વડોદરામાં 10 ફૂટ ઊંડા ખાડામાં બે વર્ષનું બાળક પડ્યું, ફાયર વિભાગે સહીસલામત બહાર કાઢ્યું


વડોદરા, 31 ડિસેમ્બર 2022, શનિવાર

વડોદરા શહેરમાં એક બે વર્ષનું બાળક  રમતા રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં પડયું હતું. આ ઘટનાને લઈને ચારેબાજુ બૂમરાણ મચી ગઈ હતી. બાળકના પરિવારજનોએ દોડાદોડ કરી મુકી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને બાળકને બચાવવાના કામમાં લાગી ગયાં હતાં. પોલીસ પણ આ ઘટનાને લઈને પહોંચી ગઈ હતી. આખરે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બાળકને બચાવી લીધું હતું. બાળક ખાડામાં પડી ગયાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડે બાળકને સલામત રીતે બહાર કાઢતાં લોકોએ ફાયરબ્રિગેડની કામગીરીનાં વખાણ કર્યાં હતાં.


પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદ જિલ્લાના શ્રમજીવી પરિવાર વડોદરામાં રહે છે. આ પરિવારનું બે વર્ષનું બાળક જેનું નામ અરુણ મહેશભાઈ માવી રમતાં રમતાં આજે 10 ફૂટ ઊંડા ખાડામાં પડી  ગયું હતું. બાળકને ખાડામાં પડી જવાની ખબર પડતાં જ તેના પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યું હતું. આ બનાવને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. જ્યારે પોલીસ અને દાંડિયાબજાર તેમજ પાણીગેટ ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.


ફાયર વિભાગને આજે એક કોલ મળ્યો હતો કે, જૂના શિવજીના મંદિર પાસે એક બાળક ઊંડા ખાડામાં પડી ગયું છે, જેથી ફાયરબ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરી હતી. ખાડો સાંકડો હોવાથી બાળકને રેસ્ક્યૂ કરવામાં ફાયરબ્રિગેડને ખૂબ જ મુશ્કેલી પડી હતી. ફાયરબ્રિગેડે બાજુમાં જ JCBની મદદથી બીજો ખાડો ખોદવાનું શરૂ કર્યું હતું. જોતજોતાંમાં જ ખાડો ખોદીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું અને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું.


Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CA24gy8 https://ift.tt/rmqiAGd

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ