સ્કૂટર પર જતા પિતા-પુત્રીને કારની ટક્કર વાગી, પિતાનું મોત


- ભાલેજ-લીંગડા રોડ ઉપર જાખલા ગામ નજીક 

- પિયરમાં રહેવા આવેલી પુત્રીને પિતા મુકવા જતા હતા ત્યારે અકસ્માત નડયો

આણંદ : આણંદ જિલ્લાના ભાલેજ-લીંગડા રોડ ઉપર જાખલા ગામ નજીક એક કારના ચાલકે પોતાની કાર બેફિકરાઈથી હંકારી ટુવ્હીલરને પાછળથી ટક્કર મારતા ટુવ્હીલર ઉપર સવાર બે વ્યક્તિઓ પૈકી ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ટુવ્હીલર પર પાછળ બેસેલ મહીલાને શરીરે વધતાઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના રંગાઈપુરા ખાતે પટેલ વગોમાં રહેતા જયકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલના પત્ની રીયાબેન મોગરી ખાતે કોમ્પ્યુટર ક્લાસીસમાં જતા હોઈ પોતાના પીયર ગોપાલપુરાથી ક્લાસીસ નજીક થતા હોય છેલ્લા બે માસથી પિયર ખાતે રહેતા હતા. દરમ્યાન આજે સવારના સુમારે રીયાબેન પોતાના પિતા સુધીરભાઈ બચુભાઈ પટેલ સાથે ટુવ્હીલર ઉપર ઉમરેઠ મુકામે ગયા હતા. દરમ્યાન બપોરના સુમારે  તેઓ ગોપાલપુરા ખાતે પરત આવી રહ્યા હતા ત્યારે  લીંગડા-ભાલેજ રોડ ઉપર જાખલા ગામ નજીક એક ઈકો ગાડીના ચાલકે પોતાની કાર પૂરઝડપે બેફિકરાઈથી અને ગફલતભરી રીતે હંકારી લાવી પાછળથી ટક્કર મારી હતી. જેથી ટુવ્હીલર પર સવાર પિતા-પુત્રી રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પિતા સુધીરભાઈને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે રીયાબેનને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં વધતાઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.  અકસ્માત બાદ ઈકો ગાડીનો ચાલક કારને ઘટનાસ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે જયકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલે ભાલેજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



https://ift.tt/43GWbx1

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ