વડોદરા,દંતેશ્વર વિજય નગર ઝૂંપડ પટ્ટીમાં રહેતા યુવક પર સોમા તળાવ બ્રિજ પાસે તિક્ષ્ણ હથિયારથી ૧૫ થી ૨૦ આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.જે પૈકી એકનું મોત થયું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે શકમંદોને ઝડપી પાડયા છે.પોલીસે બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,દંતેશ્વર વિજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા નિતેશ સંજયભાઇ રાજપૂત (ઉ.વ.૨૩) ને આજે કોઇએ ફોન કરીને સોમા તળાવ બ્રિજ પાસે બોલાવ્યો હતો.નિતેશ સ્થળ પર ગયો ત્યારે અચાનક ૧૫ થી ૨૦ હુમલાખોરો ધસી આવ્યા હતા.અને ચાકૂ તથા ધારિયાના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.મારામારીના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.જેથી,હુમલાખોરો ભાગી છૂટયા હતા.દરમિયાન નિતેશે પોતાના નાના ભાઇ જીતેશને ફોન કરીને બોલાવતા જીતેશ પણ તેના મિત્રને લઇને સ્થળ પર દોડી આવ્યો હતો.અને ઇજાગ્રસ્ત ભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.
આ અંગે જીતેશે જણાવ્યું હતું કે, ડભોઇ રોડ સોમા તળાવ પાસે લારી લઇને ઉભા રહેતા પરપ્રાંતિયો દ્વારા નિતેશના મિત્ર રાહુલના ભાઇને ચાકૂ બતાવી ડરાવવામાં આવતો હતો.જેથી,ગઇકાલે ઝઘડો થયો હતો.અને મારો ભાઇએ આ ઝઘડામાં વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું.જેની અદાવત રાખી મારા ભાઇને સામેથી કોલ કરીને બોલાવી મોતને ઘાટ ઉતાર્યો હતો.દરમિયાન એલ.સી.બી.ની ટીમે બે આરોપીઓેને શકમંદ હાલતમાં રેલવે ટ્રેક પરથી ઝડપી પાડયા હતા.
વિજય નામના યુવકને પણ માથામાં ઇજા
વડોદરા,આ હુમલામાં અન્ય એક યુવક વિજય લાલાભાઇ વસાવા (રહે.વિજયવાડી)ને પણ હુમલાખોરોએ માર માર્યો હતો.વિજયે જણાવ્યું હતું કે, મારો મિત્ર નિતેશ એકલો આગળ જતા રહેતા ૧૫ થી ૨૦ આરોપીઓએ તેને ઘેરી લઇ માર માર્યો હતો.સરદારજીઓ અને ભૈયાઓએ કોટ કૂદીને આવ્યા હતા.અને મને માથામાં જોરથી ફટકો મારતા હું બેભાન થઇ ગયો હતો.
બે પોલીસ સ્ટેશન વચ્ચે હદનો વિવાદ
વડોદરા,મર્ડર થયા પછી મકરપુરા અને વાડી પોલીસ વચ્ચે હદનો વિવાદ થયો હતો.મકરપુરા અને વાડી પોલીસ સ્ટેશનની બોર્ડર પર જ બનાવ બન્યો હતો.છેવટે આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
https://ift.tt/4qhfu8g
0 ટિપ્પણીઓ