આવતીકાલે હૈદરાબાદ જશે PM મોદી, 2 વંદે ભારત ટ્રેનોને આપશે લીલી ઝંડી

નવી દિલ્હી, તા.07 એપ્રિલ-2023, શુક્રવાર

દેશમાં વધુ બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આવતીકાલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. પ્રથમ ટ્રેન સિકંદરાબાદ-તિરુપતિ રૂટ પર દોડાવાશે, જ્યારે બીજી ટ્રેન ચેન્નાઈ-કોઈમ્બતુર વચ્ચે દોડશે. વડાપ્રધાન મોદી 8 એપ્રિલે બંને ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. બે નવી ટ્રેનોના ઉદ્ઘાટન બાદ દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની કુલ સંખ્યા 13 થઈ જશે.

અગાઉ સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ હતી

વડાપ્રધાન મોદી સિકંદરાબાદ રેલવે સ્ટેશન પરથી સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવશે. સિકંદરાબાદથી તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હૈદરાબાદને તિરુપતિ સાથે જોડશે. અહીં શ્રદ્ધાળુઓ ભગવાન વેંકટેશ્વરની પૂજા કરવા જાય છે. PMOના જણાવ્યા મુજબ આ ટ્રેનથી બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ સાડા 3 કલાક ઘટવાની ધારણા છે. નવી ટ્રેનનો ઉદ્દેશ્ય યાત્રાળુઓને મુસાફરીમાં સરળતા અને સુવિધા આપવાનો છે. તેલંગાણાથી દોડનારી આ બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે. આ પહેલા 15 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

PM મોદીની પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, શહેરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભામાં પણ ભાગ લેશે. તેઓ અહીં એઈમ્સ બીબીનગર અને 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કરશે અને રેલ્વે સંબંધિત અન્ય વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ દરમિયાન વડાપ્રધાન 720 કરોડના રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલ સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુર્નવિકાસનું ઉદઘાટન પણ કરશે. તેમજ PM મોદી 13 નવી મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (MMTS) સેવાઓને પણ લીલી ઝંડી આપશે વડાપ્રધાન મોદી સિકંદરાબાદ-મહબૂબનગર પ્રોજેક્ટનું ડબલિંગ અને ઈલેક્ટ્રિફિકેશન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. 85 કિલોમીટરથી વધુના અંતરમાં ફેલાયેલ આ પ્રોજેક્ટ અંદાજે રૂ.1410 કરોડના ખર્ચે પૂર્ણ કરાયો છે. આ પ્રોજેક્ટ સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ટ્રેનોની સરેરાશ ઝડપ વધારવામાં મદદ કરશે. તો PM મોદી હૈદરાબાદમાં રૂ.1350 કરોડથી વધુના ખર્ચે વિકસીત થઈ રહેલી એમ્સ બીબીનગરનો શિલાન્યાસ કરશે.



https://ift.tt/DATu8xw from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/paoiXE8

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ