(તસવીરમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર)
- મેં એ લોકોને સવાલ પણ કર્યો હતો કે, તમને ખબર પણ છે કે 2,500 કરોડ એટલે કેટલાઃ બાસનગૌડા
બેલગાવી, તા. 07 મે 2022, શનિવાર
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યએ તાજેતરમાં જ એવો દાવો કર્યો હતો કે, તેમને 2,500 કરોડ રૂપિયાના બદલામાં મુખ્યમંત્રી પદની ઓફર મળી હતી. આ મામલે કોંગ્રેસે ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે કેટલાક લોકોએ તેમનો સંપર્ક કરીને કહ્યું હતું કે, જો તેઓ 2,500 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી દે તો તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવી શકાય તેમ છે.
આ મામલે તપાસની માગણી કરી રહેલી કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારના કહેવા પ્રમાણે ભાજપના આનાથી વધારે હજુ કેટલા પુરાવાઓની જરૂર છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે જણાવ્યું કે, જ્યારે બાસનગૌડા પાટિલ યતનાલ પાસે બધું જ ઉપલબ્ધ છે તો તેમને (ભાજપને) હજુ કેટલા પુરાવાની જરૂર છે? અમે કોઈનું રાજીનામુ નથી માગી રહ્યા પરંતુ (ભાજપે) પુછવું જોઈએ કે, કોણે તેમને 2,500 કરોડ રૂપિયાના બદલામાં મુખ્યમંત્રી પદની રજૂઆત કરી હતી.
શિવકુમારે અગાઉ કહ્યું હતું કે, યતનાલ પૂર્વ મંત્રી છે માટે તેમના નિવેદનને નજરઅંદાજ ન કરી શકાય. તેને ગંભીરતાથી લઈને કેસ દાખલ થવો જોઈએ. કોંગ્રેસ આ મુદ્દે તપાસ થાય તેમ ઈચ્છે છે. આ એક રાષ્ટ્રીય મુદ્દો છે અને દેશમાં તે અંગે ચર્ચા થવી જરૂરી છે.
(તસવીરમાં ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલ)
શું છે સમગ્ર મુદ્દો
ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે ગુરૂવારે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન નેતાઓને સાવધ રહેવાની તાકીદ કરતા કહ્યું હતું કે, 'રાજકારણમાં એક વાત સમજી લો. તમને રાજકારણમાં એવા અનેક ચોર લોકો મળશે જે તમારો સંપર્ક કરીને કહેશે કે તે તમને ટિકિટ અપાવી દેશે. તમને દિલ્હી લઈ જશે. સોનિયા ગાંધી સાથે મેળાપ કરાવવાની વાત કરશે. જેપી નડ્ડા સાથે મેળાપની વાત કરશે. આવા લોકો મારા જેવાઓ સાથે પણ આ બધું કરી ચુક્યા છે. કેટલાક લોકો દિલ્હીથી મારા પાસે આવ્યા હતા. એવો દાવો કરી રહ્યા હતા કે, તેઓ મને મુખ્યમંત્રી બનાવી દેશે. બસ મારે 2,500 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે.'
વિજયપુરાના ધારાસભ્ય યતનાલે બેલગાવી ખાતે કહ્યું હતું કે, હું એક એવો વ્યક્તિ છું જેણે વાજપેયી સરકારમાં અડવાણી, રાજનાથ સિંહ, અરૂણ જેટલી જેવાઓ સાથે કામ કર્યું છે. મેં તે ઓફર આપનારા લોકોને સવાલ કર્યો હતો કે, તમને લોકોને ખબર પણ છે કે, 2500 કરોડ કેટલા હોય છે. શું કોઈ પોતાના પાસે આટલા રૂપિયા રાખે?
વધુમાં કહ્યું હતું કે, આવા અનેક લોકો ફરી રહ્યા છે માટે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો જોર પકડી રહી છે તેવા સમયે આ વિવાદ સામે આવ્યો છે.
https://ift.tt/siRQzFU from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VJworAc
0 ટિપ્પણીઓ