- ભારતે પહેલી વખત ટેલિકોમ ટેક્નોલોજીમાં વૈશ્વિક માપદંડો સ્થાપિત કર્યા
- અમદાવાદ, ગાંધીનગર, જામનગરમાં 5-જી સર્વિસ શરૂ થવામાં હજુ થોડો સમય લાગશે, હાલ 8 શહેરોમાં જ સુવિધા
- જિયો ડિસેમ્બર 2023 સુધીમાં જ્યારે ભારતી એરટેલ માર્ચ 2024 સુધીમાં આખા દેશમાં 5-જી સર્વિસ શરૂ કરશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૫-જી ટેલિફોન સર્વિસ લોન્ચ કરીને મોબાઈલ ફોન પર અલ્ટ્રા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવાના નવા યુગનો પ્રારંભ કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, ૫-જી સર્વિસ નવા યુગની શરૂઆત દર્શાવે છે અને તે અર્થતંત્ર, ઉદ્યોગો અને સામાન્ય લોકો માટે તકોનું અનંત આકાશ ખુલ્લુ મુકે છે. આ સાથે વડાપ્રધાન મોદીએ ૪ દિવસની ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું પણ ઉદ્ધાટન કર્યું હતું. ભારતના બે ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલે શનિવારથી દેશના આઠ શહેરોમાં ૫-જી સર્વિસ શરૂ કરી દીધી છે જ્યારે પહેલા તબક્કામાં ૧૩ શહેરોમાં ૫-જી સર્વિસ શરૂ કરવાના ભાગરૂપે અમદાવાદ, ગાંધીનગર અને જામનગર સહિતના શહેરોમાં આ સેવા શરૂ થવામાં હજુ થોડોક સમય લાગશે.
દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ૨૦૨૨માં ૫-જી સર્વિસ લોન્ચ કરતાં વડાપ્રધાન મોદીએ શનિવારે કહ્યું કે, વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્ર માટે આજનો દિવસ ખૂબ જ વિશેષ છે. ટેલિકોમ ઈતિહાસમાં ૧ ઑક્ટોબર, ૨૦૨૨ની તારીખ સ્વર્ણ અક્ષરોથી લખાશે. આજે ૧૩૦ કરોડથી વધુ ભારતીયોને દેશમાંથી અને દેશના ટેલિકોમ ઉદ્યોગમાંથી ૫-જી સ્વરૂપે સુંદર ભેટ મળી છે. ૫-જી સર્વિસ નવા યુગનો પ્રારંભ કરે છે. ૫-જી સર્વિસ તકોના અનંત આકાશની શરૂઆત છે.
દેશમાં 5-જી સર્વિસ ત્રણ તબક્કામાં, પહેલા તબક્કામાં 13 શહેરોમાં
વડાપ્રધાન મોદીની જાહેરાત સાથે દેશમાં બીજા ક્રમની ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે દિલ્હી, મુંબઈ, વારાણસી અને બેંગ્લુરુ સહિત આઠ શહેરોમાં ૫-જી સર્વિસ શરૂ કરી દીધી છે જ્યારે દેશની ટોચની ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ આ મહિનામાં ચાર મેટ્રોમાં ૫-જી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્રીજી ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાએ ૫-જી સર્વિસ શરૂ કરવા અંગે કોઈ નિશ્ચિત સમય મર્યાદા જાહેર કરી નથી. જોકે, જિયોએ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં જ્યારે ભારતી એરટેલે માર્ચ ૨૦૨૪ સુધીમાં આખા દેશમાં ૫-જી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશમાં ત્રણ તબક્કામાં ૫-જી સર્વિસ શરૂ થશે.
ભારત 5-જી સાથે ટેક્નોલોજીના આયાતકારમાંથી નિકાસકાર બનશે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ વિકસતા ભારતના સામર્થ્યને સર્વોચ્ચ ઊંચાઈ પર પહોંચાડવાની વિશેષ તક લઈને આવ્યો છે. અત્યાર સુધી ભારત ૨જી, ૩જી, ૪જી ટેક્નોલોજી બાબતે અન્ય દેશો પર નિર્ભર હતો જ્યારે સ્વદેશી ૫-જી ટેક્નોલોજીના પ્રારંભ સાથે ભારત પહેલી વખત ટેલિકોમ ટેક્નોલોજીમાં વૈશ્વિક માપદંડો સ્થાપિત કર્યા છે.
ડિજિટલ ઈકોનોમીમાં ભારત બીજો સૌથી મોટો ગ્રાહક
તેમણે ઉમેર્યું કે, ૫-જી સર્વિસ શરૂ કરતી વખતે 'ડિજિટલ ઈન્ડિયા'ની સફળતા માટે ચાર મુખ્ય આધારસ્તંભ પર ફોકસ કરાયું છે, જેમાં ડિવાઈસની કિંમત, ડિજિટલ કનેક્ટિવિટી, ડેટાની કિંમત અને ડિજિટલ ફર્સ્ટ (મુખ્ય)નો સમાવેશ થાય છે. ભારત ડિજિટલ ઈકોનોમીના ક્ષેત્રમાં બીજો સૌથી મોટો ગ્રાહક છે.
ભારતમાં ૧૧૭ કરોડથી વધુ ટેલિકોમ યુઝર્સ છે તેમજ ૮૨ કરોડથી વધુ લોકો ઈન્ટરનેટનો વપરાશ કરે છે.
દેશના અર્થતંત્રના એન્જિન સમાન ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થશે
દિલ્હીના પ્રગતિ મેદાનમાં હાઈ બેન્ડ સ્પેક્ટ્રમ ધરાવતી ૫-જી ટેક્નોલોજીની ૨૦ જીબીપીએસ સુધીની ઝડપનું પરીક્ષણ કરાયું હતું. ૪-જીના પરિપ્રેક્ષ્યમાં ૫-જી સર્વિસ ૨૦ ગણી વધુ ઈન્ટરનેટ ઝડપ ધરાવે છે. ૫-જીના પ્રારંભ સાથે માત્ર ટેલિકોમ ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બીગ ડેટા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, એડ્જ કમ્પ્યુટિંગ જેવી ટેક્નોલોજીમાં પણ ક્રાંતિ આવશે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zBf86Fk https://ift.tt/wdkgMnp
0 ટિપ્પણીઓ