કાલથી ભાવનગર મનપામાં રીબેટ યોજના સાથે મિલકત વેરો સ્વીકારવાનું શરૂ કરાશે


- ઓનલાઇન પેમેન્ટ કરનારને 2 ટકા વધુ રીબેટ મળશે, રજામાં પણ વેરો સ્વિકારાશે 

- એપ્રિલ માસમાં 10 ટકા રીબેટ અને મે માસમાં 5 ટકા રીબેટ મળશે : જુની કર પધ્ધતિમાં પણ વ્યાજમાફી સ્કિમ

ભાવનગર : નવા નાણાંકીય વર્ષ-૨૦૨૩-૨૪માં શરૂ થતી ઘરવેરાની રીબેટ-યોજના અંતર્ગત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ (પૂર્વ તથા પશ્વિમ) ખાતે તા. ૦૨ એપ્રિલ ૨૦૨૩ને રવિવારથી મિલકત વેરો સવારે ૧૦.૩૦ થી બપોરે ૨.૩૦ અને બપોરે ૩.૦૦ થી ૫.૦૦ દરમિયાન (જાહેર રજાઓ તથા શનિ-રવિવાર સહિતના તમામ દિવસોમાં) સ્વીકારવામાં આવશે.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ પૂર્ણ થતું હોવાથી સોફ્ટવેરમાં યર એન્ડીંગ પ્રોસેસને કારણે સોફ્ટવેર અપડેશન માટે તા. ૦૧ એપ્રિલ-૨૦૨૩ને શનિવારના રોજ ઘરવેરાનાં ચૂકવણા માટેની તમામ કેશબારીઓ તથા ઓનલાઈન પેમેન્ટની સુવિધા બંધ રહેશે. તા. ૦ર એપ્રિલ-૨૦૨૩ને રવિવારથી રાખેતા મુજબ ઉક્ત સુવિધાઓ દ્વારા વેરો ભરપાઈ કરી શકાશેે. ઘરવેરાની કાર્પેટ એરિયા કરપદ્ધતિમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની રિબેટ-યોજના જાહેર કરાયેલ છે, જેમાં બાકી તમામ વેરો એકીસાથે ભરપાઈ કર્યેથી મિલકતવેરા તથા સફાઈવેરાની ચાલુ વર્ષની રકમ પર એપ્રિલ માસમાં ૧૦ ટકા તથા મે માસમાં ૫ ટકા રીબેટ મળવાપાત્ર છે. તેમજ કેશબારીઓ પર પીઓએસ દ્વારા, મહાનગરપાલિકાની વેબસાઈટ પર તેમજ એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન મારફત ઓનલાઈન કે કેશલેસ વેરો ભરપાઈ કરવા પર (મૂળ રીબેટ ઉપરાંત) વધુ ૨ ટકા રીબેટ મળવાપાત્ર છે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ પૂર્વ તથા પશ્ચિમ ઝોનલ કચેરીઓ ઉપરાંત કોટક મહિન્દ્રો બેંક (વાઘાવાડી શાખા, લોખંડ બજાર શાખા), આઈડીબીઆઈ બેંક (વાઘાવાડી રોડ), એયુ બેંક (વાઘાવાડી રોડ) તેમજ ફેડરલ બેંક (વાઘાવાડી રોડ) પર પણ વેરો ભરપાઈ કરી રીબેટ યોજનાનો લાભ મેળવી શકાશે. 

ઉપરાંત વર્ષ ૨૦૧૩-૧૪ પહેલાની ઘરવેરાની જૂની કર-પદ્ધતિમાં છેલ્લા ચાર વર્ષ (એટલે કે વર્ષ ૨૦૦૯-૧૦ થી ૨૦૧૨-૧૩)ની વેરાની રકમ એકીસાથે ભરપાઈ કર્યેથી ૪ વર્ષ તથા વ્યાજ-માફીની સ્કીમ હેઠળ વર્ષ-૨૦૦૯ પહેલાની તમામ વેરાની રકમ (પાણી ચાર્જ, ડ્રેનેજ ચાર્જ સિવાય) માંડવાળ થશે તથા આ બિલમાં ચડત થયેલ આજદિન સુધીની વ્યાજની રકમનું ૧૦૦ ટકા રીબેટ મળશે. શહેરનાં બાકી કરદાતાઓને ઘરવેરાની કાર્પેટ એરિયા કરપદ્ધતિમાં આર્ષક રીબેટ-યોજનાનો તથા જૂની કરપદ્ધતિમાં ચાર વર્ષની તથા વ્યાજ-માફીની સ્કીમનો સત્વરે લાભ લઈ પોતાનો બાકી વેરો ભરપાઈ કરવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 



https://ift.tt/FDBQiyN

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ