કાશ્મીર અને હિમાચલમાં બરફવર્ષા રાજસ્થાનમાં આંધી, પંજાબમાં વરસાદ


- ઉત્તર ભારતમાં સામાન્ય વરસાદથી કેટલાક રાજ્યોમાં ગરમીથી રાહત

- હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ, 24 કલાકમાં તાપમાનમાં સામાન્ય ઘટાડાની શક્યતા

શ્રીનગર : કેટલાક રાજ્યોમાં ગરમીના પ્રકોપ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં સતત બીજા દિવસે ભારે હિમવર્ષા થઇ હતી, આ સાથે જ હિમપ્રપાતની પણ ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના છ જિલ્લાોમાં હિમપ્રપાતની હવામાન વિભાગે ચેતવણી આપી છે. ખાસ કરીને કુપવાડા અને બંદીપોરા જિલ્લામાં સ્થિતિ વધુ કથળેલી છે. જ્યારે શ્રીનગર-લેહ નેશનલ હાઇવે પર હિમવર્ષાને કારણે તાપમાન ઘટી ગયું હતું. 

જમ્મુ કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બુધવારે ચેતવણી જારી કરી હતી અને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં છ જિલ્લાઓમાં હિમપ્રપાતની શક્યતાઓ છે. ખાસ કરીને પૂંચ, બારામુલ્લા, રામબાન, દોડા, કિશ્તવરમાં સ્થિતિ વધુ કથળી શકે છે. આગામી ૨૪ કલાકમાં આ જિલ્લાઓમાં ભારેથી અતી ભારે હિમવર્ષાની શક્યતાઓ છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને થોડા સમય માટે ઘરોમાં રહેવાની અને સાવચેતીના પગલા લેવાની સલાહ આપવામાં આવી છે. 

હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ અને હિમવર્ષા થઇ હતી, જ્યારે ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઇ હતી. પર્યટકો માટે પ્રખ્યાત શિમલામાં વિઝિબિલિટીને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. સ્પિતિ જિલ્લામાં તાપમાન માઇનસ ૦.૧ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે શિમલામાં વરસાદ પડયો હતો. આ ઉપરાંત હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં પણ સામાન્ય વરસાદ પડયો હતો. લુધિયાણા, પટિયાલા, ભટિન્ડા, ફરિદકોટ, હોશિયારપુર અને હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્રમાં વરસાદ પડયો હતો. જેને પગલે આ રાજ્યોમાં ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી. 

ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો અને આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે.  બીજી તરફ રાજસ્થાનમાં ગરમીએ કેર વર્તાવ્યો હતો, જ્યારે બિકાનેર અને જોધપુરમાં ધુળનું વંટોળ આવતા અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સામાન્ય વરસાદ પડયો હતો, જેને પગલે ગરમીથી થોડી રાહત મળી હતી. ગુરુવારે પણ જયપુર અને ભરતપુરમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. 



https://ift.tt/KfA3RHQ from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Tjv0PWC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ