રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાત હોકીમાં હાર્યુ, સ્વીમીંગમાં સીલ્વર મેડલ મેળવ્યો


રાજકોટમાં સ્વીમીંગમાં 4  નેશનલ રેકોર્ડ તૂટયા  : દિલ્હીની ભવ્યાએ માત્ર 9:15:24માં 800મીટર તરીને રેકોર્ડ સ્થાપ્યો ગુજરાતનો આર્યન નહેરા 1500  મી.16:03:14માં તરીને બીજા નંબરે 

રાજકોટ, : રાજકોટમાં રેસકોર્સમાં હોકી ગ્રાઉન્ડમાં ૩૬મી નેશનલ ગેઈમ્સમાં  આજે હોકી સ્પર્ધાના બીજા દિવસે છ મેચ રમાયા હતા જેમાં ગુજરાતનો આજે પણ કરુણ પરાજ્ય થયો હતો. જો કે ગુજરાતના ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક જણાવ્યું કે મજબૂત ટીમો સામે રમીને ઘણુ શિખવા મળ્યું છે. જ્યારે સ્વીમીંગમાં આજે ગુજરાતે ખાતુ ખોલાવ્યું હતું અને આર્યન નહેરા ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલ ૧૬ મિનિટ ૩ઃ૧૪ સેકન્ડમાં પૂરૂ કરીને દ્વિતીય નંબરે આવીને સીલ્વર મેડલ મેળવ્યો હતો. હોકીમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્રની ટીમો વિજેતા થઈ હતી તો સ્વીમીંગમાં  મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને એસ.એસ.સી.બી.ના તરવૈયાઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

સ્વીમીંગમાં રાજકોટનું કોઠારીયા રોડ પર આવેલ મનપા સંચાલિત  સ્નાનાગાર આજે એક દિવસમાં ચાર ચાર રેકોર્ડનું સાક્ષી બન્યું છે. (૧)ફ્રી સ્ટાઈલમાં ૧૫૦૦ મીટરનું અંતર મધ્યપ્રદેશના અદ્વેત જૈને ૧૫ મિનિટ ૫૪.૭૯ સેકન્ડમાં પૂરૂ કરીને ઈ.૨૦૧૫નો ૧૫ઃ૫૫ઃ૭૮નો રેકોર્ડ તોડયો હતો. (૨)મહિલાઓ માટેની ૮૦૦ મીટર ફ્રી સ્ટાઈલ દિલ્હીની ભવ્યા સચદેવએ ૯ મિ. અને ૧૫.૨૪ સેકન્ડમાં તરીને ઈ.સ.૨૦૧૫નો આકાંક્ષા વોરાનો ૯ઃ૧૪ઃ૩૦નો રેકોર્ડ સાંકડી માર્જીનથી તોડયો હતો. (૩) ૨૦૦ મી.બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધામાં કર્ણાટકની એસ.લક્ષ્યાએ ૨ઃ૪૫ઃ૯૬માં પૂરૂ કરીને કર્ણાટકની જ સજની સેટ્ટીનો રેકોર્ડ તોડયો હતો. (4) સાંજે ફાઈનલમાં આ જ સ્પર્ધકે 2 મિનિટ 42.63 સેકન્ડમાં એટલે કે સવાર કરતા આશરે 3 સેકન્ડ વહેલું પૂરૂ કરીને પોતાનો જ રેકોર્ડ તોડયો હતો. આમ, સવારનો નવો વિક્રમ સાંજે તૂટયો હતો!  સ્વીમીંગમાં મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક સહિત રાજ્યો પ્રથમ નંબરે આવ્યા છે.

ગુજરાત-ઉત્તરપ્રદેશ વચ્ચે મહિલા હોકી મેચમાં ઉત્તર પ્રદેશે એક પછી એક ૨૦ ગોલ ફટકારી દીધા હતા ત્યારે ગુજરાતની ટીમ એક પણ ગોલ કરી શકી ન્હોતી. જ્યારે પુરુષોની મેચમાં ગુજરાતની ટીમ માંડ 1 ગોલ કરી શકી અને મહારાષ્ટ્રની ટીમ 20  ગોલ સાથે જ્વલંત વિજય મેળવ્યો હતો. અન્ય રાજ્યોમાં ઓરીસાના ઝીરો ગોલ સામે હરિયાણા ૪ ગોલથી, પશ્ચિમ  બંગાળના પણ ઝીરો ગોલ સામે હરિયાણા 7 ગોલથી વિજેતા થયું હતું. જ્યારે કર્ણાટક અને ઝારખંડ વચ્ચે કાંટે કી ટક્કર જામી હતી અને બન્નેએ ત્રણ-ત્રણ ગોલ કરતા મેચ ડ્રો થયો હતો. હોકીમાં ભલે કારમી હાર મળી પણ તરણસ્પર્ધામાં ગુજરાતે બરાબર ટક્કર આપી છે અને હજુ વધુ મેડલ મળવાની આશા રખાઈ રહી છે.




https://ift.tt/40bDHkB

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ