નવી દિલ્હી, તા.૧૪
નાણામંત્રાલયે ટૂંક સમયમાં જ છૂટ-મુક્ત નવી કર વ્યવસ્થાની સમીક્ષા કરવાની દરખાસ્ત કરી છે. નાણામંત્રાલયનું કહેવું છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે આ વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા માટે તેની સમીક્ષાની જરૂર છે. સૂત્રોનું કહેવું છે કે સરકારનું લક્ષ્ય કોઈ છૂટ ન હોય તેવી નવી કર વ્યવસ્થા સ્થાપિત કરવાનું છે. સરકાર છૂટ અને કપાત સાથેની જટિલ જૂની કર વ્યવસ્થા બંધ કરવા માગે છે.
નવી કર વ્યવસ્થા કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧માં રજૂ કરાઈ હતી, જેમાં કરદાતાઓને વિવિધ કપાત અને મુક્તિ સાથે જૂની કર વ્યવસ્થા અને કપાત અને મુક્તિ વિના નીચા ટેક્સ રેટ ઓફર કરતી નવી કર વ્યવસ્થા વચ્ચે પસંદગીનો વિકલ્પ અપાયો હતો. નવી કર વ્યવસ્થા અંગે સરકારનો આશય વ્યક્તિગત કરદાતાઓને નોંધપાત્ર રાહત આપવાનો અને આવક-વેરા કાયદાને સરળ બનાવવાનો હતો.
નવી કર વ્યવસ્થાના અનુભવ અંગે સૂત્રોએ જણાવ્યું કે, ઘર અને શિક્ષણ લોન પૂરી થઈ ગઈ હોય તેવા લોકો નવી કર વ્યવસ્થાને અપનાવી રહ્યા હોવાના સ્પષ્ટ સંકેત મળે છે, કારણ કે તેમણે કોઈ છૂટ મેળવવાનો ક્લેમ કરવાનો રહેતો નથી. સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, નવી કર વ્યવસ્થામાં નીચા ટેક્સે તેને વધુ આકર્ષક બનાવી છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં કોર્પોરેટ કરદાતાઓ માટે આવી જ ટેક્સ વ્યવસ્થા રજૂ કરાઈ હતી, જેમાં ટેક્સના દર ખૂબ જ નીચા હતા અને છૂટ કે મુક્તિ દૂર કરી દેવાયા હતા.
સરકારે જાહેરાત કરી હતી કે, તત્કાલીન કંપનીઓ માટે બેઝ કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકાથી ઘટાડીને ૨૨ ટકા કર્યો હતો અને ઉત્પાદન ક્ષેત્રમાં ૧લી ઑક્ટોબર ૨૦૧૯ પછી સ્થપાયેલી અને ૩૧ માર્ચ, ૨૦૨૪ પહેલાં કામગીરી શરૂ કરનારી નવી કંપનીઓ માટે બેઝ કોર્પોરેટ ટેક્સ ૨૫ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કર્યો હતો. નવી કર વ્યવસ્થા પસંદ કરનારી કંપનીઓએ જૂની બધી જ છૂટ અને ઈન્સેન્ટિવ્સ ભૂલી જવી પડશે.
૧લી ફેબુ્રઆરી ૨૦૨૦ના રોજ વ્યક્તિગત કરદાતા માટે જાહેર કરાયેલી નવી કર વ્યવસ્થા હેઠળ વાર્ષિક ૨.૫ લાખથી વધુની વાર્ષિક આવક કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવાનો નથી જ્યારે રૂ. ૨.૫ લાખથી રૂ. ૫ લાખ સુધીની આવક માટે ટેક્સ રેટ પાંચ ટકા છે. વધુમાં જેમની વાર્ષિક આવક રૂ. ૫ લાખથી રૂ. ૭.૫ લાખ છે તેમણે ઘટાડેલો ૧૦ ટકાના દરે ટેક્સ ચૂકવવાનો રહેશે. એ જ રીતે રૂ. ૭.૫ લાખથી રૂ. ૧૦ લાખની વાર્ષિક આવક માટે ૧૫ ટકા, રૂ. ૧૦ લાખથી રૂ. ૧૨.૫ લાખની વાર્ષિક આવક માટે ૨૦ ટકા અને રૂ. ૧૨.૫ લાખથી રૂ. ૧૫ લાખ સુધીની વાર્ષિક આવક માટે ૨૫ ટકા તેમજ રૂ. ૧૫ લાખથી વધુની વાર્ષિક આવક પર ૩૦ ટકાના દરે ટેક્સ ચૂકવવાનો રહેશે.
https://ift.tt/X0d39Sc from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YHRZLVu
0 ટિપ્પણીઓ