વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પરિણામો જાહેર કરવામાં થતા વિલંબના કારણે હજારો વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે.પરીક્ષાના ૪૫ દિવસની અંદર પરિણામ જાહેર કરવાનો નિયમ તો હાંસીપાત્ર બની ગયો છે.
વિદ્યાર્થીઓના મોરચા રોજે રોજ યુનિવર્સિટી હેડ ઓફિસ પર જઈ રહ્યા છે ત્યારે અકળાયેલા વાઈસ ચાન્સેલરે પરીક્ષા વિભાગ અને કોમ્પ્યુટર સેન્ટરને પરિણામો જાહેર કરવા માટે ત્રણ દિવસના મિનિ વેકેશન દરમિયાન પણ કામગીરી કરવા માટે આદેશ આપ્યો છે.
શુક્રવારે ગૂડ ફ્રાઈડે, બીજો શનિવાર તેમજ રવિવાર એમ ત્રણ દિવસની રજાના કારણે યુનિવર્સિટીના વહિવટીતંત્રને મિનિ વેકેશન મળી ગયુ છે પણ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટર અને પરીક્ષા વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓને વાઈસ ચાન્સેલરે તાકીદ કરી છે કે , રજાના ત્રણ દિવસમાં કામ કરીને પરિણામ તૈયાર કરવાની જે પણ બાકી કામગીરી છે તે પૂરી કરો.જેના પગલે આજે રજા હોવા છતા યુનિવર્સિટીના આ બે વિભાગો કાર્યરત રહ્યા હતા અને બીજા બે દિવસ પણ આ વિભાગમાં કામગીરી ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ટેકનોલોજી ફેકલ્ટીમાં પરીક્ષાના ૭૫ દિવસ પછી પહેલા વર્ષનુ પરિણામ જાહેર થયુ નથી.કોમર્સ ફેકલ્ટીમાં પણ એસવાય અને એમકોમના પરિણામ માટે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે.મેડિસિન ફેકલ્ટીમાં પણ પરિણામમાં વિલંબની સમસ્યા છે.મેડિસિન ફેકલ્ટીના સેનેટ સભ્યે તો સેનેટની બેઠક દરમિયાન પણ વ્યથા ઠાલવીને કહ્યુ હતુ કે, ખુદ મારા પુત્રનુ પરિણામ હજી જાહેર થયુ નથી.યુનિવર્સિટી સૂત્રોનુ કહેવુ છે કે, ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હેડ ઓફિસને બે દિવસ પહેલા તાળુ મારી દીધા બાદ વાઈસ ચાન્સેલરે પિત્તો ગુમાવ્યો હતો અને પરીક્ષા વિભાગ તેમજ કોમ્પ્યુટર સેન્ટર આદેશ આપ્યો હતો કે, ગમે તે થાય પણ વહેલી તકે પરિણામ જાહેર કરો.
https://ift.tt/ZdbQORk
0 ટિપ્પણીઓ