- ફ્લોપ કુમાર બની ગયેલો અક્ષય ફરી કોમેડીને આશરે
- અગાઉના બે ભાગ કરતાં બજેટ વધારાશેઃ સ્ક્રિપ્ટ તૈયાર, આવતાં વર્ષે જ શૂટિંગ ફટાફટ પતાવી રિલીઝ કરી દેવાશે
ફ્લોપ ફિલ્મોની હારમાળા સર્જી રહેલો અક્ષય કુમાર ફરી કોમેડી ફિલ્મોને આશરે જઈ રહ્યો છે. જોલી એલએલબીના ત્રીજા ભાગમાં તે ફરી વકીલ તરીકેની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ આવતાં વર્ષે રિલીઝ કરવાનું આયોજન છે.
અક્ષયને હેરાફેરી જેવી કોમેડી ફિલ્મોમાં સારી સફળતા મળી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી તે દેશભક્તિની થીમ દર્શાવતી એક્શન ફિલ્મો તરફ વળી ગયો હતો. વચ્ચે તેણે કેટલાક સોશિયલ ડ્રામા તરફ પણ હાથ અજમાવ્યો હતો. જોકે, તાજેતરમાં તેની બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ અને રક્ષાબંધન એમ સળંગ ત્રણ ફિલ્મો પિટાઈ ગઈ છે. એક સમયે બોક્સ ઓફિસનો સૌથી વિશ્વસનીય અને સેલેબલ કહેવાતો સ્ટાર પોતાના ક્રેડિબિલિટી ગુમાવી બેઠો છે.
આ આઘાતમાંથી ઉભરવા માટે અક્ષયે ફરી કોમેડી પર ફોક્સ કરવાનું નક્કી કર્યું છે. તેણે જોલી એલએલબી થ્રીનો પ્રોજેક્ટ ફરી આગળ વધાર્યો છે. આ ફિલ્મના ત્રીજા ભાગની સ્ક્રિપ્ટ તૈયાર હોવાનું કહેવાય છે. હવે અક્ષય તેના હાલના કેટલાંક કમીટમેન્ટ પૂર્ણ કરી આવતાં વર્ષની શરુઆતથી ફટાફટ તેનું શૂટિંગ આટોપી દેશે. અક્ષય ૩૦થી ૩૫ દિવસમાં જ એક ફિલ્મ પતાવી દેવા માટે જાણીતો છે. ફટાફટ શૂટિંગ બાદ ૨૦૨૩માં જ તે રિલીઝ કરી દેવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.
જોલી એલએલબીના બે ભાગની સરખામણીએ ત્રીજા ભાગનું બજેટ પણ વધારાશે અને તેને મોટા લેન્ડસ્કેપ પર બનાવાશે એમ જાણવા મળ્યું છે. પહેલા ભાગમાં અર્શદ વરસીએ વકીલની ભૂમિકા ભજવી હતી પરંતુ બીજા ભાગમાં અક્ષય કુમાર ેતેની આ ભૂમિકા છિનવી લીધી હતી. જોકે, જજ તરીકે સૌરભ શુક્લાનો કોઈ વિકલ્પ મળ્યો નથી.
https://ift.tt/A4aQ2Ir from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Pj34ykN
0 ટિપ્પણીઓ