અદાણી એન્ટરપ્રાઈસના શેરનો ભાવ રૂ.947થી વધારે હોવો જોઈએ નહી


- કંપનીઓના વેલ્યુએશનના ગુરુ અશ્વત દામોદરન જણાવે છે

- અદાણીએ શેરના ભાવમાં ગેરરીતી નહી કરી હોય પણ વધતી માર્કેટકેપથી નવી મૂડી ઉભી કરવાનો ચોક્કસ લાભ લીધો હશે

અમદાવાદ : અદાણી જૂથની કંપનીઓના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી અને જૂથનું શેરબજારમાં બજાર મુલ્ય ૨૦૦ અબજ ડોલર જેટલું હતું ત્યારે અદાણી એન્ટરપ્રાઈસના શેરનું મૂલ્ય ૫૫ અબજ ડોલર જેટલું હતું. આટલા ઊંચા ભાવ માટે કંપનીની આવક બહુ ઝડપી વધે, તેની નફાશક્તિ અને નફાના માર્જિન વધે એવી ધારણાઓ હોઈ શકે. 'હિન્ડેનબર્ગના અહેવાલ અને આક્ષેપો નજરઅંદાજ કરીએ તો પણ અદાણી એન્ટરપ્રાઈસના શેરનો ભાવ રૂ.૯૪૭ હોય શકે છે,' એમ પ્રસિદ્ધ ફાઈનાન્સિયલ વેલ્યુએશન ગુરુ ડો. અશ્વત દામોદરને પોતાના બ્લોગમાં જણાવ્યું હતું.

અશ્વત દામોદરન ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કુલ ઓફ બિઝનેસમાં ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ ભણાવે છે અને વિશ્વમાં કંપનીઓના સ્ટોક માર્કેટ વેલ્યુએશન અંગે સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ ગણાય છે.

હિન્ડેનબર્ગના અહેવાલ અંગે દામોદરન જણાવે છે કે ઠગનું કામ લોકોને ઉલ્લુ બનાવવાનું હોય છે. તે દેખાડે છે કૈક અલગ પણ અંદરથી પોપ્લા હોય છે જયારે અદાણી જૂથની કંપનીઓ પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર અને ખાસ કરીને ભારતમાં જંગી બિઝનેસ છે. અદાણીને ઠગ કહી શકાય નહી.

મારી દ્રષ્ટિએ અદાણી જૂથની કંપનીઓનું બજાર મુલ્ય ૨૨૦ અબજ ડોલર સુધી ગયેલું ત્યારે તે ફંડામેન્ટલ કરતા ઘણું વધારે હતું એમાં કોઈ શંકા નથી. 'અત્યારે શેરનો ભાવ (આ લેખ શનિવારે લખાયો હતો) રૂ.૧૫૩૨ છે જે કંપનીના વૃદ્ધિ, જોખમ અને રોકડ પ્રવાહ તેમજ શોર્ટ સેલરના અહેવાલના કારણે છબિ ઘસાઈ છે તે જોતા ઘણો વધારે છે,' એમ દામોદરન ઉમેરે છે.

હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ અદાણી એન્ટરપ્રાઈસના શેરના ભાવ ૪૭ ટકા જેટલા ઘટી ગયા છે અને અદાણી જૂથની કંપનીઓના બજાર મુલ્યમાં ૧૦૦ અબજ ડોલરનો ફટકો પડયો છે. અદાણી એન્ટરપ્રાઈસના શેરના ભાવ ઘટી જતા ગત બુધવારે કંપનીને રૂ.૨૦,૦૦૦ કરોડનો પબ્લિક ઇસ્યુ રદ્દ કરી રોકાણકારોએ નાણા પરત કરવા ફરજ પડી હતી.

દામોદરન જણાવે છે કે ભારતના એક્સચેન્જમાં લીસ્ટીંગના નરમ નિયમોનો ફાયદો ઉઠાવી અદાણી જુથે એક કંપનીની બીજા કંપનીના નાણાકીય વ્યવહારો પોતાની શાખ વધે એ પ્રમાણે જાહેર કર્યા છે. 

કદાચ શેરના ભાવમાં સીધી ગેરરીતી કરી હોય નહી પણ એટલું ચોક્કસ છે કે બજાર મુલ્ય વધારે થાય તેનાથી તેને નવી મૂડી ઉભી કરવાનો ફાયદો ચોક્કસ લીધો છે.

બજારનો વિશ્વાસ જીતવા અદાણીએ રૂ.9000 કરોડનું ચુકવણું કરી ગિરો શેર છોડાવ્યા

- અદાણીના માલિકોએ અદાણી પોર્ટ, ટ્રાન્સમિશન અને ગ્ર્રીન એનર્જીના શેર છોડાવ્યા

અદાણી જૂથની કંપનીઓ ઉપર ત્યારે અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગના આક્ષેપો અને અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવ તેના ફન્ડામેન્ટલ કરતા ઘણા ઊંચા છે એવા એક રિપોર્ટના લીધે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. રિપોર્ટ બહાર પડયાના ૧૦ જ દિવસમાં અદાણી જૂથનું ભારતીય બજારમાં બજાર મુલ્ય રૂ.૧૯ લાખ કરોડથી ઘટી ૧૦ લાખ કરોડ જેટલું થઇ ગયું છે. 

બજારમાં કંપનીઓના શેરમાં સતત મંદીની સર્કિટ લાગે છે. આ અનિશ્ચિતતા દૂર કરવા કંપનીના પ્રમોટર દ્વારા આજે ત્રણ જેટલી કંપનીઓના ગિરવે મૂકવામાં આવેલા શેર નાણા ચૂકવી છોડાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે.

અદાણીએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રમોટર દ્વારા ૧.૧ અબજ ડોલર ચૂકવી આ શેર છોડાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતે શેર ગિરવે મુક્યા પછી તેની સામે ઉભા કરેલા નાણાની પરત ચૂકવણી સપ્ટેમ્બર ૨૦૨૪માં કરવાની હતી પણ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇ, કંપનીના પ્રમોટર બિઝનેસ અંગે કટિબદ્ધ છે એના માટે થઇ આ ચુકવણું કરી રહ્યા છે.

૧.૧ અબજ ડોલર કે રૂ.૯૦૦૦ કરોડની રકમ ચૂકવી અદાણીના પ્રમોટર દ્વારા અદાણી પોર્ટના ૧૬.૮૨ કરોડ શેર, અદાણી ગ્રીન એનર્જીના ૨.૭૫૬ કરોડ અને અદાણી ટ્રાન્સમિશનના ૧.૧૭ કરોડ શેર છોડાવી લેશે એવી જાહેરાત થઇ છે. 

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પણ અદાણીના ડોલર બોન્ડ જામીનગીરી તરીકે નહી સ્વીકારે

સિટી ગુ્રપ, ક્રેડીટ સ્વીસ, બાર્ક્લીઝ બેંક બાદ હવે વિશ્વની વધુ એક અગ્રણી બેંક સ્ટાન્ડરડ ચાર્ટર્ડ પણ અદાણી જૂથ દ્વારા બહાર પાડવામાં આવેલા ડોલર બોન્ડ જમીનગીરી તરીકે સ્વીકારશે નહી એવું જાણવા મળ્યું છે. અદાણી જૂથ સામે હિન્ડેનબર્ગના અહેવાલ બાદ કંપનીના ડોલર બોન્ડના ભાવમાં જંગી ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ક્રેડીટ રેટિંગ એજન્સી એસએન્ડપીએ કેટલાક બોન્ડનું ક્રેડીટ રેટિંગ ઘટાડી નેગેટીવ કરવામાં આવ્યું હતું. સ્ટાન્ડરડ ચાર્ટર્ડ બેન્કે પોતાના એશિયા અને યુરોપના ગ્રાહકોને આ ડોલર બોન્ડ સામે ધિરાણ નહી આપવા માટે સુચના આપી છે.

અદાણી જુથના શેરોમાં  કડાકાથી એમએસસીઆઈ ઈન્ડેકસમાં ભારત કરતા તાઈવાન આગળ નીકળી ગયું

અદાણી જુથના શેરોમાં ભારે કડાકા બાદ એમએસસીઆઈના ઊભરતી બજાર બેન્ચમાર્કમાં ભારતનું વેઈટેજ ઘટી ત્રીજા સ્થાને આવી ગયું હતું અને બીજા ક્રમ સાથે તાઈવાને ભારતનું સ્થાન લીધું હતું. 

 એમએસસીઆઈ ઈમરજિંગ માર્કેટસ ઈન્ડેકસમાં જાન્યુઆરીના અંતે તાઈવાનનું વેઈટેજ વધીને ૧૪.૨૦ ટકા આવી ગયું હતું જ્યારે ૩૧.૨૦ ટકા સાથે ચીન બીજા ક્રમે રહ્યું હતું. ૧૩ ટકા સાથે નીચે ઊતરી ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું હતુ એમ બ્લુમ્બર્ગ દ્વારા એકત્રિત કરાયેલા આંકડા જણાવે છે.અમેરિકાની હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ અદાણી જુથની કંપનીઓના શેરભાવમાં જંગી વેચવાલીથી જુથની માર્કેટ કેપમાં અંદાજે ૧૧૨ અબજ ડોલરનું ધોવાણ થઈ ગયું છે. ભારત કરતા તાઈવાન આગળ નીકળી ગયું છે જે અદાણી જુથના શેરોમાં ધોવાણની  કેટલી ગંભીર અસર થઈ છે તેનો અંદાજ પૂરો પાડે છે. 

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/B4deK3o https://ift.tt/WRy1vdz

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ