કેકેના મોત અંગે રાજકીય તડાફડીઃ ભાજપ-તૃણમૂલના સામસામા આક્ષેપો

મુંબઈ, તા. 1 જુન 2022,બુધવાર

એક તરફ સમગ્ર દેશના કરોડો ચાહકો સિંગર કેકેના અચાનક નિધનથી શોકમાં છે પણ બીજી તરફ રાજકીય પક્ષોએ આ મુદ્દે પણ રાજકારણ રમવાનું શરૂ કરી દીધું છે. કેકેના કોન્સર્ટ વેન્યૂ પર પુરતી સલામતી વ્યવસ્થા સાચવવામાં મમતા બેનરજી સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ પશ્ચિમ બંગાળ ભાજપના નેતાઓએ લગાવ્યો છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસે એવું વળતું નિવેદન કર્યું છે કે હવે ભાજપવાળા કેકે તેમનો નેતા હતો એવો પ્રચાર શરૂ કરી દે તો પણ નવાઈ નહીં. 

પોપ્યુલર બોલિવુડ સિંગર કેકેને મંગળવારે રાતે કોલકત્તાના નઝરુલ મંચ ખાતે ગુરુદાસ કોલેજમાં એક કોન્સર્ટમાં પરફોર્મન્સ આપ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. કોન્સર્ટથી હોટલ લઈ જવાયા બાદ તેનું અવસાન થયું હતું. 

આ સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રદેશ ભાજપના નેતા સમીક ભટ્ટાચાર્યએ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર પર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે કેકે જેવી હસ્તી માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવાનું મમતા સરકાર ચુકી ગઈ હતી. વહીવટીતંત્રની ગંભીર બેદરકારી અંગે તટસ્થ તપાસ થવી જોઈએ. વેન્યૂ પર માત્ર ત્રણ હજાર લોકોને સમાવવાની ક્ષમતા હતી તેને બદલે સાત હજાર લોકો ઉપસ્થિત રહેતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. સિંગર કેકેને ટોળાં દ્વારા ઘેરી લેવાયો હતો જેથી તેને તત્કાળ સારવાર માટે લઈ જવામાં વિલંબ થયો હતો. 

ભાજપના નિવેદનનો વળતો પ્રત્યાઘાત આપતાં તૃણમૂલના પ્રદેશ મહામંત્રી કુણાલ ઘોષે કહ્યું હતું કે ભાજપે ગીધ જેમ રાજકારણ રમવાનું છોડી દેવું જોઇએ. કેકેનું મોત ખરેખર બહુ કમનસીબ ઘટના છે પરંતુ ભાજપ જે રીતે પ્રત્યાઘાત આપે છે તે જરાય બિનઅપેક્ષિત નથી. કદાચ ભાજપ એવો દાવો કરવા માંડે કે કેકે તેમનો રાજકીય નેતા હતો તો કોઈને નવાઈ નહીં લાગે. 

દરમિયાન પોલીસ કેકેનાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અહેવાલની રાહ જોઈ રહી છે.



https://ift.tt/DGZNYUT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ