ગુજરાતમાં જંત્રી દર સીધો બમણો, આજથી જ અમલ


સ્ટેમ્પ ડયુટીની કરોડોની આવક બજેટ પહેલા બમણી કરવા ક્યાંક વિકાસ ઓછો,ક્યાંક ઘણો વધુ,ક્યાંક સ્થિર છતાં સરકારે  વધુ મગજ વાપર્યા વગર બધા વિસ્તારોના ભાવ ડબલ કરી દીધા! : 11 વર્ષ પહેલા 18-4-11થી અમલી જંત્રીના દર સીધા બમણા કોઈ મીટીંગ નહીં, પરામર્શ નહીં 

રાજકોટ, : ગુજરાત સરકારના મહેસુલ વિભાગે આજે તમામ કલેક્ટરો,મ્યુનિ.કમિશનરો, ડી.ડી.ઓ. અને સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેક્ટરો વગેરેને પરિપત્ર જારી કરીને રાજ્યમાં ૨૦૧૧થી અમલી જંત્રીદરમાં ૧૦૦ ટકાનો તોતિંગ વધારો કર્યો છે. આ વધારો આવતીકાલ તા. 5-2-2023થી જ અમલી કરવા પણ ફરમાન જારી કર્યું છે. 

રાજ્યમાં હાલ તા.18-4-2011ના નક્કી થયેલી જંત્રી મૂજબના દર સ્ટેમ્પ ડયુડી વસુલાત વગેરે  હેતુ માટે આજ સુધી અમલમાં હતા અને હવે સોમવારે ઉઘડતી ઓફિસે જ સીધા બમણાં દરથી દસ્તાવેજો નોંધવામાં આવશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે. 

જંત્રી દર બમણો કરવા મહેસુલ વિભાગના પરિપત્રમાં પુખ્ત વિચારણા કરાયાનું જણાવ્યું છે પરંતુ, વાસ્તવમાં પ્રવર્તમાન દર દરેક લત્તા,વિસ્તારો માટે સમાન ધોરણે બમણાં કરવા એ તાર્કિક નથી. વાસ્તવમાં રાજકોટ જેવા મહાનગરોમાં જ્યાં નેતાઓએ ઉંડો  રસકશ લીધો છે તેવા વેસ્ટઝોનના વિસ્તારોમાં વિકાસ ઝડપી થયો છે જ્યારે ઈસ્ટઝોનના અનેક લત્તા વિકાસમાં આજેય પછાત છે. જમીન કે મકાન વેચાય ત્યારે ભાવ વર્તમાન વિકાસ મૂજબ નક્કી થાય છે અને આ રીતે મહેસુલ વિભાગે મગજને બહુ તસ્દી દીધા વગર દર નક્કી કરી નાંખ્યા છે.

આ મહત્વની બાબતે વેપારી મહાજનો વગેરે સાથે મીટીંગ યોજાશે તેમ મનાતું હતું પરંતુ, મીટીંગ વગર કે સલાહ-સૂચનો વગર આજે નિર્ણય જાહેર કરી દેવાયો છે. આ સાથે સરકારે અમલીકરણ માટે 2011ના માર્ગદર્શનો (ગાઈડલાઈન) રદ કરીને નવા અમલમાં મુકવાનું પણ નક્કી કર્યું છે. અન્ય જોગવાઈ યથાવત્ રહેશે. સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક દ્વારા વિગતવાર સૂચના અને કાર્યપધ્ધતિ પણ ટૂંક સમયમાં બહાર પડશે. 

ગુજરાત સરકારનું બજેટ જાહેર થાય તે પહેલા સરકાર આવક વધારવાના નિર્ણયો લેવા માંડી છે, વિજકંપનીઓના દર વધારા થયા બાદ હવે અબજો રૂ।.ની આવક વધે તે રીતે સ્ટેમ્પ ડયુટી બમણી કરાઈ છે. 



https://ift.tt/tGx1Q5V

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ