ઈન્દોરમાં રામનવમીની ઉજવણી વખતે મંદિરની છત ધસી પડતાં 13નાં મોત


- પશ્વિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો

- રામનવમીએ પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત ઘણાં સ્થળોએ આગજની અને હિંસાના બનાવોથી તંગદિલી

- રામજન્મભૂમિ અયોધ્યા સહિત દેશભરમાં ભક્તિ-ભાવ સાથે રામનવમીની ઉજવણી : 25 લાખ શ્રદ્ધાળુઓએ સરયૂ સ્નાન કર્યું

નવી દિલ્હી : રામજન્મભૂમિ અયોધ્યા સહિત દેશભરના નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રામજન્મની ઉજવણી થઈ હતી. ઠેર-ઠેર શોભાયાત્રાઓ નીકળી હતી અને મંદિરોમાં બપોરે ૧૨ વાગ્યે રામજન્મની વધામણીમાં વિશેષ પૂજા થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનવમીએ દેશવાસીઓને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી. અયોધ્યાની પવિત્ર સરયૂ નદીમાં દેશભરમાંથી ઉમટી પડેલા ૨૫ લાખ ભક્તોએ સ્નાન કર્યું હતું.

દરમિયાન એક દુખદ ઘટના પણ બની હતી. મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલા બેલેશ્વર મહાદેવ મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. એ દરમિયાન પગથિયા નજીકની વાવની છત તૂટી પડતાં ૨૫થી વધુ લોકો વાવમાં ખાબક્યા હતા. એમાંથી ૧૩નાં મોત થયા હતા. એક ડઝનથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. તુરંત બચાવ કામગીરી હાથ ધરીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

રામનવમીની ઉજવણી દરમિયાન આગજની અને હિંસાના બનાવો પણ દેશના કેટલાક રાજ્યોમાં બન્યા હતા. પશ્વિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રા નીકળી ત્યારે હાવડાના શિવપુરી વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. એ પછી ઘર્ષણ થયું હતું. એ વિસ્તારમાં આગજનીના બનાવો પણ બન્યા હતા. આ ઘટના પછી તુરંત પોલીસે આખા વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી હતી અને માથાભારે તત્ત્વનો પકડવાની તજવીજ હાથ ધરી હતી. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે શાંતિને ડહોળનારા તત્ત્વો સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે અને આવી ઘટનાઓ બિલકુલ ચલાવી લેવાશે નહીં.

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પણ ઘર્ષણની ઘટના બની હતી. ૫૦૦ લોકોના ટોળાને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. એમાં ૧૦ પોલીસ જવાનો સહિત કુલ ૧૨ લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. રામનવમીની ઉજવણીને લઈને ઓરંગાબાદમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ પછી લોકોએ પોલીસને નિશાન બનાવીને પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. ટોળાને કાબૂમાં કરવા માટે પોલીસે ટીઅર ગેસ છોડયો હતો. પોલીસે હુમલાખોરોની ઓળખ કરીને ધરપકડની કાર્યવાહી શરૂ કરી હતી.

દિલ્હીના જહાંગીરપુરીમાં તંગદિલી સર્જાઈ હતી. પોલીસે સુરક્ષાનું કારણ આગળ ધરીને રામનવમીની શોભાયાત્રાની પરવાનગી આપી ન હતી. તેના કારણે શોભાયાત્રાના સમર્થનમાં લોકોને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. કેટલાક સંગઠનોએ શોભાયાત્રા કાઢવાની જીદ પકડી લીધી હોવાથી આખરે પોલીસે તેમને મર્યાદિત વિસ્તારમાં શોભાયાત્રાની પરવાનગી આપી હતી. 



https://ift.tt/Cd08w69 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yGnPQMW

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ