ગરબા મેદાનમાં આવનારા દરેક વિદ્યાર્થીને તિલક કરીને તેના પર ગૌમૂત્રનો છંટકાવ કરાશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા નવરાત્રી પહેલા કેમ્પસની બહાર અલગ અલગ જગ્યાએ રાત્રી બીફોર નવરાત્રીના આયોજન થઈ રહ્યા છે ત્યારે વિધર્મી યુવાનો દ્વારા તેના પ્રચાર માટેના લાગેલા આરોપોથી વિદ્યાર્થી સંગઠનોની ગરબા ઈવેન્ટસ વિવાદમાં આવી રહી છે.

કોમર્સની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના એક વિધર્મી આગેવાને પોતાની તસવીરો સાથે ગરબાના કરેલા પ્રચારના પગલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુભાનપુરા વિસ્તારના મેદાન પર તેને ગરબા કરવા માટે અપાયેલી પરવાનગી રદ કરવામાં આવી છે તો હવે યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થી  સંગઠનો ઓલ ગુજરાત સ્ટુન્ડટ યુનિયન, વિદ્યાર્થી વિકાસ સંઘ અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા ૨૪ સપ્ટેમ્બરના રોજ નવલખી મેદાન ખાતે ગરબા ઈવેન્ટનુ આયોજન કરાયુ છે.

જોકે આ ગરબા ઈવેન્ટ માટે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થી વિકાસ સંઘ સાથે જોડાયેલા અને નવાયાર્ડ વિસ્તારમાં રહેતા એક વિધર્મી વિદ્યાર્થીએ પોતાના ફોટોગ્રાફ સાથે   પ્રચાર કર્યો હોવાનો વળતો આક્ષેપ એનએસયુઆઈએ કર્યો છે.જોકે  ગરબા આયોજન સાથે કોઈ વિધર્મી સંકળાયેલા નથી તેવુ પૂરવાર કરવા માટે ઉપરોકત ત્રણે સંગઠનોએ જાહેર કર્યુ છે કે, ૨૪ સપ્ટેમ્બરે રાત્રી બીફોર નવરાત્રીમાં એક પણ વિધર્મીને એન્ટ્રી આપવામાં નહીં આવે.ગરબામાં આવનારા દરેક વિદ્યાર્થીને કુમ કુમ તિલક કરીને જય માતાજી બોલાવીને એન્ટ્રી અપાશે તથા તેના પર ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવશે. સાથે સાથે ગરબાના ગ્રાઉન્ડમાં પણ ગંગાજળ તેમજ ગૌમૂત્ર છાંટવામાં આવશે.

ગરબા પાસ પર વિધર્મી યુવકનો ફોટો હોવાના મુદ્દે

એનએસયુઆઈને સુભાનપુરા બાદ માંજલપુરમાં ગરબા માટે મેદાન ના મળ્યુ

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા યોજાનારા રાત્રી બીફોર નવરાત્રીનો પ્રચાર વિધર્મી વિદ્યાર્થીએ પોતાના ફોટા સાથેના પાસ બહાર પાડીને કર્યો હોવાના વિવાદ બાદ વિશ્વ હિન્દુ પરિષદે સુભાનપુરા વિસ્તારના મેદાન પર ગરબાની પરવાનગી રદ કરાવડાવી હતી.એ પછી એનએસયુઆઈ દ્વારા માંજલપુર વિસ્તારમાં ગરબા મેદાન મેળવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા.જોકે આ મેદાન પર નવરાત્રી યોજનારા આયોજકોએ પણ એનએસયુઆઈને ગ્રાઉન્ડ આપવાની ના પાડી દીધી છે.એનએસયુઆઈનો આક્ષેપ છે કે, એબીવીપી અને ભાજપે વિશ્વ હિન્દુ પરિષદને હાથો બનાવીને એનએસયુઆઈ કાર્યક્રમ ના યોજી શકે તે માટે આયોજકોને ધાક ધમકી આપવામાં આવી છે.શહેર ભાજપ  પ્રમુખ , ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ આયોજકોને ધાક ધમકી આપવામાં સામેલ હતા.

ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને ગરબા રમવા ૧૨ વાગ્યા સુધીની પરવાનગી

બે વર્ષ બાદ નવરાત્રી પર્વ યોજાવાનુ છે ત્યારે યુનિવર્સિટીની  ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને રાત્રે બાર વાગ્યા સુધી ગરબા  રમવા માટે બહાર જવાની પરવાનગી હોસ્ટેલ સત્તાધીશો દ્વારા આપવામાં આવી છે. ૧૨ વાગ્યા પછી જો વિદ્યાર્થિનીએ પોતાના કોઈ સબંધીને ત્યાં રોકાવુ હશે તો તે સબંધીની સંમતિ સાથે તેને છુટ આપવામાં આવશે.નહીંતર વિદ્યાર્થિનીઓએ ગરબા રમીને બાર વાગ્યા  સુધીમાં હોસ્ટેલમાં આવી જવુ  પડશે.



https://ift.tt/VK24GHX

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ