બેંગલુરુ, તા.08 એપ્રિલ-2023, શનિવાર
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતીય રાજ્યોની મુલાકાતે છે. બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ 3 રાજ્યોની મુલાકાત લેશે. તેલંગાણા, તમિલનાડુ બાદ તેઓ કર્ણાટક પહોંચશે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કોલારમાં યોજાનાર આગામી કાર્યક્રમ સ્થગિત કરાયો છે. પાર્ટીના કર્ણાટકના વડા ડીકે શિવકુમારે શનિવારે કહ્યું કે, 10 એપ્રિલે યોજાનાર કાર્યક્રમ હવે 16મી એપ્રિલે કોલારમાં યોજાશે.
2 બેઠકો પર લડવાથી ખોટો સંદેશ જવાનો કોંગ્રેસને ડર
કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર કાર્યક્રમ સ્થગિત થવાનું કારણ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર વચ્ચે લગભગ 25 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને જોરદાર ટક્કર ચાલી છે. જો કે રાહુલની મુલાકાત પહેલા કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ યોગ્ય થવાની અપેક્ષા છે. જ્યારે બીજું કારણ એવું છે કે, પક્ષના નેતૃત્વએ હજુ સુધી સિદ્ધારમૈયાને કોલારથી ચૂંટણી લડવા માટેનો નિર્ણય લીધો નથી. જ્યારે સિદ્ધારમૈયા અગાઉથી જ વરુણાથી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. તેમણે કહ્યું છે કે, તેઓ 2 બેઠકો પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે, જોકે કોંગ્રેસને ચિંતા છે કે, આમ કરવાથી પ્રજા વચ્ચે ખોટો સંદેશ જશે.
25 બેઠકોને લઈને સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે ખેંચતાણ
10 મેની ચૂંટણી માટે કોંગ્રેસે અત્યાર સુધીમાં 224 બેઠકોમાંથી 166 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જ્યારે 58 બેઠકો પર દાવેદારો વધુ હોવાથી હજુ સુધી જાહેરાત કરાઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આ 58માંથી 25 બેઠકો પર સિદ્ધારમૈયા અને શિવકુમાર જૂથો વચ્ચે સમજૂતી કરવામાં મુશ્કેલી પડી રહી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં એવી બેઠકો સામેલ હતી, જેમાં ઓછાવત્તા અંશે તમામ સહમત હતા. જ્યારે બીજી યાદીમાં સિદ્ધારમૈયાને રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો. મતભેદો અંગે એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, અમે ભાજપની યાદીની રાહ જોઈ રહ્યા છીએ, એક કે બે નેતાઓ બદલાઈ શકે છે. પરંતુ બંને વચ્ચે (સિદ્ધારમૈયા અને શિવકુમાર) લગભગ 25 બેઠકો માટે ખેંચતાણ ચાલી રહી છે. તેઓ ઈચ્છે છે કે, તેમના લોકોને ટિકિટ મળે. જો કે નેતાએ કહ્યું કે આ વિવાદ કોઈ મોટા નામને લઈને નથી.
https://ift.tt/5y2461g from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/A4SdbpV
0 ટિપ્પણીઓ