નવી દિલ્હી, તા. 31 જુલાઈ 2022, રવિવાર
ભારતીય વેઈટલિફ્ટર લાલરિનુંગા જેરેમીએ બર્મિંઘમમાં કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે પુરુષોની 67 કિગ્રા વર્ગમાં રેકોર્ડ વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. સ્નેચમાં જેરેમીએ 140 કિગ્રા ઉપાડીને નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ બનાવ્યો છે જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે 160 કિગ્રા વજન ઉઠાવ્યું અને કુલ 300 કિગ્રા ઉપાડીને તેની શ્રેણીમાં નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ બનાવ્યો છે. વેઈટલિફ્ટિંગમાં આ ભારતનો બીજો ગોલ્ડ અને એકંદરે 5મો મેડલ છે. લાલરિનુંગા જેરેમી પહેલા, સંકેત સરગર (સિલ્વર), ગુરુરાજ પૂજારી (બ્રોન્ઝ), મીરાબાઈ ચાનુ (ગોલ્ડ) અને બિંદ્યારાની દેવીએ (સિલ્વર) ભારત માટે મેડલ જીત્યા છે.
જેરેમીની વાત કરીએ તો તેણે સ્નેચમાં તેના પ્રથમ પ્રયાસમાં 136 કિગ્રા વજન ઉપાડ્યું હતું જ્યારે બીજા પ્રયાસમાં તેણે 140 કિગ્રા વજન ઉપાડ્યું અને કોમનવેલ્થ ગેમ્સમાં 67 કિગ્રા વર્ગમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ત્રીજા પ્રયાસમાં તેણે 143 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો. સ્નેચમાં તે બીજા નંબર પર ચાલી રહેલા નાઈજિરિયન કરતાં 10 કિગ્રા આગળ હતો.
ક્લીન એન્ડ જર્કમાં જેરેમીએ પ્રથમ પ્રયાસમાં 154 કિલો વજન ઉપાડ્યું અને આ દરમિયાન તે ઈજાગ્રસ્ત પણ થઈ ગયો હતો. તેના પહેલા જ પ્રયાસમાં તેણે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 294 કિગ્રા વજન ઉઠાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. પોતાના બીજા પ્રયાસમાં આ ભારતીય વેઈટ લિફ્ટરે ઈજાગ્રસ્ત હોવા છતાં 160 કિલો વજન ઉપાડીને સૌને ચોંકાવી દીધા હતા. બીજા પ્રયાસ પછી જેરેમી ઘૂંટણિયે પડી ગયો હતો, પરંતુ વજન ઉપાડવાનો આનંદ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. બીજા પ્રયાસ પછી તેનું કુલ વજન 300 કિલો હતું.
ઈજાગ્રસ્ત હોવા છતાં જેરેમીએ ત્રીજા પ્રયાસમાં જોખમ ઉઠાવીને 165 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો,પરંતુ તે તેમાં નિષ્ફળ ગયો. અગાઉ તેને પગમાં ઈજા થઈ હતી અને ત્રીજા પ્રયાસ બાદ તેના ડાબા હાથમાં પણ ઈજા થઈ હતી.
વધુ વાંચો: વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ- 2022માં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0UnqADH https://ift.tt/JqSGmla
0 ટિપ્પણીઓ