએ. સાથે જ કોર્ટે સલાહ આપી છે કે પોક્સો કાયદા અને એમટીપી કાયદાને વિસ્તારથી વાંચવામાં આવે.

બેન્ચે કહ્યું કે, એમટીપી એક્ટની શરતોમાં ગર્ભપાતના હેતુ માટે ડૉક્ટરે પોક્સો એક્ટની કલમ ૧૯(૧) હેઠળ પૂરી પાડવામાં આવતી માહિતીમાં સગીરાની ઓળખ અને અન્ય વિગતો જાહેર કરવાની કોઈ જરૂર નથી. આમ ડૉક્ટરોને પોક્સો કાયદા હેઠળ કાયદાકીય કાર્યવાહીમાં સગીરાની ઓળખ જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. એમટીપી એક્ટનું આ પ્રકારનું અર્થઘટન પોક્સો કાયદા હેઠળ ગૂનાની ફરજિયાત જાણ કરવાની ડૉક્ટરની કાયદાકીય જવાબદારી અને બંધારણની કલમ ૨૧ હેઠળ સગીરાની ગોપનીયતા અને પ્રજોત્પાદન સ્વાયત્તતા વચ્ચેના કોઈપણ સંઘર્ષને અટકાવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સગીરાને સલામત ગર્ભપાતના અધિકારથી વંચિત રાખવાનો ધારાસભાનો આશય ક્યારેય ન હોઈ શકે.

વર્ષ ૧૯૭૧માં લાગુ એમટીપી એક્ટમાં વર્ષ ૨૦૨૧માં સુધારો કરાયો હતો. તેના હેઠળ સમય મર્યાદા વધારીને ૨૪ સપ્તાહ સુધી કરી દેવાઈ છે. વિશેષ કેસોમાં ૨૪ સપ્તાહ સુધી જ મહિલાને ગર્ભપાતની મંજૂરી અપાઈ છે. કોઈ મહિલા અનિચ્છાએ ગર્ભવતી થઈ જાય તો શૂન્યથી ૨૦ સપ્તાહ સુધી કોઈની પણ મંજૂરી વિના ગર્ભપાત કરાવી શકે છે. જોકે, બળાત્કાર અથવા જાતીય સતામણીના કારણે ગર્ભવતી થનારી મહિલાને ૨૦થી ૨૪ સપ્તાહ વચ્ચે ગર્ભપાત કરાવવાની મંજૂરી અપાય છે. બાળકના સ્વાસ્થ્યને જોખમ હોય અથવા માતાના જીવનને જોખમ હોય તો પણ આ સમય મર્યાદામાં ગર્ભપાતની મંજૂરી અપાય છે. ૨૪ સપ્તાહ પછી માનસિક અથવા શારીરિક સ્વાસ્થ્ય પર જોખમ હોય તો જ ગર્ભપાતની મંજૂરી અપાય છે.



https://ift.tt/4YbANPh from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ArLadRt

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ