હવે અર્પિતા મુખર્જીની ત્રણ કંપનીની તપાસ : અનેક રહસ્યો ખૂલવાની શંકા


- અર્પિતાના ડાયમંડ સિટી કોમ્પ્લેક્સમાંથી ચાર લક્ઝરી કાર ગાયબ

- મેડિકલ ચેકપઅપ માટે અર્પિતા કારમાંથી બહાર ના નિકળતાં સુરક્ષા કર્મચારીઓ ઉપાડીને લઈ ગયા, ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના ભૂતપૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની સાથી અર્પિતા મુખર્જીની મુશ્કેલીઓ વધવાની સંભાવના છે. અર્પિતાના ઘરમાંથી કરોડો રૂપિયા જપ્ત કર્યા પછી ઈડીએ હવે તેની ત્રણ કંપનીઓની તપાસ શરૂ કરી છે. ઈડીને આશંકા છે કે પાર્થ ચેટર્જીની સાથી હોવાના કારણે અર્પિતાને આ કંપનીઓમાં ડિરેક્ટર બનાવાઈ છે. આ કંપનીઓની તપાસમાંથી અનેક રહસ્યો ખૂલી શકે છે. દરમિયાન અર્પિતાની ચાર લક્ઝરી કાર ગુમ થઈ ગઈ છે. ઈડીએ તેની શોધ શરૂ કરી દીધી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ અત્યાર સુધીમાં અર્પિતા મુખરજીના ચાર ફ્લેટ પર દરોડા પાડીને કુલ અંદાજે રૂ. ૮૦ કરોડ કરોડની રોકડ અને કરોડો રૂપિયાનું સોનું તેમજ અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે. હવે ઈડીની રડાર પર અર્પિતાની ત્રણ કંપનીઓ છે, જેમાં સિમ્બિઓસિસ મર્ચન્ટ્સ પ્રા. લિ., સેન્ટ્રી એન્જિનિયરિંગ પ્રા. લિ. અને અર્પિતા એછાય એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ.નો સમાવેશ થાય છે. 

સિમ્બિઓસિસ મર્ચન્ટ્સમાં અર્પિતાને ૨૧મી માર્ચ ૨૦૧૧ના રોજ ડિરેક્ટર બનાવાઈ હતી. કાગળ પર આ કંપની વિવિધ પ્રકારના સામાનનો જથ્થાબંધ વેપાર કરે છે.

 દરમિયાન અર્પિતા મુખરજીની ચાર લક્ઝરી કાર ગાયબ હોવાનું જણાયું છે, જેમાંથી બે કાર અર્પિતાના નામે અને બે કંપનીના નામે રજિસ્ટર્ડ હતી. ચારેય કાર ડાયમંડ સિટી કોમ્પ્લેક્સમાંથી ગાયબ થઈ છે. ઈડીએ જે દિવસે અર્પિતા મુખરજીના ડાયમંડ સિટી સાઉથ એપાર્ટમેન્ટ પર દરોડો પાડયો હતો, તે દિવસે ઈડીને સ્થળ પરથી ચાર કાર મળી હતી. સૂત્રો મુજબ ઈડીએ આ સ્થળે ફરી તપાસ કરી તો ચારેય લક્ઝરી કાર ગાયબ થઈ ગઈ હતી. હવે ઈડી આ કાર ક્યાં ગઈ અને કોણ લઈ ગયું તેની તપાસ કરી રહી છે અને આ કારને પણ ઈડી જપ્ત કરશે.

આ સિવાય ઈડી અર્પિતા મુખરજી અને પાર્થ ચેટર્જીના બેન્ક ખાતાઓની તપાસ અંગે પણ સક્રિય છે. દરોડા વખતે ઈડીને બંધન બેન્કની પાસબૂક અને ચેક બૂક મળી આવી હતી.  ઈડીએ ગુરુવારે સાંજે અર્પિતાના ચિનાર પાર્ક ખાતેના ફ્લેટ પર દરોડો પાડીને લગભગ ૨૮ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. દરમિયાન અર્પિતા મુખર્જીને ગુરુવારે મેડિકલ ચેકપઅપ માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી, તે સમયે તે પડી ગઈ હતી અને તેના પગમાં ઈજા થઈ હતી. અર્પિતા મુખર્જી પડી ગયા પછી ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી હતી. અર્પિતા મેડિકલ ચેકઅપ માટે કારમાંથી બહાર નીકળવાનો ઈનકાર કરી દેતાં સુરક્ષા કર્મચારીઓએ જબરજસ્તી તેને બહાર કાઢી હતી અને મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આ સમયે તેનો રડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. 

હું કાવતરાંનો ભોગ બન્યો : પાર્થ ચેટર્જી

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ફસાયેલા બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ એક કાવતરાંનો ભોગ બન્યા છે. ૬૯ વર્ષીય પાર્થ ચેટર્જી હાલ ઈડીની અટકાયતમાં છે. તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ સમયે તેમણે મીડિયાને કહ્યું હતું કે, તેઓ એક કાવતરાંનો ભોગ બન્યા છે. પક્ષમાંથી હકાલપટ્ટી મુદ્દે પાર્થે કહ્યું કે સમય જ કહેશે. 



https://ift.tt/NgBfed1 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AlpsyFx

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ