‘આ ધંધાને બંધ કરાવો...’ PM મોદી અને ભારત અંગે નેપાળના પૂર્વ ગૃહમંત્રીનું મોટું નિવેદન

Image - Facebook

કાઠમંડુ, તા.07 ફેબ્રુઆરી-2023, મંગળવાર

નાગરિકતા મામલે પોતાના પદ પરથી હટાવાયા બાદ નેપાળના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી રવિ લામિછાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત અંગે મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ નેપાળી મંત્રીએ કહ્યું કે, ભારત અને નેપાળના સંબંધોને બંને દેશો વચ્ચે એજન્ટ બનીને કામ કરી રહેલા લોકોથી ખતરો છે, તેથી PM મોદી નેપાળ સાથે સીધી વાત કરે. તેમણે કહ્યું કે, PM મોદીએ તેમની ટીમ અને એમ્બેસી પર કામ કરવું પડશે.

તમે સીધી વાત કરો : રવિ લામિછાને

એક પત્રકાર પરિષદમાં રવિ લામિછાએ વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘મોદી જી, જે લોકો તમારા નામ પર અહીં લૂંટી રહ્યા છે, તે લોકો નેપાળ અને ભારતના સંબંધો આગળ વધારવાનું વિચારી રહ્યા નથી. તમને લાગતું હશે કે, આપણા સંબંધો ખૂબ ઊંચાઈ પર પહોંચી ગયા છે, જોકે આ માત્ર બોલવા જેવી વાત છે. એ લોકો, જે એજન્ટ બનીને કામ કરી રહ્યા છે, તેમના પર વિશ્વાસ રાખવાનું બંધ કરો, તમે સીધી વાત કરો. કોઈ એજન્ટ તમારા માટે... આ ભારતનું વલણ છે, એમ કહીને અહીં જે ચાલે છે, આ ધંધો બંધ કરો. પૂર્વ મંત્રીએ વધુમાં કહ્યું કે, જો તમને ખરેખર લાગે છે કે, નેપાળ અને ભારત ખુબ સારા મિત્ર છે અને આપણા સંબંધોને વધુ સારા બનાવવા જોઈએ તો વચ્ચે કોઈ માણસને ન મોકલો, કોઈ પત્રકાર, કોઈ એજન્ટ, કોઈ પ્રકાશકને મોકલશો નહીં. સીધી વાત કરો... તમારે તમારી ટીમ પર કામ કરવાની જરૂર છે, તમારે તમારા દુતાવાસ સાથે કામ કરવાની જરૂર છે. તમે ત્યાં ધ્યાનથી જુઓ... જો તમે ભારત અને નેપાળના સંબંધો મજબુત કરવા ઈચ્છો છો તો આપણે એક સાથે જોડાયેલા રહેવું જોઈએ. વચ્ચે જગ્યા રાખશો તો આવા લોકો તમારા નામ પર લૂંટશે.

કોણ છે રવિ લામિછાને ?

રવિ લામિછાને નેપાળના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા, જેમને ખોટા નાગરિકતા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. નેપાળની સુપ્રીમ કોર્ટ દ્વારા તેમનું સાંસદ પદ રદ કરાયા બાદ તેમને મંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા છે અને પોતાની પાર્ટીના અધ્યક્ષ પદ પરથી પણ હાથ ધોવાનો વારો આવ્યો છે. રવિ લામિછાનેએ 2014માં અમેરિકાની નાગરિકતા સ્વીકારી હતી, ત્યારબાદ તેમની નેપાળની નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ હતી. જો કે હવે લામિછાનેને નેપાળની નાગરિકતા મેળવી લીધી છે, તેમ છતાં પ્રચંડ સરકાર તેમને મંત્રી પદ સોંપી રહ્યા નથી, જેના કારણે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો છે.



https://ift.tt/rLwd9CP from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gE3f0zK

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ