ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બન્યો : ચીનને પછાડયું


- ભારતની વસ્તી 142.86 કરોડે પહોંચી: બીજા ક્રમે ચીનની વસ્તી 142.57 કરોડ  

- 2050માં ભારતની વસ્તી વધીને 166.8 કરોડ થયા બાદ વસ્તી ઘટવાની શરૂઆત થશે : ભારતમાં યુવાનોની વસતી 25.40 કરોડ થઈ: ભારતમાં પુરુષ કરતાં મહિલાનું સરેરાશ આયુષ્ય વધારે

- આગામી 15 નવેમ્બરે દુનિયાની વસ્તી આઠ અબજે પહોંચશે 

નવી દિલ્હી : યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ અનુસાર ૧૪૨.૮૬ કરોડની વસ્તી સાથે ભારત ચીનને પછાડી દુનિયામાં  સૌથી વધારે વસ્તી ધરાવતો  દેશ બન્યો છે. બીજા ક્રમે  ચીનની વસ્તી ૧૪૨.૫૭ કરોડ છે. ૧૯૫૦માં યુનાઇટેડ નેશન્સે દુનિયાના સૌથી વધારે  વસ્તી ધરાવતા દેશોની યાદી પ્રકાશિત કરવાની શરૂ કરી ત્યારથી પહેલીવાર ભારત આ યાદીમાં ટોચે પહોંચ્યું છે. યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ પોપ્યુલેશન્સ પ્રોસ્પેક્ટસ -૨૦૨૨ અનુસાર ૧૯૫૦માં ભારતની વસ્તી ૮૬.૧ કરોડ  હતી જ્યારે ચીનની વસ્તી ૧૧૪.૪ કરોડ હતી. આ અહેવાલ અનુસાર આગામી ત્રણ દાયકા સુધી ભારતની વસ્તી સતત વધતી રહેશે અને ૨૦૫૦મા ં તે  વધીને ૧૬૬.૮ કરોડે પહોંચશે ત્યારે ચીનની વસ્તી ઘટીને ૧૩૧.૭ કરોડ થશે. 

દુનિયામાં હાલ વસ્તીવધારાનો દર ૧૯૫૦થી અત્યાર સુધીમા ં સૌથી ધીમો છે. ૨૦૨૦મા ં તો  તે એક ટકા કરતાં પણ ઓછો થઇ ગયો  હતો. ગયા વર્ષે ભારતની વસ્તી ૧૪૧.૨ કરોડ હતી તેની સામે ચીનની વસ્તી ૧૪૨.૬ કરોડ હતી. દુનિયાની વસ્તી પંદર નવેમ્બર સુધીમાં વધીને આઠ અબજના આંકડે પહોંચવાની ધારણા છે. ભારતમાં પુરૂષનું સરેરાશ આયુષ્ય ૭૧ વર્ષ અને મહિલાનું સરેરાશ આયુષ્ય ૭૪ વર્ષ છે. ૨૦૨૩માં ભારતમાં ૧૫થી ૪૯ વર્ષની મહિલાઓના જૂથમાં ગર્ભનિરોધક જાણકારીનો  દર ૫૧ ટકા જણાયો છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન્સ ફંડની ભારત ખાતેની પ્રતિનિધિ એન્ડ્રિયા વોજનારના જણાવ્યા અનુસાર ભારતના ૧.૪ અબજ લોકોને ૧.૪ અબજ તકો તરીકે જોવા જોઇએ. હાલ દેશમાં ૧૫થી ૨૪ વર્ષના સૌથી વધારે યુવાનોની વસ્તી ૨૫.૪૦ કરોડ છે જે નવોન્મેષ, નવા વિચારો અને લાંબાગાળાના ઉકેલનો સ્રોત બની રહે તેમ છે. જો મહિલાઓ અને છોકરીઓને સમાન શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ટેકનોલોજી અને ડિજિટલ નવોન્મેષની તકો ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેમને સંતતિવિકાસની માહિતી અને સત્તા સાથે પસંદગીની મોકળાશ આપવામાં આવે તો દેશની શિકલ પલટાઇ જાય તેમ છે. 

ચીનની આમાં પણ શેખી, અમારી પાસે 90 કરોડ યુવાનોનો ક્વોલિટી વર્કફોર્સ

દુનિયામાં ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની ગયો છે તેને વધારે મહત્વ આપવાનું ટાળતાં ચીને જણાવ્યું હતું કે વિકાસ માટે હજી અમારી પાસે ૯૦ કરોડ યુવાનોનો ક્વોલિટી વર્કફોર્સ મોજૂદ છે. ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે હું તમને કહેવા માંગુ છું કે પોપ્યુલેશન ડિવિડન્ડ એટલે કે વસ્તી વધારાનો ફાયદો વસ્તીની સંખ્યા પર નહીં પણ તેની ગુણવત્તા પર આધારિત હોય છે. વસ્તી મહત્વની છે એમ પ્રતિભા પણ મહત્વની છે. અર્થતંત્રની દૃષ્ટિએ  ચીન એ યુએસ પછી બીજા ક્રમનો દેશ છે. ચીનની વસ્તી ૧૪૦ કરોડ કરતાં વધારે છે અને તેમાં ૯૦ કરોડ લોકો સરેરાશ સાડા દસ વર્ષનું શિક્ષણ ધરાવે છે. અમારૂ પોપ્યુલેશન ડિવિડન્ડ અદૃશ્ય થયું નથી અને અમારું ટેલેન્ટ ડિવિડન્ડ વધી રહ્યું છે. જેના કારણે અમારો વિકાસ મજબૂત બન્યો છે.માર્ચ મહિનામાં પ્રિમિયર તરીકે હોદ્દો સંભાળ્યા બાદ લી ચીઆંગે જણાવ્યું હતું કે જ્યારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ આંકવા બેસો ત્યારે વસ્તીના કદને જ નહીં પણ ઉચ્ચ કક્ષાના વર્કફોર્સને પણ ધ્યાનમાં રાખવાનો હોય છે. ચીનમાં જન્મદર ઘટવાને કારણે અને વૃદ્ધોની વસ્તી 

વધવાને કારણે વસ્તીની કટોકટી વધી રહી છે. લીએ જણાવ્યું હતું કે ચીનમાં ૯૦ કરોડ લોકોનો વર્કફોર્સ છે અને દર વર્ષે તેમાં પંદર લાખ લોકો ઉમેરાય છે. ચીનમાં ૨૪ કરોડ લોકો ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે અને વર્કફોર્સમાં જોડાતા યુવાના સરેરાશ ૧૪ વર્ષનું શિક્ષણ મેળવી ચૂક્યા હોય છે. ચીનમાં ૨૦૨૨માં  વસ્તીમાં સાડા આઠ લાખનો ઘટાડો થયો હતો. ચીનના નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર ૨૦૨૦ના અંતે ૬૦ વર્ષ કરતાં વધારે વય ધરાવતા ંવૃદ્ધોની સંખ્યા ૨૬.૪ કરોડ હતી. ૨૦૩૫ સુધીમાં તેમની વસ્તી વધીને ૪૦ કરોડનો આંક વટાવી જશે જે એ સમયે ચીનની વસ્તીનો ૩૦ ટકા હિસ્સો હશે. કોમ્યુનિસ્ટ પાર્ટીએ ચીનની વસ્તીને કાબૂમાં લેવા એક સંતાનની નીતિનો દાયકાઓ સુધી અમલ કર્યો તેને કારણે ચીનની વસ્તી ઘટી રહી છે. ૨૦૧૬માં ચીને એક સંતાનની નીતિ રદ કરી હતી. હાલ ચીનમાં સુધારેલી નીતિ અનુસાર ત્રણ બાળકો ધરાવી શકાય છે. હાલ ચીનના ઘણાં પ્રાંતોમાં બીજા અને ત્રીજા સંતાનનો જન્મ થાય તો તેને ઘણાં સરકારી પ્રોત્સાહનો આપવામાં આવે છે. 

હજી ત્રણ દાયકા સુધી ભારતની વસ્તી વધતી રહેશે

દુનિયામાં ભારત  સૌથી વધારે વસ્તી ધરાવતો  દેશ બની ગયો  છે  અને યુનાઇટેડ નેશન્સના અંદાજ અનુસાર આગામી ત્રણ દાયકા સુધી ભારતની વસ્તી વધતી જશે અને એ પછી તેમાં  ઘટાડો થવાની શરૂઆત થશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતે ફળદ્રુપતા રિપ્લેસમેન્ટ લેવલ હાંસલ કરી લીધું છે અને હવે વસ્તીમાં મોમેન્ટમ ફિનોમિનનને કારણે વધારો થતો રહેશે. એક પેઢી જેટલી જ વસ્તી બીજી પેઢીની થાય તેને ફળદ્રુપતર્રિપ્લેસમેન્ટ લેવલ હાંસલ થયું તેમ કહેવામાં આવે છે. 

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ પોપ્યુલેશન્સ પ્રોસ્પેક્ટસ -૨૦૨૨ અનુસાર ૨૦૩૦ સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા વધીને બમણી એટલે કે એક કરોડ ૯૨ લાખ થશે.જે મોટાભાગે  દક્ષિણ અને પશ્ચિમના રાજ્યોમાં હશે. ૨૦૫૦ સુધીમાં દર પાંચ ભારતીયમાંથી એક ભારતીય વૃદ્ધ હશે. આમ વૃદ્ધોની વસ્તીને મામલે પણ ધ્યાન આપવાની જરૂર છે. વૃદ્ધોના આરોગ્ય અને આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપવી પડશે. ભારતમાં દરેક રાજ્યમાં વસ્તી વધારાની પેટર્ન અલગ અલગ હશે. કેરળ અને પંજાબમાં વૃદ્ધોની વસ્તી વધારે હશે તો બિહાર અને ઉત્તર પ્રદેશમાં યુવાનોની વસ્તી વધારે હશે.  



https://ift.tt/ur0NyKb from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xmyAwPH

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ