નિવૃત્તિ પછી 10 વર્ષ પછી શું થશે ? લોકોને તે સતત ચિંતા સતાવે છે


- સર્વેક્ષણમાં કેટલીયે ચોંકાવનારી હકીકતો બહાર આવી છે : મોટા ભાગના લોકો આરોગ્યને સૌથી વધુ મહત્ત્વનું માને છે

નવી દિલ્હી : દેશમાં મોંઘવારી (ઇન્ફ્લેશન) આર.બી.આઇ.ના નિશ્ચિત લક્ષ્ય કરતાં સતત ઉપર જઈ રહી છે. એક તરફ તેણે લોકોનું બજેટ બગાડી નાખ્યું છે. ત્યાં બીજી તરફ વૃદ્ધાવસ્થાને લીધે પણ ચિંતા વધી રહી છે. આમ છતાં વધતી મોંઘવારી વચ્ચે પણ લોકો વધુ બચત અંગે વિચારે છે. એક સર્વેક્ષણમાં તેવું જાણવા મળ્યું છે કે, લોકોને તે ચિંતા કોરી ખાય છે કે તેમની બચત નિવૃત્તિ પછી જીવન ગાળવા માટે પર્યાપ્ત નથી.

'આજતક'ની સહયોગી વેબસાઇટ 'બીઝનેસ ટુડે' પર અંક્તિ 'મેક્સ લાઇફ સર્વે'ના રિપોર્ટ પ્રમાણે ૫૯ ટકા લોકો તેમ કહે છે કે, તેમણે 'રિટાયરમેન્ટ પ્લાનિંગ' નીચે જે બચત કરી છે તે કદાચ આવતા ૧૦ વર્ષમાં જ ખતમ થઈ જશે.

'ઇંડિયા રિટાયરમેન્ટ ઇન્ડેક્સ સ્ટડી' (IRIS) ની સેકન્ડ એડીશન પ્રમાણે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતમાં ૨૯ ટકાથી વધુ લોકો માને છે કે મોંઘવારીએ જ તેમને વધુ બચત માટે પ્રેરિત કર્યા છે. એટલે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ અંગે વિચારવા માટે એક 'ટ્રિગર' જેવું કામ કર્યું છે. આ પૂર્વે આ આંક ૧૮ ટકા હતો એટલે કે વધી રહેલી મોંઘવારીએ બચત પ્રત્યે વધુ સજાગ કર્યા છે.

આ સર્વેમાં સુખ- શાંતિભરી, સ્થિર અને સ્વતંત્ર તેવી નિવૃત્તિ પછીની જિંદગી જીવવા અંગે, શહેરી નિવાસીઓની તૈયારીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ જોઈએ તો ભારતનો રિટાયરમેન્ટ ઇન્ડેક્સ ૪૪ હતો. આ સાથે તે વાત પણ જાણવા મળે છે કે, નિવૃત્તિ દરમિયાન પોતાના કુટુમ્બીજનો, મિત્રો અને સામાજિક સમર્થન ઉપર નિવૃત્તિનો આધાર વધી રહ્યો છે. તે 'રીટાયરમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ' માટે ઘણું અવરોધરૂપ છે.

મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સે આ સર્વે 'માર્કેટિંગ ડેટા એન્ડ એનેલિસ્ટિક કંપની' KANTAR ની સાથે મળીને તૈયાર કર્યો છે. આ સર્વે દ્વારા લોકોની રિટાયમેન્ટ પછીની તૈયારીઓના સ્તરની તપાસ કરાઈ છે જેમાં ૨૮ શહેરોમાં વસતા ૩,૨૨૦ લોકોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા. આ શહેરોમાં ૬ મેટ્રો, ૧૨ ટાયર-૧, ૧૦- ટાયર-૨ શહેરો આવૃત્ત હતા. તેમાં જાણવા મળ્યું છે કે, ૫૦ વર્ષથી વધુ વયના ૮૬ ટકાએ ખેદ દર્શાવ્યો હતો કે તેમણે નિવૃત્તિ પહેલા બચત શરૂ કરી ન હતી પરંતુ ૫૯ ટકા લોકો નિવૃત્તિ દરમિયાન આરોગ્યને સૌથી વધુ મહત્ત્વનું માને છે. માત્ર ૩૧ ટકા જ ફાયનાન્સને મહત્ત્વ આપે છે.

મેક્સ લાઇફના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ પ્રશાંત ત્રિપાઠીનું કહેવું છે કે, જીવનની લંબાઈ વધતી જશે અને આરોગ્ય સેવા વધતી જશે તેેમ તેમ દેશમાં વૃદ્ધોની ટકાવારી ૪૧ ટકા સુધી પહોંચી, ૧૯૪ મીલીયન (૧૯ કરોડ, ૪૦ લાખ) થવા સંભવ છે. તેથી લોકોએ નાની ઉંમરથી જ રિટાયરમેન્ટ પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ જેથી નિવૃત્તિ દરમ્યાન સ્વસ્થ અને સ્વતંત્ર રીતે જીવન જીવી શકે.



https://ift.tt/lr3Je0S from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wUrX6F0

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ