મેળાના આરંભ સાથે ભારે વરસાદથી ઉજવણીમાં વિઘ્ન તહેવાર ટાણે જળબંબાકારઃ વંથલી,માણાવદરમાં 4 ઈંચ,ધોરાજી, કુતિયાણા, જોડિયા,જેતપુરમાં સાડાત્રણ ઈંચ સહિત સર્વત્ર ધોધમાર આમરણ ચોવીસી પંથકમાં પાંચ ઈંચ, જેતપુર ગ્રામ્ય પંથકમાં ત્રણ ઈંચ વરસાદ જુનાગઢ અને ધોરાજીમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા, ઠેરઠેર પૂરના પાણી ફરી વળ્યા
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોમાં લોકો બહાર ફરવા નીકળી પડયા છે અને લોકમેળા શરુ થઈ ગયા છે ત્યારે શ્રાવણી સરવડાંને બદલે આજે રાંધણછઠના દિવસે મેઘરાજાએ રમઝટ બોલાવી ધોધમાર વરસ્યા હતા. જુનાગઢ તથા અમરેલીના વડિયામાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે તો અન્યત્ર એકથી ચાર ઈંચ વરસાદથી અનેક શહેરોમાં જળબંબાકાર થયો હતો અને નદી-નાળામાં પૂર આવ્યા હતા. વરસાદનું જોર જારી રહે તો મેળા માણવામાં મુશ્કેલી સર્જાવાની ભીતિ સેવાય છે.
સૌથી વધુ જુનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેર અને તાલુકામાં ધોધમાર પાંચ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. ગત રાત્રિથી જ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી અને ગિરનાર વિસ્તારમાં ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો. વિલિન્ગડન ડેમ ફરીવાર ઓવરફ્લો થતા તેનું પાણી કાળવા થઈને તળાવમાં આવતા તળાવ છલકાયું હતું અને ગોવર્ધન પાર્ક, ઝાંઝરડા રોડ સહિત વિસ્તારોમાં ઘરોમાં તથા દોલતપરામાં દુકાનો,ઘરમાં પાણી ઘુસી ગયા હતા. તળાવ દરવાજા, વૈભવ ચોક, સરદાર બાગ, સ્ટેશન રોડ, જોશીપરા, મજેવડી દરવાજા સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
જિલ્લામાં આઉપરાંત વંથલી,માણાવદરમાં મુશળધાર ચાર-ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો અને ઓઝત તથા ઉબેણ નદીમાં ધસમસતા પૂર આવ્યા હતા. મેંદરડામાં અઢી ઈંચ, કેશોદમાં બે ઈંચ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ અને માંગરોળમાં અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લામાં પણ આજે ભર અષાઢ જેવો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં તહેવાર ઉપર જ સાડાત્રણ ઈંચ વરસાદ બપોર સુધીમાં વરસી જતા અનેક સ્થળે પાણી ભરાયા હતા અને મેળામાં વિઘ્ન સર્જાયું હતું. યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદથી ખઢિયાર ઘુના ડેમ છલકાયો હતો. જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઈંચ સુધી ધોધમાર વરસાદથી રસ્તા પર ધસમસતા પાણી વહ્યા હતા. જેતલસર સુધીના વોકળાનું પાણી ટાકુડીપરા ચોક, જનતાનગર મેઈન રોડ પર ધસી આવ્યું હતું.બાવાવાળા વોકળા કાંઠાના ઘરોમાં પાણી ઘુસી ગયું હતું. નવાગઢ ઈદગાહ વિસ્તારમાં કેડસમાણા પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા. ખીરસરાથી વાડસડા જવાનો રસ્તો બંધ થયો હતો.
વિશાળ ભાદર ડેમમાં પાણીની ધોધમાર આવક થતા સપાટી 28 ફૂટને પાર થઈ છે. ઉપલેટામાં પણ સવા બે ઈંચ ધોધમાર વરસાદથી 44 ફૂટની ઉંડાઈનો મોજ ડેમ છલકાવાની તૈયારીમાં છે. જામકંડોરણામાં પણ દોઢ ઈંચ વરસાદ, ગોંડલ ગ્રામ્ય પંથકમાં ધોધમાર બેથી ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો, મધુવન નદીમાં પૂર આવ્યું હતું. સંગ્રામસિંહજી હાઈસ્કૂલ મેદાનમાં લોકમેળાના સ્થળે સ્ટોલ ભીંજાઈ ગયા હતા. અને કોટડાસાંગાણીમાં સવા ઈંચ, જસદણમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. મોટાદડવા નજીકનો કરમાળડેમ છલોછલ થયો હતો.
અમરેલી જિલ્લાના વડિયામાં આજે મુશળધાર પાંચ ઈંચ વરસાદથી શહેરમાં ઠેરઠેર જળબંબાકાર સર્જાયા હતા. ઢોળવા નાકા વિસ્તાર, પીજીવીસીએલ રોડ પર ગોઠણડુબ પાણી ભરાયા હતા. વડિયા સુરવો ડેમ પર હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા છે. ઢોળવાનાકા પાસે બસ સ્ટેન્ડમાં પાણી પાણી થઈ ગયું હતું. અમરેલી જિલ્લામાં અમરેલીમ દોઢ ઈંચ, બાબરામાં બે ઈંચ, લાઠી એક ઈંચ, તથા અન્યત્ર પણ અર્ધો ઈંચ સુધી વરસાદના અહેવાલ છે.
જામનગર જિલ્લામાં પણ મેઘવર્ષા જારી રહી હતી, સૌથી વધુ જોડિયામાં ધોધમાર સાડાત્રણ ઈંચ, ધ્રોલમાં અઢી ઈંચ, જામનગરમાં બે ઈંચ વરસાદથી પાણી ભરાયા હતા અને લોકોને બહાર નીકળવું મૂશ્કેલ બન્યું હતું. જામનગર નજીકના ફલ્લામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
મોરબીમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી, જિલ્લામાં માળિયા, ટંકારામાં એક એક ઈંચ વરસાદથી ડેમી-૨ ડેમ ઓવરફ્લો થયો છે. હળવદમાં એક ઈંચ અને વાંકાનેરમાં અર્ધો ઈંચ સુધી વરસાદના અહેવાલ છે. જ્યારે આમરણ ચોવીસી વિસ્તારમાં ગત રાત્રિથી આજે રાત્રિ સુધીમાં ધોધમાર પાંચ ઈંચ પાણી વરસી ગયાના અને હજનાળી પાસેના વોકળા પાસે બનાવાયેલ ડાયવર્ઝન ઉપરથી ધસમસતુ પાણી વહેવા લાગ્યું હતું.
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ જારી રહ્યો હતો, સૌથી વધુ કુતિયાણા તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે રાણાવાવમાં દોઢ ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ વરસી જતા કુતિયાણા અને રાણાવાવ તાલુકાનો વરસાદ 125 થી 130 ટકા થઈ ગયો છે. પોરબંદર તાલુકાનો વરસાદ પણ સામાન્ય કરતા 22 ટકા વધુ થયો છે.
https://ift.tt/THjsSUx
0 ટિપ્પણીઓ