એપ્રિલથી 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન : જાણો કયા રાજ્યોને મળશે ભેટ

નવી દિલ્હી, તા.06 ફેબ્રુઆરી-2023, સોમવાર

ભારતીય રેલવે ટૂંક સમયમાં ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Trains) શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ ટ્રેન બિહારથી દોડાવાશે. નવી સેમી-હાઈ સ્પીડ ટ્રેન પટણા-રાંચી, પટણા-હાવડા અને વારાણસી-હાવડા રૂટ પર શરૂ થવાની અપેક્ષા છે. જોકે આ અંગે રેલવે તરફથી કોઈપણ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. એપ્રિલ મહિનાથી પટણા-હાવડા, પટણા-રાંચી અને વારાણસી-હાવડા વાયા ગયા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

બિહારના 87 રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ કરાશે

મીડિયા અહેવાલ અનુસાર આ વખતે બજેટ-2023માં બિહારને રેલવેના વિસ્તરણ અને વિકાસ માટે 8505 કરોડ રૂપિયા ફાળવાયા છે. અગાઉ બિહારને ફાળવાતી રકમથી આ રકમ સાત ગણી વધુ છે. આ નાણાંનો ઉપયોગ નવા સ્ટેશનનો નિર્માણ, રેલવે ક્રોસિંગ ફ્લાઈ ઓવર અને નવી ટ્રેનોના સંચાલન માટે કરાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના એક નિવેદનને ટાંકીને પૂર્વ મધ્ય રેલવેના એક અધિકારીએ કહ્યું કે, બેગુસરાય અને મોકામા વચ્ચે રાજેન્દ્ર પુલની સમાંતર નવા રેલ બ્રિજનું નિર્માણ કરવા ઉપરાંત રાજ્યમાં 87 સ્ટેશનોનો પુનઃવિકાસ પણ કરાશે. અમૃત ભારત યોજના હેઠળ ગયા સ્ટેશન પર 296 કરોડ રૂપિયા, મુજફ્ફરપુર સ્ટેશન માટે 442 કરોડ રૂપિયા અને બાપૂધામ મોતિહારી સ્ટેશન પર 221 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

પટણાથી રાંચીની સફર 4 કલાકની

બિહારની રાજધાની પટણા અને ઝારખંડની રાજધાની રાંચીને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનથી જોડવામાં આવશે. વંદે ભારત ટ્રેન દોડાવાથી બંને રાજધાનીઓ વચ્ચેનો સફર માત્ર 4 કલાકમાં પૂરો કરી શકાશે. રેલવે ઓગસ્ટ 2023 સુધીમાં 75 વંદે ભારત ટ્રેન શરૂ કરી દેશે. રેલવેએ ગત નવેમ્બરમાં દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચેન્નાઈ-બેંગુલુ-મૈસૂર રુટ પર શરૂ કરી હતી.



https://ift.tt/5SFkK0L from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aTsXn4I

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ