- આજે વતન સૈફઇ ગામમાં અંતિમસંસ્કાર કરાશે
- રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મુલાયમસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી
- ઉ. પ્રદેશમાં ત્રણ દિવસનો શોક જાહેર, રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે : યોગીની જાહેરાત
નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુલાયમસિંહ યાદવનું ૮૨ વર્ષની વયે નિધન થયું હતું. ખેડૂત પરિવારમાં જન્મેલા અને જેમને સ્થાનિક લોકો સાથે જોડાયેલા નેતા તરીકે ઓળખવામાં આવતા હતા તે મુલાયમસિંહ યાદવને ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ઘણા સમય સુધી આઇસીયુમાં રખાયા હતા. જોકે તેઓએ સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.
અખિલેશ યાદવે ટ્વીટ કરીને મુલાયમસિંહ યાદવની હોસ્પિટલની તસવીર જાહેર કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે મારા આદરણીય પિતાજી અને નેતાજી આપણી વચ્ચે નથી રહ્યા. મંગળવારે મુલાયમસિંહ યાદવના અંતિમ સંસ્કાર તેમના ગામ સૈફઇમાં કરવામાં આવશે. જે ઉત્તર પ્રદેશના ઇટાવાહ જિલ્લામાં આવેલુ છે. મુલાયમસિંહ યાદવને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મમતા બેનરજી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે મુલાયમસિંહ યાદવ એક સાધારણ વાતાવરણમાંથી આવતા હોવા છતા એક અસાધારણ વ્યક્તિ બન્યા, તેમની સિદ્ધી અસાધારણ હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મુલાયમસિંહ યાદવે પોતાનું જીવન લોકોની સેવા માટે સમર્પિત કરી દીધુ. તેઓએ પોતાના જીવનમાં રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણના વિચારોનો ફેલાવો કર્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મેદાંતા હોસ્પિટલમાં મુલાયમસિંહ યાદવના પરિવારને મળવા ગયા હતા. અમિત શાહે અખિલેશ યાદવની સાથે મુલાકાત કરી હતી અને મુલાયમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
જ્યારે કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા અને જદ(યુ)ના નેતા કેસી ત્યાગી પણ હોસ્પિટલમાં મુલાયમને શ્રદ્ધાંજલી પાઠવવા અને તેમના પરિવારને મળવા માટે પહોંચી ગયા હતા. દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવતા કહ્યું હતું કે તેઓ મંગળવારે મુલાયમસિંહ યાદવની અંતિમક્રિયામાં હાજર રહેશે. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસ માટે શોક જાહેર કર્યો હતો. અને તેમની અંતિમક્રિયા સંપૂર્ણ રાજકીય સન્માસ સાથે કરવામાં આવશે તેવી જાહેરાત પણ યોગીએ કરી હતી. મુલાયમસિંહ યાદવ ૧૦ વખત ધારાસભ્ય રહ્યા જ્યારે સાત વખત તેઓ સાંસદ બન્યા હતા. વર્ષ ૧૯૮૯થી ૯૧, ૧૯૯૩થી ૯૫ અને ૨૦૦૩થી ૨૦૦૭ દરમિયાન ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા, જ્યારે ૧૯૯૬થી ૧૯૯૮ દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી પણ રહ્યા.
https://ift.tt/LvMzGJr from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/T6H5IKt
0 ટિપ્પણીઓ