રક્ષાબંધનમાં 20, સાતમ-આઠમના તહેવારમાં 40 વધારાની બસ દોડશે


- ભાવનગર એસ.ટી. વિભાગે તહેવારોને અનુલક્ષી એકસ્ટ્રા સંચાલનનું આયોજન કર્યું

- રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, મહુવા સહિતના રૂટ પર એકસ્ટ્રા બસ દોડાવાશે

ભાવનગર : ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા રક્ષાબંધન, સાતમ-આઠમની શ્રાવણી પર્વમાળાના ધ્યાનમાં રાખી મુસાફરોની સુવિધા માટે ૬૦ જેટલી એકસ્ટ્રા બસના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્ટ્રા સંચાલન રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, મહુવા સહિતના રૂટ પર જ્યાં મુસાફરોનો ધસારો વધુ રહેશે ત્યાં કરાશે.

રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોની ઉજવણી લોકો માદરે વતન કરતા હોય છે. જેના કારણે તહેવારોના સમયમાં ભાવનગર જિલ્લામાં આવવા અને અહીંથી અન્ય જિલ્લામાં જવા માટે લોકોનો ધસારો વધુ રહેતો હોવાથી ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા શ્રાવણી પર્વમાળાને અનુલક્ષી મુસાફરોને બસની સુવિધા મળી રહે તે માટે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે. આ અંગે વિભાગીય નિયામક એ.કે. પરમારે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રક્ષાબંધનના તહેવારને લઈ ભાવનગર એસ.ટી.એ ૨૦ બસ તેમજ આગામી સાતમ-આઠમના તહેવારમાં ૪૦ જેટલી એકસ્ટ્રા બસ દોડાવામાં આવશે. આ તમામ એકસ્ટ્રા બસો રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, મહુવા સહિતના રૂટ પર જ્યાં ટ્રાફિક વધુ હોય ત્યાં દોડાવાશે. વધુમાં શહેરમાં આવેલા તમામ પીકઅપ પોઈન્ટ પર કલેરીકલ સ્ટાફને સવાર-સાંજ ફરજ સોંપવામાં આવી છે. જેથી લોકોએ ખાનગી વાહનોની સાપેક્ષમાં ઓછા ભાડા સાથે સલામતી સવારી કરાવતી એસ.ટી. બસની સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

13મીથી એસ.ટી. તિરંગાના રંગે રંગાશે

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧૩મીથી ૧૫મી સુધી હર ઘર તિરંગાનો કાર્યક્રમ યોજાનાર છે. જેને લઈ એસ.ટી. વિભાગ દ્વારા પણ ૧૩મીથી ત્રણ દિવસ માટે હર ઘર તિરંગાની ઉજવણી કરાશેે. જેના ભાગરૂપે એસ.ટી.ના તમામ ડેપો, કચેરીઓ સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજને લહેરાવી તિરંગાના રંગે રંગવામાં આવશે તેમ વિભાગીય નિયામકે જણાવ્યું છે.



https://ift.tt/yXQFgpU

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ