- વડા પ્રધાન મોદી દ્વારા હિમાચલના બિલાસપુર ખાતે એઈમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
- ગંભીર બિમારીઓની સારવાર માટે, અભ્યાસ માટે કે પછી રોજગારી માટે હવે દિલ્હી સુધી જવાની જરૂર નથી
બિલાસપુર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિજયાદશમીના અવસરે હિમચાલ પ્રદેશના બિલાસપુર ખાતે એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સિવાય શિક્ષણ, વ્યવસ્થાપન, ઈન્ફ્રા અને અન્ય સેક્ટરમાં પીએમ મોદી દ્વારા 3650 કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને ખાત મુર્હત કરવામાં આવ્યું હતું. તેમણે એક વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું કે, અમારી સરકારમાં જે યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવે છે તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવે છે. તેણે જણાવ્યું હિમાચલ અવસરોનો પ્રદેશ છે. અહીંયા તમામ સ્તરે સારા અવસરો પ્રાપ્ત થાય છે. એક સમય હતો જ્યારે લોકોને સારી સારવાર લેવા, શિક્ષણ માટે કે પછી રોજગારના અવસરો શોધવા માટે ચંડીગઢ અને દિલ્હી સુધી જવું પડતું હતું પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.
હિમાચલના લૂણનું ઋણ ઉતારવાનો સમય છે
પીએમ મોદીએ કહ્યું કે, મેં હિમાચલની રોટી ખાધી છે... અહીંયા મને ભોજન મળ્યું છે, પ્રેમ મળ્યો છે, આવકાર મળ્યો છે. હવે મારે તેના લુણનું ઋણ ઉતારવાનું છે. હિમાચલમાં આઈઆઈટી, આઈઆઈએમ અને હવે એમ્સ પણ આવી ગઈ છે. 2016માં તેનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. અમારી સરકારમાં જેનો શિલાન્યાસ થાય છે તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, અહીંયા મેડિકલ ટૂરિઝમની પણ અઢળક શક્યતાઓ છે. હવે વિદેશમાંથી લોકો સારવાર કરાવવા માટે ભારત આવશે.
અટકના, લટકના, ભટકના... આ જમાનો ગયો
વિપક્ષો ઉપર પ્રહાર કરતા મોદીએ જણાવ્યું કે, એક સમય હતો જ્યારે જૂની સરકારો દ્વારા લોકોને માત્ર વાયદા કરવામાં આવતા હતા. અહીંયા યોજનાઓની વાતો થતી પણ કામ કોઈ થતું નહોતું. તમે દિલ્હીમાં મોદીને વોટ આપ્યો અને હિમાચલમાં મોદીના સાથીઓને જીતાડ્યા તેથી ડબલ એન્જિન સરકાર આવી અને વિકાસ થયા. એક સમય હતો જ્યારે અટકના, લટકના અને ભટકના જેવી વાતો સામાન્ય હતી, લોકો પરેશાન હતા પણ હવે એ જમાનો ગયો. અહીંયા રેલવે માટે છેલ્લે 35 વર્ષમાં કોઈ રિવ્યૂ કરાયો જ નહોતો. અમારી સરકાર દ્વારા આ દિશામાં કામ કરવામાં આવ્યું.
હાઈડ્રો એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
હિમાચલમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અહીંયા પીએમ દ્વારા 3650 કરોડની કિંમતના પ્રોજેક્ટ કાર્યરત કરાયા છે. તેમાં 1470 કરોડના ખર્ચે બનેલી એમ્સ લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ ઉપરાંત 1611 કરોડની અન્ય યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાયા છે. અહીંયા બિલાસપુર હાઈડ્રો એન્જિનિયરિંગ કોલેજ ખુલ્લી મુકવામાં આવી. તે ઉપરાંત બીદ્દી મેડિકલ ડિવાઈસ પાર્ક અને ભારતમાલા પરિયોજના હેઠળ પિંજોરથી નાલાગઢ વચ્ચે 31 કિ.મી લાંબા ફોરલેન નેશનલ હાઈવેનું બિલાસપુર ખાતેથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
https://ift.tt/tnKTAol from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/C2ANdk6
0 ટિપ્પણીઓ